Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ઘઘા ઘટ બિનસૈ હોઈ, ઘટ હી મેં ઘટ રાખુ સમોઈ
જો ઘટ ઘટૈ ઘટહિ ફિરિ આવૈ,  ઘટહી મેં ફિરિ ઘટહી સમાવૈ ... ૫

ડડા નિરખત નિશિદિન જાઈ, નિરખત નૈન રહા રત નાઈ
નિમિષ એક જો નિરખૈ પાવૈ, તાહિ નિમિષમેં નૈન છિપાવૈ ... ૬

ચચા ચિત્ર રચો બડભારી, ચિત્ર છાંડિ ચેતુ ચિત્રકારી
જિન્હિ યહ ચિત્ર બિચિત્ર ઉખેલા, ચિત્ર છાંડિ તૈં ચેતુ ચિતેલા ... ૭

છછા આહિ છત્રપતિ પાસા, છકિ કિન રહસિ મેટિ સબ આસા
મૈં તોહિ છિન છિન સમુજાવા, ૧૦ખસમ છાંડિ કસ આપુ બંધાવા ... ૮

સમજૂતી

ઘ અક્ષર સૂચવે છે કે સ્થૂળ શરીરનો નાશ થયા પછી વાસનાયુક્ત મન બીજું શરીર ધારણ કરે જ છે. માટે સ્થૂળ શરીરમાં જ મનરૂપી સૂક્ષ્મ શરીરનો નિગ્રહ કારી લેવો જોઈએ. નહીં તો શરીર પછી શરીર જન્મ્યા જ કરશે. - ૫

રાત પછી દિવસ ને દિવસ પછી રાત એમ જીવનનો મહામૂલ્યવાન સમય વીતી જાય છે. વિવિધ વિષયોના ફળની રાહ જોતી આંખો પણ થાકીને લાલ ચોળ થાય છે. જે ક્ષણે જોવા જેવું આવે છે ત્યારે તો તું આંખો મીંચીને ઊંઘી જાય છે !  - ૬

ચ અક્ષર સૂચવે છે કે મન દ્વારા સંસારરૂપી વિશાળ ચિત્રની રચના કરવામાં આવી છે. માટે સંસારરૂપી ચિત્રનો મોહ છોડી હે જીવ, તું ચતી જા !  ચિત્ર વિચિત્ર સંસારની રચના જેણે કરી છે તે મહાન ચિત્રકારનું જ ચિંતન કર !  - ૭

છ અક્ષર કહે છે કે રાજાધિરાજ તો તારા શરીરમાં જ રહેલા છે. તો શા માટે સર્વ આશાઓ છોડીને તું હે જીવ, તૃપ્ત નથી રહેતો ?  મેં તને વારંવાર સમજાવ્યું છે છતાં તારામાં રહેલા સાચા સ્વામીને છોડીને તું કેમ બંધનોમાં પડી  ગયો ?  - ૮

૧. ઘટ એટલે શરીર. સ્થૂળ શરીરનો સ્મશાનમાં નાશ થાય ચ છે પણ સૂક્ષ્મ શરીરનો નથી થતો. મનમાં રહેલી વાસનાઓનું સૂક્ષ્મ શરીર  બનેલું હોય છે. તેથી તેવું મન ફરીથી શરીર ધારણ કરીને જગતમાં જન્મ લે છે.

૨. આ રીતે આવાગમન ચાલ્યા કરે છે. શરીર જન્મે છે ને મરે છે.  વળી પાછું આવે છે ને જાય છે. જન્મ મરણનું ઘટના ચક્ર ચાલ્યા જ કરે છે. તેનો અંત આણવો હોય તો મન વાસના વિનાનું બનાવવું જરૂરી ગણાય છે.

૩. રત એટલે રાતી, મન બહિર્મુખ હોવાથી બહાર ભટક્યા કરે છે ને વિવિધ વિષયોની આસક્તિમાં તે ફસાયા કરે છે. વિષય પદાર્થની મોહિનીમાંથી તેને અળગું કરવું મુશ્કેલ થઈ પડે છે. તેનો રજોગુણી સ્વભાવ અહીં રાતા રંગ દ્વારા સૂચવ્યો છે. ઉત્તમ ફળની આશામાં આંખો પણ થાકી જાય છે.

૪. આંખો થકી જાય છે ત્યારે તમોગુણનો પ્રભાવ વધી જાય છે. માણસ સૂઈ જાય છે કે તરત જ આંખો નિદ્રાધીન થઈ જાય છે. જ્યારે તક આવે છે ત્યારે તે ઊંઘી જાય છે. તકની સોનેરી ક્ષણ તો નકામી ચાલી જાય છે. સામે આવેલા મહાપુરુષને જીવ ઓળખી શકતો નથી અને તેથી તેનો લાભ લઈ શકતો નથી. જો તે જાગૃત હોય તો તેવી તકનો તે લાભ લઈ શકે. જ્ઞાન પ્રાપ્ત કરી શકે. મન અંતર્મુખ બનાવવાનો મહિમા તે સમજી શકે અને યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા પોતાના મનને સ્વ સ્વરૂપમાં સ્થિર કરવાનો પ્રયત્ન કારી શકે. મહાપુરુષોથી સંનિધિમાં તેવો પુરુષાર્થ કરવામાં આવે તો તેઓની કૃપાની મદદ પણ જીવને મળી રહે છે. તેથી સાધકે તો સદૈવ જાગૃત રહેવું જોઈએ અને સામે આવેલી તકને સાધી લેવી જોઈએ.

૫. સંસાર રૂપી વિશાળ ચિત્ર. સંસાર મનમાંથી જ પેદા થયો છે. તેથી કહેવાયું છે કે જ્યાં સુધી મન છે ત્યાં સુધી સંસાર છે. મન જો અમન કરી દેવામાં આવે તો સંસાર મનમાંથી નાશ પામે છે. પણ મનને અમન કરવું કેવી રીતે ?

૬. જો મન બહિર્મુખ હોય તો મનને અમન કારી શકાય જ નહિ. અંતર્મુખ મન કર્યા પછી જ મનને અમન કરવાનો પુરુષાર્થ થઈ શકે. ચિત્રનું નહિ પણ ચિત્રકારનું ચિંતન કરવાથી એટલે કે સંસારનું નહિ પણ સંસારના સર્જકનું ચિંતન કરવાથી મનને અમન કરવાની શરૂઆત થઈ શકે.

૭. સંસાર ખેલ કરનાર તું પોતે જ છે.

૮. તું પોતે જ મહારાજાધિરાજ છે. “પાસા” એટલે પાસે. આત્મસ્વરૂપ સૌથી પાસે ગણાય. ખરેખર તો તે અંદર રહેલું છે. તેથી નજીકથી પણ વધારે નજીક.

૯. મનની તૃષ્ણાઓ, આશાઓ, વાસનાઓ મટે નહીં ત્યાં સુધી સ્વરૂપનું જ્ઞાન થઈ શકે નહીં.

૧૦. ખસમ શબ્દ અરબી ભાષાનો છે. પણ તેનો સંસ્કૃતમાં અર્થ થઈ શકે છે. “ખ” એટલે આકાશ. સમ એટલે જેવો. જે આકાશ જેવો અમાપ છે તે આત્મા.