કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જજા ઈ તન ૧જિયતહિં જારો, જોવન જારિ જુગતિ જો પારો
૨જો કછુ જાનિ જાનિ પરજરૈ, ઘટ હિ ૩જોતિ ઉજિયારી કરૈ ... ૯
ઝઝા ૪અરુજિ સરુજિ કિતજાન, હીંડત ઢૂંઢતજાહિં પરાન
કોટિ સુમેર ઢૂંઢિ ફિરિ આવૈ, જો ૫ગઢ ગઢે ગઢહિં સો પાવૈ ... ૧૦
ઝઝા ૬નિગ્રહ સે કરુ નેહુ, કરુ નિરુબાર છાંડુ સંદેહુ
નહિ દેખે નહિ ભાજૈ કેહૂ, જાનહુ પરમ ૭સયાનપ યેહૂ ... ૧૧
*નહિ દેખિયે નહિ ૮આપુ ભજાઉ, જહાં નહીં તહાં ૯તનમન લાઉં
જહાં નહીં તહાં સબ કુછ જાની, ૧૦જહાં હૈ તહાં લે પહિચાની ... ૧૧અ
*આ પંક્તિઓ બધી પ્રતોમાં નથી.
સમજૂતી
જ અક્ષર આ શરીરને જીવતા જીવત યોગાગ્નિથી શુદ્ધ કરી દેવાનું સૂચન કરે છે. યુવાનીઓ મદહે જીવ ! યોગાગ્નિમાં જલાવી દે. હૃદયમાં સંઘરાયેલા વિષય વાસનાના સંસ્કારોથી શોધી શોધીને બાળી દેવામાં આવે તો જ હૃદયમાં આત્મ જ્યોતિ સળગી શકે. - ૯
ઝ અક્ષર જીવને ચેતવણી આપે છે કે હે જીવ ! તું હાંફળો ફાંફળો ક્યાં જઈ ભટકે છે ? જિંદગીભર ભટકતા શોધ્યા કરશે તો એક દિવસ તારો પ્રાણ પણ ચાલ્યો જશે, પરંતુ તારો પરમાત્મા નહીં મળે ! ભલેને કરોડો સુમેરુ પર્વત શોધી વળશે તો પણ તને જે મળશે તે તો તારી કલ્પનાનું જ ફળ હશે - ૧૦
ઝ અક્ષર કહે છે કે હે જીવ ! સંયમ પર પ્રેમ કરી લે. વિવેકથી સંશયોનું નિવારણ કરી મુક્ત થા. ન તો વિષયો તરફ જોઈને આસક્ત થવામાં કે ન તો પોતાનો જાતથી દૂર ભાગવામાં પરમ ચતુરાઈ રહેલી છે. - ૧૧
ખરેખર જ્યાં કંઈ નથી ત્યાં જીવને ભ્રમણા થવાથી બધું છે એમ લાગ્યા કરે છે. ત્યાં દોડી જવું જોઈએ નહીં છતાં જીવ ત્યાં પોતાનું તનમન સર્વસ્મ હોમી દે છે. હે જીવ ! ખરેખર જ્યાં છે ત્યાં વિવેકથી બધું જાણી લે. - ૧૧અ
૧. જયતહિં = જીવતા જીવતા જ. અહીં “જિયત ન” એવો પાઠભેદ પણ છે. તેથી તેનો અર્થ - “હે સાધક ! જીવતા જીવત આ શરીરને ઘોર તપસ્યામાં જલાવ નહિ” એવો થશે. કબીર સાહેબને જેઓ મધ્યમમાર્ગી ગણે છે તેઓને તે પાઠ રુચશે. શરીરને ખોટી રીતે પીડા આપવામાં કબીર સાહેબ માનતા નહોતા એવું મધ્યમમાર્ગી લોકો કહે છે.
૨. મધ્યમમાર્ગી લોકો શરીરને પીડા ન થાય તે રીતે સાધના કરવાની ભલામણ કરે છે. પરંતુ વાસના છોડવાનું કોણ પસંદ કરે ? અંતરમાં સંઘરેલી વાસના છોડતી વખતે મનને તો દુઃખ થવાનું જ ! આસક્તિ છોડતી વખતે મન બળવો તો કરશે જ ! સાધનામાં પણ પીડા તો અનુભવવી પડે જ છે ! અહીં “જાનિ જાનિ” શબ્દો દ્વારા જાણી બૂઝીને જે કાંઈ અંતરમાં સંઘરેલું હોય તેને જલાવી દેવાનું કહેવામાં આવ્યું છે.
૩. સ્વરૂપ જ્ઞાનની જ્યોતિથી અંતરમાં અજવાળું થાય છે.
૪. અરુજિ એટલે બંધનમાં ફસાયેલો અને સરુજિ એટલે મુક્ત થવા ઈચ્છતો. બંધન અને મુક્તિની ઈચ્છાથી ગભરાયેલો, અકળાયેલો જીવ.
૫. ગઢ એટલે કિલ્લો. મન પોતાની ભ્રાંતિપૂર્ણ માન્યાતોઓનો એક કિલ્લો બનાવી દે છે અને તેમાં જ તે બંધાયલો રહે છે. તે કારણે જ તે દુઃખી પણ થાય છે.
૬. સંયમની સાધનાને નિગ્રહ કહેવામાં આવે છે. તેથી જ ઈન્દ્રિયો પર સંયમ સ્થાપવાની સાધનાને ઈન્દ્રિય નિગ્રહ અને મન પર સંયમ સ્થાપવાની સાધનાને મનોનિગ્રહ કહેવામાં આવે છે.
૭. સયાનપ એટેલ ચતુરાઈ. ચતુર હોવું એ ભગવાનના ભક્તનું એક લક્ષણ પણ છે :
વ્યથા તેમ તૃષ્ણા નથી, દક્ષ, શુદ્ધ છે જે,
ઉદાસીન સંસારથી, પ્રિય છે મુજને તે. (સરળ ગીતા -અ- ૧૨)
સંસારમાં રહીને સંસારથી અલિપ્ત રહેવાની કળામાં તે પ્રવીણ હોવાથી તે દક્ષ ગણાય.
૮. “આપુ ભજાઉ” એટલે પોતાથી દૂર ભાગી જવું. જીવની મૂઢ અવસ્થામાં આંખથી સાચું દર્શન થતું નથી. જે કાંઈ તેને દેખાઈ છે તે તો ભ્રમયુક્ત છે. પાણી નથી છતાં પાણી દેખાય ને જીવ પાણી પીવા દોડે તો શું થાય ? તેથી વિષયો તરફ જુવો નહીં ને આત્મસ્વરૂપથી દૂર ભાગો નહિ.
૯. જ્યાં જવાથી કલ્યાણ થતું જ ના હોય ત્યાં જવાથી શો ફાયદો ? ત્યાં જવામાં શરીર અને મનની તમામ શક્તિઓ ખર્ચી નાંખવાથી શો લાભ ?
૧૦. અજ્ઞાન અને મૂઢ અવસ્થામાં જ્યાં છે ત્યાં કાંઈ દેખાતું નથી એટલે ત્યાં જવાનો કોઈ પ્રયત્ન થતો નથી. શરીરમાં જીવનો સ્વામી રહેલો છે, પણ તે દેખાતો નથી એટલે ભ્રમણામાં પડી જવાય ! ‘વિવેક જાગે તો ભ્રમણા ભાંગે’ તે હિસાબે વિવેકી પુરુષ જ તેનો પરિચય કેળવી બધું પામી લે છે.
Add comment