કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બડ સૌ પાપી આહિ ગુમાની, પાખંડ રૂપ છલે નર જાની
બામન રૂપ છલેઉ બલિરાજા, બ્રાહ્મન કીન્હ કવનકો કાજા - ૧
બ્રાહ્મન હી સબ કીન્હી ચોરી, ૧બ્રાહ્મણ હી કો લાગલ ખોરી
બ્રાહ્મન કીન્હો ગ્રંથ પુરાના, કૈસહુ કૈ મોહિ માનુષ જાના - ૨
એક સે બ્રહ્મૈ પંથ ચલાયા, એક સે હંસ ગોપાલ હિ ગાયા
એક સે સિંભુ પંથ ચલાયા, એક સે ભૂત-પ્રેત મન લાયા - ૩
એક સે પૂજા જૈનિ બિચારા, એક સે નિહુરિ નિમાજ ગુજારા
૨કોઇ કાહુ કા હટા ન માના, જૂઠા ખસમ કબીર ન જાના - ૪
તન મન ભજિ રહુ મોરે ભક્તા, સત્ત કબીર સત્ત હૈ વક્તા
આપુહિ દેવા આપુહિ પાતી, આપુહિ કુલ આપુહિ હૈ જાતી - ૫
સર્વ ભૂત સંસાર નિવાસી, આપુહિ ખસમ આપુ સુખબાસી
કહઈત મોહિ ભયલ યુગ ચારી, કાકે આગે કહૌં પુકારી - ૬
સાખી : સાંચહિ કોઇ ન માનઇ, જૂઠા કે સંગ જાય
જૂઠ હિ જૂઠા મિલિ રહા, અહમક ૩ખેહા ખાય
સમજૂતી
તેઓ (ઢોંગી ગુરુઓ) મોટા પાપી ને અભિમાની લોકો છે. તેઓ અનેક પ્રકારના બનાવટી રૂપો ધારણ કરીને ભોળા લોકોને જાની બૂઝીને છેતરે છે. વામન રૂપ ધરીને બલિરાજાને પણ છેતર્યો હતો. ખરેખર તે બ્રાહ્મણોએ (ગુરૂઓએ) કોનું પાધરું કામ કર્યું છે ?
બ્રાહ્મણોએ જ બધી ચોરી કરેલી. માટે બ્રાહ્મણને જ બધા દોષો લાગ્યા છે. કોઈપણ પ્રકારે મનુષ્ય સમાજ અમને સમજે એ હેતુથી તેઓએ પુરાણ ગ્રંથોની રચના કરેલી. - ૨
એક પુરાણ ગ્રંથને આધારે બ્રહ્માએ પોતાનો કર્મમાર્ગ ચલાવ્યો, એક ગ્રંથને આધારે વિષ્ણુએ વૈષ્ણવોનું ગાન ચાલુ કર્યું, એક ગ્રંથને આધારે શંભુએ શિવપંથની સ્થાપના કરી અને એક ગ્રંથને આધારે ભૂતપ્રેતમાં મન લગાવવાનો ઉપદેશ કોઈએ આપ્યો. - ૩
એક ગ્રંથને આધારે જૈનોએ પોતાના વિચારો ફેલાવ્યા, એક ગ્રંથને આધારે કોઈએ નમીને નમાજ પઢવાનું ચાલુ કરાવ્યું. કોઈએ કોઈનું માન્યું નહિ અને કબીરે તો આવા કોઇ જુઠા ઈશ્વરની વાતોની માની જ નહિ. - ૪
માટે હે મારા ભક્તજનો ! તમે કબીર જ સત્ય પરમેશ્વરનિ સત્ય વાતો કહી રહ્યા છે તે સમજીને શરીર અને મનથી હમેશા ભક્તિ કર્યા કરો. તેમે પોતે જ દેવ, પત્ર, વંશ અને ઉત્તમ જાતિ છો. - ૫
સત્ય પરમાત્મા તો સર્વ પ્રાણીમાત્રમાં ઠેર ઠેર વ્યાપીને રહેલા છે. તમે પોતે આત્મા સ્વરૂપે ઈશ્વર છો અને નિત્ય સુખસ્વરૂપ છો. આ સત્ય વાત મેં ચાર યુગોથી કરી છે. આજે ખરેખર કોની આગળ તે જ વાત પુકારીને કહું ? - ૬
સાખી : આ જગતમાં સાચી વાત કોઈ માનતું જ નથી, બધાં જૂઠાના સાથીદારો છે. જૂઠાની સાથે જૂઠા મળીને ખરેખર મુર્ખ લોકો ધૂળ ફાકી રહ્યા છે.
૧. આ આખા યે પદમાં કબીર સાહેબે ઢોંગી ગુરૂઓને લક્ષમાં રાખીને બ્રાહ્મણો પર પ્રહારો કર્યા છે. ભગવાનની વાતો બ્રાહ્મણો કરે તે જ સાચી એવું તે વખતે મનાતું. બ્રાહ્મણ સિવાય કોઇને જ્ઞાનનો જાણે કે અધિકાર જ નહોતો. તેથી બ્રાહ્મણો પાર બધો અપયશ ઢોળી દેવામાં આવ્યો છે. બલિરાજા જેવા રાજાને વામન રૂપ ધારણ કરીને બ્રાહ્મણના વેશે ખુદ ભગવાને છેતરામણ કરી હતી તે શું સૂચવે છે ? છેતરવાની ઈચ્છા થઈ તો ભગવાને બ્રાહ્મણનું જ રૂપ લેવું પડ્યું ? તેથી બ્રાહ્મણને જશ મળતો નથી એમ સમજવું ? ખરેખર બ્રાહ્મણોથી ભલાઈના કામો થયા નથી એમ કેવી રીતે કહી શકાય ? અહીં તો કબીર સાહેબે ઢોંગી ગુરૂઓના પ્રતીક તરીકે બ્રાહ્મણોનો ઉપયોગ કર્યો છે ને પોતાની રીતે કડક આલોચના કરી છે. તેઓ સ્પષ્ટ કરવા માંગે છે કે જે સત્ય પરમાત્મા છે તે કદી છેતરવાનું કાર્ય કરતાં નથી. છેતરવાની ક્રિયા સાથે તો માત્ર માયાને જ સંબંધ છે. પરમાત્મા તો અનંત શક્તિ શાળી છે. તે ધરતે તો સંકલ્પ માત્રથી બલિરાજાને શિક્ષા કરી શક્યો હોત !
૨. કબીર સાહેબ સમયે હિન્દુ સમાજ અનેક પંથ સંપ્રદાયોમાં અને જાતિઓમાં વિભક્ત થયેલો હતો. જેણે જેણે પંથ ને સંપ્રદાયો સ્થાપ્યા તેણે તેણે આખા સમાજની કરોડરજ્જુ તોડી નાંખવાનું જ કાર્ય કર્યું છે તેનો અફસોસ આજે પણ આપણને થાય છે. એ રીત રસમને કારણે જ હિન્દુ સમાજ એક્તા સ્થાપી શક્યો નથી. કબીર સાહેબને પણ આ બાબતમાં રંજ હતો તે આ પદમાં કડક આલોચનાના રૂપે વ્યક્ત થયો જણાય છે. ઘણા યુગપુરૂષોએ અને સંતોએ પોતપોતાના સમયે ઢોંગી ગુરૂઓની સ્વાર્થી નીતિને પડકારી પણ છે અને મનાઈ પણ ફરમાવી છે. પરંતુ કોઈએ પણ તેમની વાત ધ્યાનમાં લીધી નથી તે એક હકીકત છે. પરમાત્મા તો એક જ છે પણ ઢોંગી ગુરૂઓએ પોતાન પેટ ભરવાના ધંધા વિકસાવવા પરમાત્મા અનેક છે તેવા સ્વરૂપે ભોળા લોકોને સમજાવવા અનેક પંથ-સંપ્રદાયોની સ્થાપના કરી છે ને પોતપોતાની રીતે પોતપોતાનું શાસ્ત્ર પણ રચ્યું છે.
૩. પંથ ને સંપ્રદાયોનાં મહંતો જે શીખવે છે ને ઉપદેશ આપે છે તે ધૂળ સમાન જ છે. આખરે અનુયાયી વર્ગના હાથમાં કાદવ જ રહે છે. આત્મતત્વનું મોતી તેમને હસ્તગત થતું જ નથી. કરણ કે પંથે ને સંપ્રદાયો ચલાવવા માટે તેમણે માયાવી તરકીબો જ રજૂ કર્યા કીધી હોય છે. ઉત્સવો ને તહેવારો રૂપે ધન જ એકઠું કર્યા કીધું હોય છે. ધન ને સંપત્તિ વધે તેની જ યોજના તેઓએ કરી હોય છે. પરિણામે માયાના ખેલ જ તેમણે અનુયાયી પાસે કરાવ્યા હોય છે. એક ગૃહસ્થી પોતાનું ઘર ચલાવવા જેવા પ્રપંચો કરે છે તેવા જ પ્રપંચો મહંતો ને મઠાધીશો કરતાં હોય છે તેની કોણ ના પડી શકશે ?
માટે આત્મતત્વનું ધન પ્રાપ્ત કરવું હોય તો પંથ સંપ્રદાયોની ભ્રામક વાતોમાંથી પહેલાં તો મુક્ત થવાની આવશ્યકતા છે એવું કબીર સાહેબ અહીં સ્પષ્ટ કરવા માંગે છે.
Add comment