કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧પ્રથમ ચરન ગુરૂ કીન્હ વિચારા, કરતા ગાવૈ સિરજનિહારા
૨કરમહિ કરિ કરિ જગ બૌરાયા, ૩સગતિ ભગતિ લૈ બાંધિની માયા - ૧
૪અદબુદરૂપ જાતિ કી બાનિ, ઉપજી પ્રીતિ રમૈની ઠાની
ગુનિ અનગુનિ અરથ નહિ આયા, બહુ તક જને ચીન્હિ નહિ પાયા - ૨
૫જો ચીન્હે તા કો નિર્મલ અંગા, અન ચીન્હે નલ ભયે પતંગા - ૩
સાખી : ચીન્હિ ચીન્હિ કા ગાવહૂ, બાની પરી ન ચીન્હ
૬આદિ અંત ઉત્પતિ પ્રલય, આપૂહી કહી દીન્હ
સમજૂતી
સૃષ્ટિની શરૂઆતનાં પ્રથમ ભાગ તરીકે બ્રહ્માજી જેવા ગુરૂઓ (સર્વ જીવોના હીત માટે) આ સૃષ્ટિનાં સર્જનહાર પરમાત્માનો વિચાર કર્યો. (પરંતુ પરમાત્મા અગમ્ય હોવાથી કોઇને સમજાયા નહિ) તેથી કર્મકાંડ કરી જગતના લોકો ગાંડા બની ગયા. શક્તિને ભક્તિના (ભ્રાંત) વિચારોથી માયાએ સર્વને બાંધેલા રાખ્યા. - ૧
પછી તે લોકોએ અનેક પ્રકારની વાણી પ્રવાહિત કરી, તે સાંભળીને લોકો જુદી જુદી સ્તુતિ કરવા લાગ્યા. સગુણ નિર્ગુણના વેદના અર્થ કોઇને સમજાયા નહિ. - ૨
જેને (વેદના અર્થો) સમજાયા તે નિર્મળ બની અમર થઈ ગયા અને જેને ન સમજાયા તે સર્વે પતંગિયાની માફક બળીને ભસ્મ થયા. - ૩
સાખી : મેં જાણી લીધાં છે, મેં જાણી લીધાં છે એવું કહેનારા લોકોને પણ ખરેખર વેદવાણીનો અર્થ સમજાયો નથી. તેવા મિથ્યા જ્ઞાનથી તેઓ જાતે જ જન્મમરણનાં ચક્રને સિદ્ધ કરે છે.
૧. સૃષ્ટિની ઉત્પત્તિ પછીના પ્રથમ તબક્કામાં બ્રહ્માને વિચાર આવ્યો કે ખરેખર પ્રત્યેક જીવોએ જેણે સૃષ્ટિની રચના કરી છે તે જ સર્જનહારનું ગુણગાન ગાવું જોઇએ. પરંતુ જીવ જન્મીને તરત જ માયાની મોહિનીમાં ફસાય જાય છે. પરિણામે મિથ્યા પ્રવૃત્તિઓ અને બીજાં ભ્રાંત વિચારોમાં સમય વેડફી દે છે. બીજાં અનેક દેવદેવીઓને સૃષ્ટિના કર્તા માનને તેની સેવા પૂજા કરવામાં મગ્ન પણ બની જાય છે.
૨. કર્મકાંડી બ્રાહ્મણોએ વેદના કર્મકાંડનો જ મહિમા ગાયો ને જ્ઞાનકાંડને વિસારી દીધો. એક તરફી પ્રવૃત્તિનો પ્રવાહ ચાલુ કર્યો. કર્મકાંડથી જ જીવને ઉદ્ધાર થાય છે એવું ભોળા લોકોને તેમણે સમજાવ્યું. પરિણામે કર્મ કરી કરીને થાકી ગયા તો પણ ઉદ્ધાર તો થયો જ નહિ. નાના મોટા અનેક હોમ-હવન-યજ્ઞ-યાગ કર્યા, અનેક આહૂતિઓ પણ અપર્ણ કરી પરંતુ મનુષ્યની ઉત્ક્રાંતિ તો થઈ જ નહીં. જન્મ મરણના ચક્રથી મુક્ત થવું તે જ સાચી ઉત્ક્રાંતિ.
૩. શક્તિની ભક્તિ એટલે માયાની ભક્તિ. દેવીની ભક્તિ. દેવીની ભક્તિનો પ્રચાર થતાં તેમાં બલિ ચઢાવવાની પ્રથા પડી ને ઘર કરી ગઇ. પરિણામે ભક્તિને નામે ઘાતકી કાર્યો થવા લાગ્યા હતા. સ્વર્ગ મેળવવાની લાલચે મનુષ્ય માયાની ભક્તિ કરવામાં ફસાયો.
૪. પેટ ભરવાના ધંધા કરવાવાળા ધર્મ ધુરંધરોએ અનેક પ્રકારની વાણીની રચના પણ કરી. તેવી વિવિધ વાણીથી અજ્ઞાની ને ભોળા લોકો છેતરાયા. તેવી માયામય વાણીને સમજી શક્યા નહિ. પરિણામે તેમના લક્ષમાં પરમાત્માને બદલે માયા જ રહી. અહીં રમૈની એટલે સ્તુતિ અથવા તો પ્રાર્થના. માયાની સ્તુતિ કરવાનું તેમણે ગમ્યું.
૫. જે સમજી શક્યા તે પોતાના આત્માનું કલ્યાણ સાધી શક્યા. તેવી સમજથી ને જ્ઞાનથી તેમના તન-મન નિર્મલ બન્યા. તન ને મનની પવિત્રતા વિના રામની કૃપા પામી શકાતી નથી. પવિત્ર પુરૂષો જ રામનું દર્શન કરવા માટે કૃપાપાત્ર બને છે. તેથી રામતત્વથી સમજ સંસાર સાગર પાર કરવા માટે મહત્વની ગણાય છે.
૬. માણસ ભ્રાંતિથી ને મિથ્યાભિમાનથી ‘હું જાણું છું, હું જાણું છું’ એવો પ્રયાસ કર્યા કરે તેથી શું વળે ? તેવા જ લોકો શાસ્ત્રગ્રંથોના વચનોના અવળા અર્થ કરી નવા નવા પંથો ને સંપ્રદાયો ઊભા કરતા રહે છે. તેઓ જાતે મુક્ત તો થઈ શકતા જ નથી અને અન્ય ભોળા લોકોને પણ મુક્તિથી વંચિત રાખે છે.
Add comment