Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

તત્વમસિ ઇનકે ઉપદેશા, ઇ ઉપનિષદ કહૈ સંદેશા
ઇ નિશ્ચૈ ઇન્હકે બડભારી, વાહિક બરન કરૈ અધિકારી  - ૧

પરમ તત્વકા નિજ પરમાના, સનકાદિક નારદ સુખમાના
જાગબલિક ઔ જનક સંવાદા, દાતાત્રેય વહૈ રસસ્વાદા  - ૨

વહૈ રામ વસિષ્ઠ મિલિ ગાઈ, વહૈ ક્રિસ્ન ઉધો સમજાઈ
વહૈ બાત જો જનક દિઢાઈ, દેહ ધરે વીદેહ કહાઈ  - ૩

સાખી :  કુલ મરજાદા ખોય કે, જીવત મુવા ન હોય
          દેખત જો નહિ દેખિયા, અટ્ટિષ્ટ કહાહૈ સોય

સમજૂતી

અમે જ એવું કહીએ છીએ એવું નથી, ઉપનિષદ્ પણ એજ સંદેશો આપે છે; વિદ્વાનો પણ ‘તત્વમસિ’ કહીને એ જ ઉપદેશ આપે છે. વેદાન્તીઓનો પણ એવો જ દૃઢ નિર્ય છે. માત્ર અધિકારી લોકો જ તેનું વર્ણન કરી શકે છે.  - ૧

પરમતત્વ પોતે જ પ્રમાણ સ્વરૂપ હોય છે તેથી જ સનકાદિક ઋષિઓએ, નારદ જેવા મુનિઓએ, શુકદેવ જેવા યોગીઓએ, યાજ્ઞવલક્ય જેવા મહર્ષિઓએ જનક જેવા જ્ઞાનીઓએ અને દત્તાત્રેય જેવા ભાગવતોએ તેનો પરિચય કરી બ્રહ્માનંદનો રસા સ્વાદ ચાખ્યો હતો.  - ૨

તેથી જ ગુરૂ વસિષ્ઠે રામને મળીને પરમતત્વનું  ગુણ ગાન ગાયું હતું, શ્રી કૃષ્ણે પોતાના પરમમિત્ર ઉદ્ધવને તેનું જ્ઞાન સમજાવ્યું હતું અને દેહ હોવા છતાં વિદેહી કહેવાતા રાજા જનકે પોતાના હૃદયમાં દૃઢ પણે સતત અનુભવ્યું હતું.

સાખી :  તેવા અધિકારી જ્ઞાની પુરુષો પોતે કુળનું અભિમાન છોડી દઈને વિદેહ અવસ્થામાં જીવતા હોય છે તેવા પુરુષની દૃષ્ટિમાં સંસાર દેખાતો હોવા છતાં નથી દેખાતો !  તેમની દૃષ્ટિમાં સઘળો પ્રપંચ અદૃષ્ટ હોય છે !

૧.  ઇનકે ઉપદેશા એટલે વિદ્વાનોનો ઉપદેશ; જે  વ્યક્તિ નિરાલંબ અવસ્થા પ્રાપ્ત કરે છે, જે વ્યક્તિ મનને નિર્વિષય ને નિવિકલ્પ કરીને શૂન્ય બનાવી દે છે, જે વ્યક્તિ પોતાના શરીરમાં રહેલા આત્માનું દર્શન કરી સઘળે આત્મતત્વની પ્રતીતિ કરે છે તે વ્યક્તિનો ઉપદેશ “તે તું જ છે” એવો હોય છે. તેઓ જે કહે છે તે શાસ્ત્રવાણીનો જ સંદેશો હોય છે. ઉપનિષદો જે જ્ઞાનનો સંદેશો આપે છે તે પણ તે જ છે.

૨.  પરમતત્વનો જો પુરાવો જોઇતો હોય તો દરેક માનવે શરીરમાં જે આત્મા રહેલો છે તેનો સાક્ષાત્કાર કરવો જોઇએ. આત્મા પોતે જ પરમતત્વ એટલે બ્રહ્મસ્વરૂપ છે. અનુભવી પુરૂષોએ અનુભવ કરીને આ નિર્ણય કર્યો છે.

૩.  સનકાદિક એટલે સનક વિગેરે. સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર એ બ્રહ્માના માનસપુત્રો ગણાય. વળી યોગશાસ્ત્રમાં આત્માના ચાર મૂખ્ય લક્ષણોના નામો પણ સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર ગણાવવામાં આવ્યા છે. સનક એટલે અનાદિ. સનંદન એટલે આનંદસ્વરૂપ. સનાતન એટલે અમર. સનત્કુમાર એટલે નિત્ય યુવાન, જેને અજર કહેવામાં આવે છે.

અનુભવી પુરૂષોએ પોતાના શરીર પ્રયોગો કરીને આત્માના અસ્તિત્વ નિર્ણય કર્યો હતો. શરીરમાં રહેલો આત્મા અને શરીરની બહાર રહેલું ચૈતન્ય એક જ સ્વરૂપના છે એવો પણ તેમણે અનુભવ કરીને જાહેર કર્યું હતું. નારદ મુનિએ ને શુકદેવ યોગીએ આત્મતત્વનો સાક્ષાત્કાર કર્યો હતો અને તે દ્વારા શરીરની બહાર વ્યાપેલ પરમતત્વ જેને ભાગવતમાં ચેતન પુરૂષ  તરીકે ઓળખવામાં આવેલ છે તેની સાથે એકતાનો અનુભવ કરેલો. બૃહદારણ્યક ઉપનિષદ્દમાં યાજ્ઞવલ્ક્ય ને જનક રાજા વચ્ચે સંવાદ થયેલો તેમાં પણ આજ આત્મતત્વની વાત કરવામાં આવી છે. ભગવાન દત્તાત્રેયનો અનુભવ પણ એવો જ હતો. યોગવાસિષ્ઠ રામાયણમાં ગુરૂ વસિષ્ઠ અને રામ વચ્ચે સંવાદ થયેલો તેમાં પણ આત્મતત્વનો જ મહિમા ગાવામાં આવ્યો છે. શ્રીમદ્દ ભાગવતમાં શ્રી કૃષ્ણે પોતાના મિત્ર ઉદ્ધવને પણ આત્મતત્વનો મહિમા સમજાવેલો છે.

૪. વિદેહ એટલે દેહ  વગરની સ્થિતિ. દેહ હોય છતાં દેહ નથી એવા આત્મભાવમાં સદા મગ્ન રહેવું તેને વિદેહ કહેવામાં આવે છે. કુલ અભિમાન એટલે સમગ્ર અભિમાન એવો અર્થ ઘટાવવો જોઇએ. અજ્ઞાનતાથી હું આત્મા નથી પણ શરીર છું, પ્રાણ છું, હાથ પગ છું વિગેરે માનવું તેને અભિમાન કહેવામાં આવે છે. આવું બધું જ અભિમાન ચાલ્યું જાય ત્યારે વિદેહ અવસ્થામાં પ્રવેશ થાય. એ અવસ્થામાં હું દેહ નથી પણ આત્મતત્વ છું એવો ભાવ વ્યાપકપણે રહેલો હોય છે. આ આત્મતત્વ સાધારણ રીતે દેખાતું નથી તેથી તેને અદષ્ટ કહેવામાં આવે છે. પરંતુ જે વિદેહ અવસ્થામાં સ્થિત કરે છે તે આત્મતત્વને સર્વત્ર રીતે નિહાળે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,386
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,674
pdf-2અનંત સૂર | Anant Soor 9,380
pdf-3Amar Varso | અમર વારસો 7,524
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,287