કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ટટા ૧વિકટ બાટ મનમાંહી, ખોલી કપાટ ૨મહાલ મોં જાહીં
રહી ૩લટાપટી જુટિમાંહી, હોહિ અટલ તે કતહૂંન જાહીં .... ૧૨
ઠઠા ૪ઠૌર દૂરિ ઠગ નિયરે, નિત કે નિઠુર કીન્હિ મન ઘેરે
જે ઠગઠગે સબ લોગ ૫સયાના, સોઠગ ચીન્હિ ઠૌર પહિચાના .... ૧૩
ડડા ૬ડર ઉપજે ડર હોઈ, ડર હી મેં ડર રાખુ સમોઈ
જો ડર ડરૈ ડરહિ ફિરિ આવૈ, ડર હિ મેં ફીર ડર હી સમાવૈ .... ૧૪
ઢઢા ૭ઢૂંઢત હો કિત જાણ, હીંડત ઢૂંઢત જાહિ ૮પરાન
કોટિ સુમેરુ ઢૂંઢિ ફીર આવૈ, જિહિ ઢૂંઢા સો કતહૂં ન પાવૈ .... ૧૫
સમજૂતી
ટ અક્ષર સૂચવે છે કે કલ્યાણની વિકટ કેડી તો મનમાં જ રહેલી છે. મહામહેનતે મહેલ સુધી જઈને જીવ મહેલનો દરવાજો ઉઘાડી શકે છે. જેવો દરવાજો ઉઘડે તેવી જીવ પોતાના પ્રિયતમને એવો ભેટી પડે છે કે પછી તેને અલગ થવાની ઈચ્છા જ થતી નથી. તે કે જ સ્થિતિમાં સ્થિર રહે છે ને તે બીજે ક્યાંય જતો નથી. - ૧૨
ઠ અક્ષર કહે છે કે જીવ પોતાના ઘરથી દૂર થઈ ગયો છે ને નજીક તો તેની ફરતે નિર્દય ચોર લોકો ઘેરી ઘાલીને બેઠા છે. જે ચોર લોકો મોટા મોટા ચતુર ગણાતા લોકોને છેતર્યા છે તેને બરાબર ઓળખી લેવા જોઈએ અને તેઓનું સ્થાન ક્યાં છે તે પણ જાણી લેવું જોઈએ. - ૧૩
ડ અક્ષર સૂચન કરે છે કે ભય ઉત્પન્ન થયા પછી ભયનું અસ્તિત્વ રહે છે. તેથી ભયને માત્ર કલ્પના માનીને ત્યાં જ છોડી દો. જો જીવ ભયથી ગભરાશે તો તે વારંવાર ભયનો શિકાર બનશે. ભયભીત થઈને જીવશે તો અંતકાળ બગડશે અને ફરીથી જન્મ ધારણ કરવો પડશે. - ૧૪
ઢ અક્ષર સૂચવે છે કે હે જીવ ! તું તારા લક્ષ્યને શોધતો શોધતો ક્યાં જઈ રહ્યો છે ? એવી રીતે ભટકતા શોધતા તારો પ્રાણ પણ ચાલ્યો જશે. તું કરોડો સુમેરું પર્વતો પર શોધીને પાછો આવશે તો પણ તને ક્યાંય તારું લક્ષ્ય મળશે નહિ. - ૧૫
૧. આત્મ કલ્યાણણી વિકટ કેડી મનમાંથી શરૂ થાય છે. વિઘ્નો મનને કારણે ઊભા થાય છે. કારણ કે મનોરથો મનમાં અનેક હોય છે. તેથી માનવના ઉદ્ધારનો મુખ્ય આધાર મન પર રહેલો છે. મન જો પાધરુ તો સફળતા હાથ વેંતમાં પણ પાધરું રાખવું તે જ એક કપરી સાધના બની જાય છે. તેથી જ અમૃતબિંદુ ઉપનિષદમાં કહ્યું કે
मन एवं मनुष्याणाम् कारणं बन्ध मोक्षयो: |
અર્થાત્ માનવનું મન જ બંધન અને મોક્ષનું કારણ ચછે. તેથી મનની કેળવણી આવશ્યક માનવામાં આવી છે. કબીર સાહેબ પણ સાખીમાં કહ્યું જ છે કે
મન હો હારે હાર હૈ, મન કે જીતે જીત
કહૈ કબીર પિયુ પાઈએ, મન હી કી પરતીત.
અર્થાત્ જે મનથી હારી જાય છે તે નાશ પામે છે ને જીતે છે તે જીવનના જંગમાં વિજય પ્રાપ્ત કરે છે. ખરેખર તો મનની અગાધ શક્તિને સહારે જ પ્રિયતમ પ્રભુને પ્રાપ્ત કરી લેવો જોઈએ.
૨-૩. લટાપટી એટલે એકમેકની સાથે લપેટ થઈ જવું. પ્રેમિકા પોતાના પ્રેમીને મળવા જાય છે. મહેલનો દરવાજો ઉઘાડતાં જ પોતાના પ્રેમીને જોઈ લે છે ત્યારે તે પ્રમાતુર દશામાં દોડીને બાઝી પડે છે. એવી તો લપેટ થઈ જાય છે કે તે ફરીથી છૂટી થવા માંગતી જ નથી. આ પ્રકારનું શબ્દચિત્ર આ ચોપાઈમાં વપરાયલા શબ્દો દ્વારા ખડું થાય છે.
૪. ઠૌર એટલે કાયમી સ્થાન. જીવનું પોતાનું અસલી ઘર તે પોતાનું નિજ સ્વરૂપ છે. તેતો પ્રત્યેકના શરીરમાં જ છે છતાં જીવ તેને બહર ઢૂંઢે છે. તેથી તે ઘરને ભૂલીને દૂર નીકળી જાય છે.
૫. સયાના એટલે જાણકાર અથવા જ્ઞાની. મન રૂપી ઠગ જ્ઞાનીને પણ ઠગે છે.
૬. મનમાં ડર ઉત્પન્ન થયા પછી ઊંઘ-આરામ હરામ થઈ જાય છે. તે દર તદ્દન ખોટો હોવા છતાં જીવ ચિંતાતુર દશામાં જીવતો હોય છે. એમ જોવા જઈએ તો ડરનું સ્વરૂપ તો માત્ર મનની કલ્પના છે. જ્ઞાનયુક્ત વિચારોથી ડરને દૂર કરી શકાય છે.
૭. માણસનું લક્ષ્ય નિજ સ્વરૂપની ઓળખાણ હોવું જોઈએ. સર્વ પ્રકારના દુઃખો તેની વિસ્મૃતિમાંથી જ પેદા થતાં હોય છે. નિજ સ્વરૂપની સ્મૃતિ થવી સુખની નિશાની છે. ખરેખર તે જ સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અજ્ઞાની જીવ તેને બહાર શોધ્યા કરે છે તેથી તે દુઃખી થાય છે.
૮. બહાર શોધતા શોધતા પ્રાણ ચાલ્યો જાય છે પણ સ્વરૂપનો બોધ થતો નથી. સ્વરૂપની સ્મૃતિ થતી નથી. “પરાન” પ્રાણનું જ આપભ્રંશ રૂપ છે.
Add comment