કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જસ જીવ આપુ મિલૈ અસ કોઈ, બહુત ૧ધર્મ સુખ હૃદયા હોઈ
જાસોં બાત રામકી કહી, ૨પ્રીતિ ન કાહૂ સોં નિરબહી - ૧
એકૈ ભવ સકલ જગ દેખી, બહાર પરૈ સો હોય ૩બિબેકી
વિષય મોહકે ફંડ છુડાઈ, જહાં જાય તહાં કાલ કસાઈ - ૨
અહૈ ૪કસાઈ છૂરી હાથા, કૈસહુ આવૈ કાટૌં માથા
માનુષ બડા બડા હોય આયા, એકૈ પંડિત સભૈ પઢાયા - ૩
૫પઢના પઢહુ ધરહુ જનિ ગોઇ, નહિ તો નિશ્ચય જાહુ બિગોઈ - ૪
સાખી : ૬સુમિરન કરહૂ રામકા, છાંડહુ દુઃખકી આસ
તર ઉપર ધરિ ચાપિહૈ, કોલ્હૂ કોટિ પચાસ
સમજૂતી
(અવિવેકી) જીવને તેના જેવો બીજો કોઈ (અવિવેકી) જીવ મળે તો તેને તે મોટું પુણ્યકાર્ય માનતો હોવાથી હૃદયમાં સુખનો અનુભવ કરે છે. તેવા પૈકીને મેં જેને જેને રામની વાત કહી છે તેને રામ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો નથી જણાતો. - ૧
આખું જગત એક જ માયાવી ભાવમાં ડૂબેલું જણાય છે. ભાગ્યે જ કોઈ તે ભાવથી અલિપ્ત થઈ પોતાને વિવેકી ગણાવે છે. તેવો વિવેકી પુરુષ પોતાની જાતને વિષયના મોહના ફંદામાંથી મુક્ત કરે છે ખરો પરંતુ કસાઈ જેવા ગુરુના હાથમાં ફસાય જાય છે. - ૨
એવા ગુરુઓ કસાઈરૂપી છરી હાથમાં રાખીને બેઠાં હોય છે. જેવા કોઈ આવે તેવા જ તેઓ તેનું માથુ જ કાપી નાંખે છે. તેઓ મોટા બનીને જગતમાં આવે છે પણ એક જ પંડિતે સૌને ભણાવ્યા લાગે છે. - ૩
વાંચવાને જાણવા જેવા (વેદ ઉપનિષદ આદિ) ગ્રંથો વાંચો ને ભણો અને જે કાંઈ જાણ્યું હોય તે છૂપાવીને ન રાખતાં બીજાને શીખવો, નહિ તો ખરેખર બધું જ નષ્ટ થઈ જશે. - ૪
સાખી : સુખદુઃખની આશા છોડીને રામ તત્વનું નિત્ય સ્મરણ કરો, નહીં તો કાળરૂપી કોલુ, નીચે ઉપર બે પથ્થરોની વચ્ચે ક્ષણમાં ચગદી નાંખશે.
૧. કબીર સંપ્રદાયનાં કેટલાક વિદ્વાનો ધર્મ શબ્દ દ્વારા ધર્મદાસને સંબોધન કરવામાં આવ્યું છે એવું પુરવાર કરવા પ્રયત્ન કરે છે. કબીર સાહેબ ધર્મદાસને આજ પદમાં શા માટે યાદ કરે ? બીજા કોઈ પદમાં ઉલ્લેખ પણ પ્રાપ્ત થતો નથી. વળી ધર્મદાસ અને કબીર સાહેબના સમયમાં પણ મોટું અંતર હોવાનું સાબિત થયું છે. નહીં તો યે દોઢસો વર્ષના સમય ગાળાનું અંતર હતું એવું મનાય છે. તેથી ધર્મદાસને સંબોધન કર્યું હોય એવું માની શકાય એમ નથી. અહીં ધર્મ શબ્દનો વિશેષ અર્થ કર્યો હોય એમ જણાય છે. અમરકોશને આધારે વિચારીએ તો ધર્મ શબ્દના અનેક અર્થ થાય છે. તેમાં પુણ્ય પણ એક અર્થ થાય છે. અહીં પુણ્યની ભાવના અભિપ્રેત હોય એમ જણાય છે.
૨. વિષય પદાર્થોને પોતાની કામનાની પરિતૃપ્તિ માટે મેળવવાની હંમેશ પેરવી કરનારા જીવોને રામતત્વ વિશદતાથી સમજવામા આવે તો પણ તોના હૃદયમાં રામ વિશે પ્રીતિ જન્મતી નથી એ એક હકીકત છે. રામકથા અનેકવાર સાંભળી હોવા છતાં આપણા હૃદયમાં પણ રામ વિષે પ્રીતિ ક્યાં જન્મી છે ? મન જ્યાં સુધી વિષય પદાર્થોમાં કામનાથી ભરેલું હોય ત્યાં સુધી કથા શ્રવણની ખાસ અસર થતી નથી. મનમાંથી કામનાઓ ખાલી થાય તો જ જીવ પરમાત્મા તરફ અભિમુખ થાય ને પ્રીતિ જન્મે.
૩. વિવેકી પુરૂષ તેને જ કહેવાય કે જેને સારા નરસાનું, સાચા ખોટાનું, હિત અહિતનું ભાન હોય છે અને જે સત્ય છે તેને પામવાની કોશિશમાં રહે. સમસ્ત જગતમાં માયાનો એક સરખો પ્રભાવ પથરાયલો હોવા છતાં જ્યારે વિવેક જાગે છે ત્યારે હૃદયમાં માયા મોહની પકડ જરૂર ઢીલી પડે છે તે પણ એક હકીકત છે.
૪. વિવેકી પુરૂષ સ્વતઃ માયા ને મોહના ફંદામાંથી પોતાની જાતને મુક્ત કરવા ગંભીરપણે મહેનત કરે છે. તેને થોડી સફળતા મળે પણ ખરી પરંતુ જગતમાં કસાઈ જેવા ઘાતકી બનાવટી ગુરૂઓ અનેક હોવાને કારણે તેનાં પ્રભાવ હેઠળ તરત જ તે પુરૂષ આવી જતો હોવાથી તેનાં હૃદયમાં જાગેલો વિવેક બહું ફળદાયી નીવડી શકતો નથી. તેવા ગુરૂઓ પોતાના શિષ્યોની સંખ્યા વધારવા લાલચ ભરેલી માયાજાળ ફેલાવતા જ રહે છે. અનેક શિષ્યો તે માયાજાળનાં શિકાર પણ બને છે. મોટા નામવાળા ખૂબ પ્રતિષ્ઠા પામેલા ગુરૂઓ પણ શિષ્યોને મૂડવા સિવાય બીજું કશું કરતાં નથી.
૪. શુદ્રોથી ને સ્ત્રીથી વેદ ન વાંચી શકાય અથવા તો વેદનું જ્ઞાન ન લઈ શકાય એવી માન્યતાનું અહીં ખંડન કરવામાં આવ્યું હોય એમ લાગ્યા વિના રહતું નથી. જાણ્યા પછી બીજાને તે કહેવાય પણ નહિ એવું પ્રથાનું પણ અહીં ખંડન કરવામાં આવ્યું છે. કબીર સાહેબ તો કહેવા માંગે છે કે શીખવા જેવું બધું જ શીખી લીધાં પછી તે સર્વને જણાવવાની અને શીખવવાની મહેનત પણ કરવી જોઇએ ને તો જ જ્ઞાનનો ફેલાવો પણ થઈ શકે.
૫. ભગવાનના નામના સ્મરણનો મહિમા આ પદમાં ગાવામાં આવ્યો છે. સ્મરણ પણ બે પ્રકારે થતું હોય છે. એક તો મોઢેથી બોલીને અને બીજું તો મન દ્વારા. મનથી કરેલું સ્મરણ વધારે અસરકારક બને છે એવું અનુભવી પુરુષોનું કહેવું છે. છતાં સ્મરણનો બીજો પ્રકાર નકામો છે એવું કહી શકાતું નથી. બંને પ્રકારના સ્મરણથી જીવના હૃદયમાં શુદ્ધિયજ્ઞ ચાલુ જ રહે છે ને આખરે પરિણામે પરમાત્માની અનુભૂતિ અવશ્ય થાય છે. સ્મરણ ન કરે તેવા મન વડે કલ્યાણ માર્ગ પર પ્રવાસ થઈ શકે નહિ.
Add comment