Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ઉનઈ બદરિયા પરિગૌ સંઝા, અગુઆ ભૂલે બનખંડ મંઝા
પિય અંતે ધૂનિ અંતે રહઇ, ચૌપરિ કામરિ માથે રહઇ  - ૧

સાખી :  ફુલવા ભાર ન લે સકે, કહૈ સખિન સોં હોય
          જૌં જૌં ભીંજૈ કામરિ, તૌં તૌં ભારી હોય !

સમજૂતી

સાંજ પડી ગઇ અને આકાશ તો કાળાં વાદળોથી છવાઇ ગયું !  આગળ ચાલતા માર્ગદર્શકો જંગલમાં રસ્તો ભૂલી પણ ગયા ! એક બાજુ પ્રિય ને પ્રિયતમા વચ્ચેનું અંતર ઘણું લાંબુ રહી ગયું ને બીજી બાજુ ચાર પડવાળી ઓઢેલી કામળી માથા પર લેવી પડી !  - ૧

સાખી :  ફૂલનો ભાર પણ ન સહી શકનારી પ્રેમિકા રડી રડીને પોતાની સખીને ફરિયાદ કરવા લાગી કે જેમ જેમ કામળી ભીની બને છે તેમ તેમ તે તો વધારે ભારે બનતી જાય છે.

૧.  એક સુંદર રૂપક દ્વારા કબીર સાહેબે આ રમૈનીમાં સાધકને ઉપયોગી એવી વાત થોડા શબ્દોમાં ઘણી કહી દીધી ગણાય. જીવને વ્રદ્ધાવસ્થા દરમ્યાન જ પોતાનાથી થયેલી મોટી મોટી ભૂલોનું ભાન પ્રગટે છે તે એક મોટી કરૂણતા છે. તે અવસ્થામાં એક તો પોતે ખોટા માર્ગદર્શકોના ફંદામાં ફસાયલો તેનું જીવને દુઃખ હોય છે ને બીજું, પોતે સ્હેજ પણ આત્મકલ્યાણ ન કરી શકવાનો તેની ભારે વ્યથા થતી હોય છે. પોતે પ્રિયતમ પ્રભુથી ઘણા દૂર ફેંકાઇ ગયાનો અનુભવ તેને ખૂબ વ્યથિત કરી નાંખે છે.

૨.  વિધ વિધ પ્રકારના વિષય પદાર્થોના ઉપયોગથી માનવના મન અને ઇન્દ્રિયો નિર્બળ બને છે તે એક કહીકત છે. ભરે કાર્ય ન થઈ શકે તે તો સમજવા પણ હલકું ગણાતું કાર્ય પણ ન થઈ શકે તે કેવી નિર્બળતા ગણાય ?  મોજ મઝામાં પડેલા માલેતુજાર લોકોને ઉંબરામાં પડેલા એક નાના પથ્થરને ઉચકવા માટે મજૂરની જરૂર પડતી હોય છે તે આપણે ક્યાં નથી જાણતા ?  નિર્માલ્ય બનેલું મન ફરિયાદો કરીને થાકી જતું હોય છે !

૩.  કેવી સુંદર રૂપક કથા !  અનેક પ્રકારની કામનાઓ અને તે દ્વારા કરેલી ઉપાસનાઓ જીવને આખરે ભારરૂપ જ થઈ પડે છે. સાંજ પડી ગઈ હોય, કાળી ઘનઘોર ઘટાનો વ્યાપી વળેલો અંધકાર ડરાવતો હોય, મૂશળધાર વરસાદથી શરીર ઠુંટવાતું હોય, કહેવાતા ગુરૂઓ પોતે જ ભર જંગલમાં ભૂલા પડીને રસ્તો શોધતા હોય, શરીર પર ઓઢેલી કામળી વરસાદના પાણીથી ભીંજાઇને વજનદાર થતી હોય ત્યારે મુસાફરને કેવી અથળામણનો અનુભવ થતો હશે તેનો ખ્યાલ કરી જુઓ. મુસાફરને પોતાની મંઝિલ દૂર તો જણાતી જ હતી તેમાં આવી મુશ્કેલીઓ તેનામાં એવો ઘેરો વિષાદ જગવે છે કે તે પોતે ઉદ્વિગ્ન મન વડે કશી જ પ્રગતિ કરી શકતો નથી. પોતે ઓઢેલી કામળી ભીંજાતી ભીંજાતી પોતાને વજનદાર લાગવા માંડે છે ને છેવટે તેને નીચે બેસાડી દે છે. એક પણ ડગલું પોતે આગળ ન જઈ શકે તેવી સ્થિતિમાં મુકાય જાય છે. તે વખતે તેનું અરણ્ય રૂદન કોણ સાંભળે ?  “ચૌપરિ કામરિ” એટલે ચાર પડવાળી કામળી કે જે ઓઢવાથી શરીરનું સંપૂર્ણપણે રક્ષણ થાય છે એવા વિશ્વાસી મુસાફરીનો પ્રારંભ કરવામાં આવ્યો હોય છે. પરંતુ અંતે તો કામળી રક્ષણ કરી શકતી નથી. કેવી દશા ?  કેવી હાલાકી ?