કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧તહિયા હોતે પવન ન પાની, તહિયા સિષ્ટિ કવન ઉતપાની
તહિયા હોત કલી નહિ ફૂલા, તહિયા હોત ગરભ નહિ મૂલા - ૧
તહિયા હોત ન વિદ્યા વેદા, તહિયા હોત શબ્દ નહિ ખેદા
તહિયા હોતે પિંડ ન બાસૂ, નહિ ઘર ઘરનિ ન પવન એકસૂ - ૨
તહિયા હોત ગુરૂ નહિ ચેલા, ગમ્મ અગમ્મ ન પંથ દુહેલા - ૩
સાખી : ૨અવિગતિ કી ગતિ કા કહૌં જાકે ગાંવ ન ઠાંવ
ગુનહિ બિહૂના પેખના, કા કહિ લીજૈ નાંવ
સમજૂતી
સૃષ્ટિનિ ઉત્પત્તિ પહેલા ન હતો પવન કે ન હતું પાણી તેથી સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય ? તે વખતે કળી કે ફૂલ પણ ન હતું ને ગર્ભ કે મૂળ કારણ વીર્ય પણ ન હતું ! - ૧
તે વખતે કોઈ પણ પ્રકારની વિદ્યા પણ ન હતી ને વેદો પણ ન હતા. શબ્દાદિ રચના પણ ન હતી અને કોઈ પણ પ્રકારની વેદના પણ ન હતી. કોઈ શરીર પણ ન હતું ને તેનું નિવાસ સ્થાન પણ ન હતું. પૃથ્વી, આકાશ, પાતાળ કે પવન કશું જ ન હતું. - ૨
તે વખતે કોઈ ગુરુ પણ ન હતા ને કોઈ ચેલા પણ ન હતા. જાણ અજાણ કોઈ પંથ સંપ્રદાયો પણ ન હતા.
સાખી : જેનું નામ કે ઠામ કશું જ નથી તેવા પરમાત્મ તત્વ વિષે કહું પણ શું ? જેનો પરિચય માત્ર ગુણ વિના જ થઈ શકે છે તેને કયા નામે બોલાવી શકાય ?
૧. પૃથ્વી, પાણી, પવન, અગ્નિ ને આકાશ એ પંચ મહાભૂતના તત્વો તથા કળી, ફૂલ, વીર્ય ને ગર્ભ વિગેરે આ દેખાતા જગતની રચનામાં જરૂરી જણાતા પદાર્થ તત્વો પણ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ તે પહેલાં ન હતા. આ શરીર પણ ન હતું ને તેના નિવાસ્થાન માટે જરૂરી બ્રહ્માંડ પણ ન હતું. ત્યારે વેદો પણ ન હોતા ને કોઈ પણ પ્રકારની વિદ્યા પણ નહોતી. તેથી ગુરૂ ચેલાનાં ભેદો પણ નહોતા. સગુણ-નિર્ગુણ મુશ્કેલ પંથો-સંપ્રદાયો પણ નહોતા. ત્યારે તો માત્ર આત્મતત્વનું જ અસ્તિત્વ હતું.
તો પ્રશ્ન થશે કે ઉત્પત્તિ કેવી રીતે થઈ ? આ પ્રશ્ન આજે પણ આપણને મૂંઝવે છે. છતાં કબીર સાહેબ તો ઉચ્છાને ઉત્પત્તિના કારણ તરીકે આગળ કરી દે છે તે આપણે પહેલી રમૈનીમાં જોઈ ગયા. ઈચ્છા એ માયાનું પ્રથમ પરિણામ છે. માયાના સ્પર્શ માત્રથી ઈચ્છા ઉદ્દભવી અને સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એવું તારણ કબીર સાહેબની વાણીમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
૨. અવિગતિ એટલે અગમ્ય. જે જાણી શકાય નહિ તે. પ્રભુ-પરમાત્મ અવિગતિ છે. કોઈથી જાણી શકાતી નથી તેથી પ્રશ્ન થાય છે કે તો પછી તેને શા માટે જાણવા પ્રયત્ન કરવો જોઇએ ? તે હંમેશ ગુણ વિનાની સ્થિતિમાં જ હોય તો તેનું દર્શન કેવી રીતે થઈ શકે ? શા માટે માનવે પોતાનો કિંમતી સમય તેને જાણવા ને તેનાં દર્શન કરવા વ્યતીત કરવો જોઇએ ? કબીર સાહેબ કહે છે તેને જાણવા પ્રયત્ન કરનારને મતમતાંતરનો અનુભવ થાય છે. તેને વિવિધ પ્રકારના અનુભવો થવાથી તે ભ્રાંત બની જાય છે. તેનું તે નામ પણ આપી શકતો નથી. તેનું તે ઠેકાણું પણ બતાવી શકતો નથી.
તેથી કબીર સાહેબ આગલી રમૈનીમાં કહી ગયા કે મનને સહજ શૂન્ય બનાવી દેવામાં આવે તો તેનો સ્પષ્ટ સાક્ષાત્કાર થાય છે. તેનું સ્પષ્ટ દર્શન થાય છે. મનને સત્વ, રજ ને તમના ગુણોથી વેગળું બનાવવું અનિવાર્ય થઈ પડે છે. તેને અમન પણ કહેવામાં આવે છે. મન પોતે જ ન રહેતું હોય તેવી સ્થિતિને અમન કહેવાય. સામાન્ય સ્થિતિ ઓળંગીને અસામાન્ય સ્થિતિમાં મન પહોંચે ત્યારે તે સહજ શૂન્ય થયેલું ગણાય ને તેવી અવસ્થામાં તેનું સ્પષ્ટ દર્શન થાય છે. મનને શુદ્ધ બનાવ્યા વિના જેણેજેણે પ્રયત્નો કર્યા તેણે તેણે જુદા જુદા મતોની સ્થાપના કરી છે ને વિવાદ ઊભો કર્યો છે.
પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી તે પુરૂષ સર્વજ્ઞ ને સર્વ શક્તિમાન બની જતો હોય છે. એકને જ જાણવાથી સર્વ જાણી શકાતું હોવાથી જીવને તેનાં દર્શન કરવાની સહજ ઈચ્છા થાય છે. તેથી પરમાત્માની પ્રાપ્તિ માટે સર્વ કાંઈ ત્યાગી દેવા તે તૈયાર થઈ જાય છે.
Add comment