Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અંતર જોતિ સબદ એક નારી, હરિ બ્રહ્મા તાકે ત્રિપુરારિ
તે તિરિયે ભગ લિંગ અનંતા, તેઉ ન જાને આદિ ઔ અંતા  - ૧

બાખરિ એક વિધાતા કિન્હા, ચૌદહ ઠહર પાટ સો લિન્હા
હરિ હર બ્રહ્મ મહતો નાઉં, તિન્હ પુનિ તીનિ બસાવલ ગાઉં  - ૨

તિન્હ પુનિ રચલ ખંડ બ્રહ્મંડા, છવ દરસન છાનવે પાખંડા
પેટે કાહુ ન વેદ પઢાયા, સુનુતિ કરાય તુરુક નહિ આયા  - ૩

નારી મો ચિત ગર્ભ પ્રસૂતિ, સ્વાંગ ધરે બહુતૈ કરતૂતી
તહિયા હમ તુમ એકૈ લોહૂ, એકૈ પ્રાન બિયાયૈ મોહૂ  - ૪

એકૈ જની જના સંસારા, કવન જ્ઞાન છે ભયઉ નિનારા
ભૌ બાલક ભગ દ્વારે આયા, ભગ ભોગીકે પુરૂષ કહાયા  - ૫

અવિગતિકી ગતિ કાહુ ન જાની, એક જીભ કિત કહૌં બખાની
જો મુખ હોય જીભ દસ લાખા, તો કોઇ આય મહન્તો ભાખા  - ૬

સાખી :  કહહિં કબીર પુકારિકે, ઇ લેઉ વ્યવહાર
          રામ નામ જાને બિના, બૂડી મુવા સંસાર

સમજૂતી

(સૃષ્ટિનિ ઉત્પતિ પહેલાં) પ્રકાશ સ્વરૂપ પરમાત્મા અને માયારૂપી સ્ત્રી દ્વારા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ઉત્પન્ન થયા. પછી તે ત્રણેમાંથી અનંત જીવોની સૃષ્ટિ પેદા થઈ. છતાં તે જીવોને પોતાના આદિ ને અંતની ખબર રહી નહિ.  - ૧

ત્યાર પછી વિધાતાએ બ્રહ્માંડ રૂપી ઘર નિર્માણ કર્યું. તેના પણ ચૌદ ભાગ કરી ચૌદ ભુવનોની રચના ગોઠવી. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણ દેવોના નામ મહત્વના ગણાય છે. એ ત્રણે દેવોએ પોતપોતાના સ્થાન (બ્રહ્મલોક, વૈકુંઠ ને કૈલાસ) બનાવ્યા.  - ૨

પછી તે ત્રણે દેવોએ નવખંડ પૃથ્વી, છ દર્શનો અને છન્નુ પ્રકારના પાખંડોની રચના કરી. છતાં કોઈ બ્રાહ્મણ માતાના ગર્ભમાં વેદભણીને આવ્યો નથી અને કોઈ મુસલમાન સુન્નત કરાવીને જન્મ્યો નથી.  - ૩

એ તો માયા રૂપ નારીમાં મગ્ન રહેનારોનું કરતૂત છે. તેથી જ તેઓ જન્મમરણના ચક્રમાં ફર્યા કરે છે. ખરેખર તો સર્વના શરીરમાં એક જ પ્રકારનું લોહી ને એક જ પ્રકારનો પ્રાણ વ્યાપીને રહેલ છે. ભેદ પ્રપંચ તો મોહ પેદા થયા પછી પેદા થયા.  - ૪

ખરેખર તો એક જ માયારૂપી સ્ત્રીએ આખો સંસાર બનાવ્યો છે. ભલા તમને એવું કયું જ્ઞાન મળ્યું કે જેને કારણે તમે હિન્દુ ને મુસલમાન રૂપે જુદા થયા !  ખરેખર તો સર્વજનો માતાની યોનિ દ્વારા અહીં આવે છે ને સંસારના ભોગો ભોગવીને જન્મમરણના ચક્રમાં ઘૂમે છે.  - ૫

સંસારના ભોગોમાં રત રહેનારા કોઈએ પણ પરમાત્માની ગતિ જાણી નથી. મેં જાણી છે પણ મને પરમાત્માએ એક જ જીભ આપી છે. તેના  ગુણગાન પણ કેટલાં ગાઈ શકું ?  જો દસ લાખ જીભ આપી હોય તો કદાચ મહાન પુરૂષ જ તેનું વર્ણન કરી શકે !  - ૬

સાખી :  કબીર પુકારી પુકારીને કહે છે કે માનવે જાતે જન્મ્યા પછી અજ્ઞાનતાથી પોતપોતાની સૂઝ પ્રમાણે આ (જાતિ વર્ણ વિગેરેનો) ભેદ ભરેલો વ્યવહાર વચમાં ખડો કરી દીધો છે. તેવો ભેદ ન તો જન્મ પહેલાં હતો કે નતો મૃત્યુ પછી રહેવાનો છે ! સંસારના ભોગોમાં ડૂબેલા લોકો રામનામ જાણ્યા વિના જન્મમરણના ચક્રમાં ફર્યા જ કરે છે !

૧.  ભગવાનના મુખેથી જે પ્રથમ શબ્દ નીકળ્યો તે ઓમ્‌કાર છે. પાછળ સત્તાવીસમી રમૈનીમાં સ્પષ્ટતાં કરતાં કબીર સાહેબ કહે છે, કે સમગ્ર સંસારનો વિસ્તાર માત્ર ઓમ્‌કાર રૂપી એક જ બીજમાંથી થયો છે. આ બીજ તે માયાનું જ એક રૂપ છે. જે કાંઈ વ્યક્ત સ્વરૂપે દેખાય છે તે માયાનું જ પરિણામ છે. ઓમ્‌કાર પણ એક શબ્દ છે. તેથી શબ્દને કબીર સાહેબ માયાના પ્રતીક તરીકે લેખે છે.

૨.  ભારતીય તત્વજ્ઞાનની મૂખ્ય છ શાખાઓ તે બૌદ્ધ, જૈન, ન્યાય, વૈશેષિક, સાંખ્ય અને જૈમિનીય. આ છ દર્શનશાસ્ત્રોમાંથી અનેક મતમતાંતરો પેદા થયા અને પંથો કે સંપ્રદાયોમાં ભારત દેશ વિભક્ત થયો. કબીર સાહેબ એને છન્નુ પ્રકારના પાખંડ તરીકે વર્ણવે છે. દસ પ્રકારના સન્યાસી, બાર પ્રકારના યોગીઓ, અઢાર પ્રકારના બ્રાહ્મણો ને અઢાર પ્રકારની અન્ય જાતિઓ, શિયા-સુન્ની, ઈસાઈ, પારસી વિગેરે ચૌદ પ્રકારના શેખ લોકો તથા ચોવીસ પ્રકારના જૈનો એમ કુલ છન્નુ પ્રકાર થયા. આ તમામ ભેદો માનવે જાતે પેદા કર્યા છે. એ માટે પરમાત્મા જવાબદાર નથી.

૩.  માતાના ઉદરમાંથી જનોઈ પહેરીને કોઈ જન્મતું નથી ને કોઈ સુન્નત કરાવીને આપોઆપ પ્રગટતું નથી. બ્રાહ્મણ ને મુસલમાનોના ભેદો તો સ્વાર્થીલોકોએ પોતાનું પેટ ભરવા માટે ઊભા કર્યા છે. બાકી સમસ્ત જગતમાં મનુષ્ય એક જ રીતે આવે છે. તેના શરીરમાં એક જ પ્રકારનું લોહી વહે છે. તેનો પ્રાણ પણ એક જ પ્રકારનો ધબકે છે.  તેથી નાત-જાત સંપ્રદાયોના ભેદો માટે મનુષ્ય પોતે જ જવાબદાર છે. આ અંગે વિચાર કરીને દરેક જીવે માનવધર્મની મહત્તા સ્વીકારવી જોઇએ. દયા, દાન, ક્ષમા, સંતોષ એ માનવધર્મના પાયામાં રહેલાં છે. ભગવાને માત્ર માનવને જ બુદ્ધિ આપી છે. તેથી માનવે બુદ્ધિનો ઉપયોગ કરી આ સત્ય સમજી લેવાની જરૂર છે. બાકી માનવે ઊભા કરેલા ભેદો માનવને અવળે રસ્તે દોરી જાય છે માનવ જન્મના મહિમાને તે સમજી શકતો નથી. બુદ્ધિનો ઉપયોગ ન કરવાને કારણે તે મિથ્યા પ્રવૃત્તિમાં મગ્ન બની જાય છે ને પરિણામે મળેલો સોનેરી કિમંતી સમય વેડફી દે છે. જેટલી નાતો તેટલા દેવદેવીઓ ને તેટલા જ પૂજન વિધિના ધતિંગો. ખરેખર માનવ આ જ કારણે આજે પણ દુઃખી છે !

૪.  જે જીવો ભોગમાં જ રમમાણ રહે છે તેને પ્રભુ નિરર્થક લાગે છે. પરમાત્માની વાતો તેને સમજાતી નથી. પ્રભુના અસ્તિત્વ માટે તેને ખાત્રી થતી નાથ. જો કે પ્રભુ અગમ્ય હોવાથી સરળતાથી જાણી શકાતા નથી એ વાત સાચી. તેથી જ તો કબીર સાહેબ અહીં અવિગતી શબ્દનો ઉપયોગ કરી પ્રભુના અગમ્ય મહિમાનું ગણ કરી રહ્યા છે. બુદ્ધિના ઉપયોગથી પ્રભુને જાણી શકાય છે પણ તેનું વર્ણન કરી શકાતું નથી.

૫.  અજોડ, અનુપમ, અદ્વિતીય ને અવિગત એવા રામ રૂપી પરમાત્મા તત્વને જાણ્યા-સમજ્યા વિના સૌ કોઈ વિનાશને માર્ગે જાય છે. ચિંતન-મનન ને નિદિધ્યાસન દ્વારા તે સમજી શકાય છે. સમજ્યા વગર જે કોઈ આ સંસારમાં રત રહે છે તે પશુ સમાન જ છે. બુદ્ધિનો ઉપયોગ માત્ર પશુ જ નથી કરી શકતો !