Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ષષા ખરા કરૈ સબ કોઈ, ષર ષર કરૈ કાજ નહિ હોઈ
ષષા કહૈ સુનહુ રે ભાઈ, રામનામ લે જાહુ પરાઈ .... ૩૨

સસા સરા રચો બરિયાઈ, સાર બેધે સબ લોક તવાઈ
સસા કે ઘર સુનગુન હોઈ, ઈતની બાત ન જાને કોઈ .... ૩૩

હા, હા કરત જીવ સબ જાઈ, હરખ શોક સબમાંહિ સમાઈ
હં કરિ સબ બડબડ ગયઉ, હા હા મરમ ન કાહૂ પયઉ .... ૩૪

ક્ષ ક્ષા છિન પરલૈ મિટિ જાઈ, છેવ પરૈ તબ કો સમુજાઈ
છેવ પરે કોઉ અન્ત ન પાવા, કહૈ કબીર અગમન ગોહરાયા .... ૩૫

સમજૂતી

પ અક્ષર કહે છે કે સર્વ મતવાદી લોકો પોતાની માન્યતા સાચી છે એવું સિદ્ધ કરવામાં જ રચ્યા પચ્યા રહે છે. પરંતુ એવી પ્રવૃત્તિથી કલ્યાણનું કોઈ કાર્ય બનતું નથી. તેથી ષ અક્ષર સૂચવે છે કે હે ભાઈઓ, તમે રામનામનું ભજન કરતા કરતા આ જગતની ચાલ્યા જાવ !  - ૩૨

સ અક્ષર સૂચવે છે કે જીવે વિષય વાસનાની મોટી ચિતા રચી છે. કામદેવના બાણોથી સર્વ જીવો વીંધાયને પીડા ભોગવી રહ્યા છે અને હૃદયમાં ‘સુનગુન’ એવો અવાજ સાંભળીને સર્વનાશ નોતરી રહ્યા છે તેટલી વાત પણ કેમ કોઈ સમજતું નથી !  - ૩૩

હ અક્ષર સૂચવે છે કે સર્વે જીવો હાય હાય કરતા પ્રાણ છોડે છે. તે સમયે તેઓના હૃદયમાં સુખ દુઃખની કામનાઓ રહેલી હોય છે. મોટા મોટા લોકો પણ તેવી જ દશામાં મરી ગયા છે છતાં તેઓમાંથી કોઈ પોતાનાં દુઃખોનું કારણ જાણી શક્ય નથી.  - ૩૪

ક્ષ અક્ષર સૂચવે છે કે એવી રીતે ક્ષણમાત્રમાં સર્વનો નાશ થશે. જ્યારે મૃત્યુનો ઘા શરીર પર પડશે ત્યારે સત્ય કોણ સમજાશે ?  કબીર કહે છે કે ચેતવણી પહલેથી આપવામાં આવી હતી છતાં મૃત્યુનો ઘા પડ્યો છતાં કોઈએ જન્મ મરણનો અન્ત તો આણ્યો જ નહિ.  - ૩૫

૧. જગતમાં અનેક પ્રકારના માતો છે અને પંથો છે. દરેક પોતાનો મત સાચો છે એવું મારી ઠોકીને પૂરવાર કરવા પ્રયત્ન કરે છે. તેવા મતવાદી લોકો તરફ અહીં ઈશારો કરવામાં આવ્યો છે.

૨. માનવ જન્મનો મૂળ ઉદેશ આત્મકલ્યાણ કરવાનો છે. નિજ સ્વરૂપમાં સ્થિતિ કરવી એને જ આત્મકલ્યાણ કહેવામાં આવે છે. તેવું કાર્ય મતવાદી લોકોથી કદી થયું નથી. ગમા-અણગમામાંથી મન મુક્ત થાય, મતવાદીપણું દૂર થાય તો કલ્યાણ માર્ગે પ્રગતિ થઈ શકે.

૩. પરાઈ એટલે ખરેખર તો પારકાની એવો અર્થ થાય પણ અહીં ત્યાગના અર્થમાં વપરાયો છે એમ ગણવું. જગતનો ત્યાગ કરીને જતી વખતે રામનામનું સાચું રહસ્ય જાણી લેવું અનિવાર્ય છે. ઘટઘટમાં રમતા આતમ રામનો પરિચય કરવાનો રામનામણી રટણાનો આશય હોવો જોઈએ તેનું અહીં સૂચન પણ કરવામાં આવ્યું છે. જેનો ત્યાગ કરવામાં આવે, તેને મેળવવા કોઈ ઈચ્છા કરતું નથી. જગતનો ત્યાગ કરીને જાય તે પાછો જગતમાં જન્મ શા માટે લે ?

૪. બારિયાઈ એટલે અતિ વિશાળ. મન દ્વારા વિષય વાસનાની ચિતા રચવામાં આવે છે ને છેવટે તો ચિતામાં જ ભસ્મ થઈને આ શરીર રહે છે.

૫. તવાઈ એટલે પીડા. કામ ભોગવ્યા પછી પીડાનો જ અનુભવ થાય છે. ક્ષણિક સુખ લાગતું હતું તે તરત જ પીડામાં ફેરવાઈ જતું જણાઈ છે. છતાં કામનું આકર્ષણ કોણે નથી ?

૬. ‘સુનગુન’ શબ્દ માર્મિક છે. તેવો શબ્દ સૂક્ષ્મપણે સંભળાય છે. તેનું રહસ્ય કોઈ સમજી શકતું નથી. અહીં ‘સુનગુન’ શબ્દ સર્વનાશની નિશાની રૂપ સમજવો.

૭. સુખ દુઃખની ભાવના મારતી વેળાએ રહે છે તે સામાન્ય સ્થિતિ કહેવાય. જગતના મોટા ભાગના લોકોને અંતિમક્ષણોના સુખ દુઃખણી તીવ્રતમ્ લાગણીનો અનુભવ થતો હોય છે. અંત કાળે જેવી ભાવના રહે તેવી તેની ગતિ થાય એવી આપણી માન્યતા છે. નિરીહ દશામાં એટલે કોઈ પણ જાતની ઈચ્છા કે ભાવના વિનાની સ્થિતિમાં વિદાય લેવી અસામાન્ય સ્થિતિ ગણાય છે. તેવી સ્થિતિમાં જન્મ મરણનો અંત આવે છે.

૮. છેવ એટલે ઘા - ફટકો. મૃત્યુનો ઘા અંતિમ ગણાય. મૃત્યુણી વેળાએ જીવને ગભરામણને અકળામણનો પાર નથી હોતો. તે  વખતે કોણ સમજાવી શકે ?  સમજાવવા પ્રયત્ન કરનારની વાણી અળકાતો જીવ કેટલી સાંભળી શકે ?

૯. જીવનના આરંભકાળથી જ જે સાવધાનપણે જીવે છે ને કલ્યાણને માર્ગે કૂચ કરવાનો પુરુષાર્થ કર્યા કરે  છે તે જ આગળ જતાં મનને સ્થિર કરી શકે અને જન્મ મરણનો અંત આણી શકે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,182
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 10,022
pdf-2અનંત સૂર | Anant Soor 9,938
pdf-3Amar Varso | અમર વારસો 7,762
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,716