Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

કહં લો કહૌં જુગનકી બાતા, ભૂલે બ્રહ્મ ન ચીન્હે બાટા
હરિહર બ્રહ્મા કે મન ભાઈ, બિવિ અચ્છર લે જુગતિ બનાઈ  - ૧

બિવિ અચ્છરકા કીન્હ બંધાના, અનહદ શબ્દ જોતિ પરમાના
અચ્છર પઢિ ગુનિ રાહ ચલાઈ, સનક સનંદન કે મન ભાઈ  - ૨

વેદ કિતેબ કીન્હ વિસ્તારા, ફૈલ ગયલ મન અગમ અપારા
ચહું જુગ ભગતન બાંધલ બાટી, સમુજી ન પરી મોટરી ફાટી  - ૩

ભૈં ભૈં પ્રિથિમી દસુ દિસિ ધાવૈં, અસ્થિર હોય ન ઔષધ પાવૈં
હોય ભિસ્ત જો ચિત ન ડોલાવૈ, ખસમહિ છાંડિ કે દોજક ધાવૈં  - ૪

પૂરવ ડિસા હંસ ગતિ હોઈ, હૈ સમીપ સંધિ બૂઝૈ કોઈ
ભગતા ભગતિક કીન્હ સિંગારા, બૂડી ગયલ સભ માંઝલ ધારા  - ૫

સાખી :  બિન ગુરૂ જ્ઞાને દુદંભો, ખસમ કહી મિલિ બાત
          જુગ જુગ કહવૈયા કહૈ, કાહુ ન માની બાત

સમજૂતી

ઘણા યુગોની વાતને શી રીતે કહેવી ?  સાક્ષાત બ્રહ્માજી પણ ભૂલમાં પડ્યા અને લોકોને સાચું માર્ગદર્શન ન આપી શક્યા. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશને બે અક્ષરની યુક્તિ બનાવી તે ખૂબ ગમી ગઈ !  - ૧

તેથી તેઓએ બે અક્ષરની યુક્તિનું બંધારણ ઘડ્યું ને અનહદ શબ્દના શ્રવણને તથા ચિત્તમાં થતા પ્રકાશનાં દર્શનને મહત્વ આપ્યું. સનક સનંદન જેવા ઋષિઓને પણ તેઓની વાત ગમી અને જુદો જ પંથ ચલાવ્યો.  - ૨

ત્યાર પછી વેદ અને કુરાન જેવા  ગ્રંથોને ખૂબ વિસ્તાર થયો અને તેઓના મત અગમ્ય ને અપાર બની ગયો. ચારે યુગના લોકો એ રીતે બંધનમાં પડ્યાં, આખરે સહુની અજ્ઞાનરૂપી પોટલી ફાટી ગઈ.  - ૩

ત્યારથી જ અજ્ઞાની લોકો પશુની માફક ભૈં ભૈં કરતાં આ પૃથ્વી પાર દસે દિશાઓમાં ભટકી રહ્યા છે. તેઓ અસ્થિર મનને કારણે મુક્તિરૂપી ભવરોગનું ઔષધ પામી શક્યા નહિ. જો તેઓનું મન સ્થિર હોત તો જરૂર તેઓ મોક્ષનું સ્વર્ગ સુખ મેળવી શક્યા હોત !  અત્યારે તો ખરેખર તેઓ ભગવાનને ભૂલીને બંધનરૂપી નરક તરફ જ દોડી રહ્યા છે !  - ૪

વિવેક જાગે તો જીવની ગતિ પ્રભુ તરફ થાય. ભાગ્યે જ કોઈને પ્રભુ તો હૃદયમાં સૌથી પાસે જ છે એવું જ્ઞાન થાય છે. અજ્ઞાની લોકો સાચે જ ભક્તિને કૃત્રિમ રીતે શણગારીને આખરે સંસારની મઝધારે ડૂબી ગયા.  - ૫

સાખી :  ગુરૂના જ્ઞાન વિના દ્વંદ્વોનો ભય રહે છે ને આ જ પ્રભુ છે એવી મિથ્યા ભ્રાંતિમાં ડૂબી જવાય છે. દરેક યુગમાં મહાપુરુષોએ સાચું માર્ગદર્શન તો આપ્યું જ છે પણ કોઈએ તેને ધ્યાનમાં જ લીધું નથી.

૧. કબીર સાહેબ બ્રહ્મદેવને ભૂલા પડેલા દેવ તરીકે ગણે છે અને તેમના થકી જે વિચારસરણી પ્રચલિત થઈ તે વિનાશને માર્ગે લઈ જનારી નીવડી એવું સ્પષ્ટ કહે છે. માયા રૂપી સ્ત્રીના મોટા પુત્ર તે બ્રહ્મા. તેથી સહેજે માયાની અસર બ્રહ્મા પર થઈ હતી એમ કહી શકાય. માયા ભૂલ તો કરાવે જ. ગીતામાં પણ બ્રહ્મદેવ અને બ્રહ્મલોક વિષે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે.

બ્રહ્મલોકને લોક સૌ બીજા કંઈક કહ્યા,
તેમાં જન્મ મરણ થતાં, તે ના અમર ગણ્યા  (સરળ ગીતા અ-૮)

બ્રહ્મત્વને ઘમંડ રાખનાર બ્રહ્મદેવ પણ પુનર્જન્મના ફેરામાંથી નિવૃત થઈ શક્ય નથી એવું જ્ઞાનેશ્વરે પણ ગીતામાં સમજાવ્યું છે. આ દષ્ટિએ બ્રહ્મદેવ અને બ્રહ્મ લોક બંને ઉત્પત્તિને વિનાશને આધીન છે.

૨.  બિવિ અક્ષર એટલે બે અક્ષરનો એક શબ્દ. “રામ” શબ્દ બે અક્ષરનો ગણાય, પરંતુ “ઓમ” શબ્દ ખરેખર ત્રણ અક્ષરનો છે. અ, ઉ, ને મ એ ત્રણ અક્ષર ભેગા થઈને ઓમ શબ્દ બન્યો છે. ગીતામાં ઓમ શબ્દને એક જ અક્ષરનો ગણાવ્યો છે. ઓમ ઇતિ એકાક્ષરં બ્રહ્મ. છતાં ગરૂડ પુરાણમાં ઓમને બે અક્ષરનો ગ અનાવ્યો છે.

સકારશ્ચ હકારશ્ચ લોપયિત્વા પ્રયોજ્યેત  |
સન્ધિ પૂર્વસ્પોત્થમ્ તતોડસૌ પ્રણવો ભવેત્  ||

અર્થાત્ સોહમ્ શબ્દમાંથી “સ” ને “હ” નો લોપ કરી દેવામાં આવે તો “અ” ને “મ” બે જ અક્ષરો બાકી રહે છે, જે સંધિના નિયમ પ્રમાણે જોડાતાં ઓમ્ શબ્દ બને છે.

૩.  સનક ને સનંદન બ્રહ્માજીના માનસ પુત્રો ગણાય છે. તેથી તેઓને પણ બ્રહ્માજીની બે અક્ષરની શબ્દ જાળ ગમી ગઈ અને તેનો ફેલાવો કરવામાં પ્રવૃત થયા. વેદ વિગેરે શાસ્ત્ર ગ્રંથોના મનમાન્યા અર્થઘટનો કરી અનેક રીતે તેનો વિસ્તાર કરવામાં આવ્યો. ઓમ્ શબ્દની ઉત્પત્તિ  વિષે કહેવામાં આવ્યું કે

ઓંકારશ્ચાથ શબ્દશ્ચ દ્વાવેતૌ બ્રહ્મણ: પુરા  |
કંઠમ્ ભિત્વા વિનિજા તૌ તસ્માન માંગલિકાવુ ભૌ  ||

અર્થાત્ ઓમ્‌ ને અથ એ બે શબ્દો બ્રહ્માજીના કંઠને ભેદીને સહજ રીતે પ્રગટ થયા તેથી બંને મંગલ કારક ગણાય છે. માટે તેનો વારંવાર ઉચ્ચાર કરવાની પ્રથા પડી. લોકોને બ્રહ્માની વાણી આ રીતે ભોળવી ગઈ. જે ઉપાસકો બ્રહ્મલોકમાં જાય તે મોક્ષના સુખથી વંચિત થઈ જાય છે. તેઓ ફરી જન્મ લે છે ત્યારે તેઓને ખબર પડે છે કે બ્રહ્મદેવની તેઓએ કરેલી ઉપાસના વ્યર્થ નીવડી મોટરી ફાટી એટલે છેલ્લે ફાંડો તૂટ્યો !

૪.  પૂર્વ દિશા એટલે પ્રભુ તરફનો માર્ગ. હંસ એટલે વિવેકી પુરૂષ. દૂધને પાણી જુદું કરી દૂધને પીનાર હંસ ગણાય સંસારમાં પ્રભુનું પરમ તત્વ અને માયા બંને રહેલા છે. દરેકના શરીરમાં પ્રભુ છે જ. તેથી પ્રભુ સૌથી નજીક ગણાય છતાં તે પ્રભુના મિલન માટે કોઈ ઝંખતું નથી. જે ઝંખે છે ને તપે છે તે હંસ પુરૂષ. બીજાં બધાં માયાના દાસ. માયાની જ ભક્તિ કરનારા. પુત્રની, સંપત્તિની, પદની, પ્રતિષ્ઠાની, સિદ્ધિની, મોહિની સ્વરૂપની પ્રાપ્તિ માટે ભક્તિ કરનાર માયાની જ ભક્તિ કરે છે એમ કહેવાય. પ્રભુની ભક્તિ કરનાર તો હંસપુરૂષ.

૫.  યુગે યુગે સંતપુરૂષો પ્રગટે છે ને જગતને સાચું માર્ગદર્શન આપે છે. પરંતુ અજ્ઞાની લોકો સુખદુઃખ, હર્ષશોક, રાગદ્વેષ, કામક્રોધ વિગેરે દ્વદ્વોમાંથી બહાર નીકળી શક્તા નથી. તેઓ પોતાના શરીરમાં રહેલા પરમાત્માનો પરિચય પણ કરી શક્તા નથી. તેઓ પોતાના શરીરમાં રહેલા પરમાત્માનો પરિચય પણ કરી શક્તા નથી. સંતપુરૂષોના વચનોને લક્ષમાં લઇ ઉપાસના ને આરાધના કરનાર હંસપુરુષો તો ભાગ્યે જ જોવા મળે છે !