કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નહિ પરતીતિ જો યહ સંસારા, ૧દરબકી ચોટ કઠિન કૈ મારા
સો તો સસૈ જાઇ લુકાઇ, કાહૂ કે પરતીતિ ન જાઈ - ૧
ચલે લોગ સભ મૂલ ગવાઇ, જમકી બાઢી કાટિ નહિ જાઈ
આજુ કાજ જિવ કાલ્હિ અકાજા, ચલે સુ લાદિ દિગંતર રાજા - ૨
૨સહજ બિચારે મૂલ ગવાઇ, લાભ તે હાનિ હોય રે ભાઈ
ઓછી મતિ ચંદા ગૈ અથઈ, ત્રિકુટી સંગમ સ્વામી બસઈ - ૩
તબહીં બિસ્નુ કહા સમુજાઇ, મિથુન આઠ તુમ જીતહુ જાઈ
તબ સનકાદિક તત્ત બિચારા, જૌ ધન પાવહિં રંક અપારા - ૪
૩ભૌ મરજાદ બહુત સુખ લાગા, યહિ લેખૈ સબ સંસય ભાગા
દેખત ઉતપતિ લાગુ ન બારા, એક મરૈ એક કરૈ બિચારા - ૫
મુયે ગયે કી કાહુ ન કહી, જૂઠી આસ લાગિ જગ રહી - ૬
સાખી : જરત જરત સે બાંચહુ, ૪કાહે ન કરહુ ગોહારિ
વિષ વિષયા કે ખાયહુ, રાતિ દિવસ મિલિઝારિ
સમજૂતી
આ સંસારને પરમાત્માની સાચી વાતમાં વિશ્વાસ નથી કારણ કે સૌને ધન પ્રાપ્તિની લગન લાગી છે. તે ધન ખરેખર અંતે લુપ્ત થવાનું છે, સાથે આવવાનું નથી, એવો વિશ્વાસ જાગ્યો નથી. - ૧
બધાં જ લોકો આત્મતત્વનું મૂળ ધન ગુમાવીને ચાલ્યા જાય છે. કોઈથી યમરાજની વૃદ્ધિ કાપીને અટકાવી શકાતી નથી. આ મનુષ્ય શરીરમાં જ તે શક્ય છે, બીજી યોનીમાં તે બની શકશે નહિ તે સમજ્યા વિના મોટા મોટા રાજાઓ પણ કર્મનો બોજો લાદીને ચાલ્યા જતા હોય છે. - ૨
ભ્રુકુટીમાં વસતા સ્વામી (આત્મદેવ)માં મન લય થવાને બદલે ઓછી બુદ્ધિવાળા લોકોનું મન ઈન્દ્રિયોમાં લય પામે છે તેથી આત્મા રૂપી મૂળ ધન વ્યર્થ ગુમાવવું પડે છે અને પરિણામે લાભ કરતાં હાનિ વધારે થાય છે. - ૩
તેવી દશામાં વિષ્ણુએ આઠ પ્રકારના મૈથુન પર વિજય પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપ્યો. ત્યારે સનકાદિક ઋષિઓએ આત્મતત્વ પર વિચારણા કરીને ગરીબને અપાર ધન મળવાથી આનંદ થાય તેવો પરમાનંદ પ્રાપ્ત કર્યો. - ૪
તેવા આનંદ ભોગવનારાથી કીર્તિ પણ વધી અને તેવા પ્રકારના વિચારથી સૌ સંશયો નાશ પામ્યા તેવો સંતોષ પણ અનુભવ્યો પરંતુ જોત જોતામાં તેમનો પણ જન્મ થયો. એક મરે ને એક વિચારે તે પ્રમાણે જન્મમરણનાં પ્રવાહમાં પ્રવાહિત થયા. - ૫
જે મરી ગયા તેની વાત કોઈએ યાદ કરી નહિ અને જૂઠી આશામાં તેઓ સૌ સંસારમાં જ રહે છે.
સાખી : હે સંસારી જીવો ! તમે લોકો રાતદિવસ હળીમળીને વિષયોનું વિષ જ ખાયા કરો છો. શા માટે પરમાત્માની પ્રાર્થના કરતા નથી ? માતાના ગર્ભના અગ્નિમાંથી જરૂર બચી જશો.
૧. ‘દરબ’ એટલે દ્રવ્ય-ધન. મહાભારતના સમયે મનુષ્યને જેટલી ભૂખ હતી તેટલી મધ્યકાળમાં એટલે કે કબીર સાહેબના કાળમાં પણ હતી અને આજે આપણે એકવીસમી સદીમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છીએ ત્યારે પણ ભૂખ છે જ. બલકે ભૂખ પહેલાં કરતાં વહી છે એમ કહીએ તો ચાલે. ધન મેળવવાની ઈચ્છામાં મનુષ્ય અનેક પ્રકારના અકસ્માતોનો ભોગ બને છે અને મરણને શરણ થઈ જાય છે. છતાં તે કદી વિચારતો નથી કે પોતે શા માટે દોડાદોડ કરે છે ? શું ધન મર્યા પછી પણ સાથે આવે છે ખરૂં ? ખરેખરે તો ધન અહીં જ રહી હાય છે ને મનુષ્ય વિદાય થઈ જાય છે ! કબીર સાહેબ જેવા અનેક સંતો ને અનુભવી પુરૂષો મનુષ્યને ચેતવણી આપે છે છતાં તેની જરા પણ અસર મનુષ્યને થતી નથી એ કેટલી બધી કરૂણતા છે. અનુભવી પુરૂષોની વચન પર વિશ્વાસ ન જાગે ત્યાં સુધી બધું વ્યર્થ જ ગણાય. વિશ્વાસ જાગશે ત્યારે જ મનુષ્ય પોતાની દિશા બદલશે.
૨. પોતાના સ્વરૂપનું ભાન તે મનુષ્યનું મૂળ ધન ગણાય. તે ધન મેળવવામાં આવે તો યમનું બંધન છૂટી જાય. જન્મ મરણના ફેરા ટળી જાય પરંતુ ધનના લોભમાં માનવ મૂળ ધન પણ ગુમાવે છે એટલું જ નહીં પણ લાભ થવાને બદલે નુકશાન જ થાય છે. વારંવાર મનુષ્ય શરીર મળતું નથી. આ સોનેરી તક ફરીવાર મળતી નથી એવો વિચાર આવે તો જ નુકશાનને બદલે લાભ મેળવવા તરફ મનુષ્ય ગતિ કરી શકે. મનુષ્ય શરીરમાં બુદ્ધિ ભગવાને આપેલી હોવાથી તેનો ઉપયોગ કરવામાં તેનું કલ્યાણ થાય છે. પશુપંખીમાં બુદ્ધિ નથી તેથી તેઓની પાસે શી અપેક્ષા રાખી શકાય ? મનુષ્યની જવાબદારી આ દષ્ટિએ પણ વિશેષ પ્રકારની ગણાય. બીજી યોનીમાં સ્વરૂપનું જ્ઞાન મેળવી શકાતું નથી તેથી ઉત્ક્રાંતિ થતી નથી.
૩. વિષ્ણુ ભગવાન ગુરૂના પ્રતીક તરીકે ગણવામાં આવે છે ને સનકાદિ ઋષિઓ શિષ્યોના પ્રતીક તરીકે મનાય છે. ગુરૂના ઉપદેશ પ્રમાણે ચાલવાથી શિષ્યનું કલ્યાણ જ થાય છે તેમાં બે મત નથી. પરંતુ જો શિષ્ય માત્ર તે પ્રમાણે વિચારતો જ થાય, પણ તે પ્રમાણે આદર્શનો અમલ ન કરે તો સમાજમાં ભલે તેની પ્રતિષ્ઠા વધે પણ તેનું કલ્યાણ થતું નથી. ગુમાનમાં તે માની લે છે કે તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ છે પણ હકીકતે જુદું જ હોય છે. સમયે તેની કસોટી થાય છે ત્યારે પડે છે. તેની અધૂરપનો ખ્યાલ આવે છે. સંપૂર્ણ જ્ઞાન આત્મદર્શન વિના મળતું નથી. આત્મદર્શન નિષ્કામ થયા વિના શક્ય નથી. તેથી કામના વિનાની સ્થિતિ મેળવવા ભગવાનનાં નામનું સ્મરણ અથવા પ્રાર્થના કરવી આવશ્યક મનાય છે.
૪. ગોહારિ એટલે પ્રાર્થના. ગીતામાં ચાર પ્રકારના ભક્તોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અર્થાર્થી, દુઃખાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની આ ચારે પ્રકારના ભક્તો પ્રાર્થના દ્વારા પોતપોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ ચારે ભક્તો પૈકીમાં જ્ઞાની ભક્ત પરમાત્માને વ્હાલો ગણાય છે કારણ કે તે પોતાના મનને ચોવીસે કલાક પ્રભુમાં જોડેલું રાખે છે જ્યારે બાકીના ત્રણે પ્રકારના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતાં જ પરમાત્માને ભૂલી જાય છે. જ્ઞાની જન નિષ્કામ હોવાથી પરમાત્માનો સાચો ભક્ત બની શકે છે જ્યારે બીજા કામનાવાળા હોવાથી કામચલાઉ ભક્ત ગણાય છે. કબીર સાહેબ આ પદમાં અર્થાર્થીને ધ્યાનમાં રાખીને સૂચના કરે છે. બીજા એક પ્રસિદ્ધ ભજનમાં પણ કબીર સાહેબ આ અંગે સ્પષ્ટીકારણ કરે જ છે.
“સંતત સંપત સુખ કે કારણ, જાસે ભૂલ પરી ભજો રે ભૈયા રામગોવિંદ હરિ !”
જ્યારથી સંપત્તિને, ધનને જ માત્ર સુખનું કારણ માન્યું છે ત્યારથી આ જગત અવળે માર્ગે ગતિ કરી રહ્યું છે. સવળે માર્ગે જવું હોય તો તેણે ભગવાનના નામનું સ્મરણ કરવું જ પડશે. ભજો રે ભૈયા રામગોવિંદ હરિ.
Add comment