Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ચંદ ચંકાર સી બાત જનાઇ, માનુષ બુધિ દીન્હી પલટાઇ
ચારિ અવસ્થા સ્વપ્નો કહઈ, જૂઠો ફૂરો જાનત રહઈ  - ૧

મિથ્યા બાત ન જાનૈ કોઈ, યહિ બિધિ સિગરે ગયલ બિગોઇ
આગે દૈ દૈ સભનિ ગમાયા, માનુષ બુધિ સપનેહું નહિ પાયા  - ૨

ચૌતિસ અચ્છર નિકલૈ જોઇ, પાપ પુન્ન જાનૈગા સોઇ  - ૩

સાખી :  સોઇ કહતે સોઇ હોઉગે, નિકરિન બાહર આઉ
          હૌં હજૂર ઢાઢો કહૌં, ધોખે ન જન્મ ગમાઉ

સમજૂતી

(તે ઢોંગી ગુરુઓએ) ચંદ્રને ચકોર જેવી (કપોલ કલ્પિત) વાતો સમજાવીને ભોળા લોકોની બુદ્ધિને ફેરવી નાંખી !  ચારે અવસ્થાને તેઓ સ્વપ્ન સમાન મિથ્યા કહે છે ને (અંદર ખાનેથી) તેઓ મિથ્યા પદાર્થોને સત્ય સમજીને સદા ઉપભોગ પણ કર્યા કરે છે.  - ૧

ખરેખર તો મિથ્યા વાતને (તેઓ) કોઈ જાણતું જ નથી. આવી રીતે તેઓ સર્વ વિનાશ પામ્યા. આગળ (ફળ) મળે રહેશે તેવી આશામાં લોકોએ બધું જ ગુમાવી દીધું. કોઈને માનવ બુદ્ધિ સ્વપ્તમાં પણ સૂઝી નહિ !  - ૨

(તેઓની) ચોત્રીસ અક્ષરોની શબ્દજાળથી જે કોઈ નીકળશે તે જ પાપ અને પુણ્યને બરાબર સમજી શકશે.  - ૩

સાખી :  જે કહેશો તે થશો. તેથી શા માટે શબ્દજાળમાંથી બ અહાર નીકળતા નથી ?  (મદદની જરૂર હોય તો) હું હાજર જ છું, તમારી સામે ઊભો રહીને કહી રહ્યો છું કે હે જીવો !  ભૂલમાં પડી આ (મૂલ્યવાન) જન્મ ન વ્યતીત કરો.

૧.  ચકોર પક્ષી ચંદ્ર સાથે પ્રેમ કરે છે. તેવી કપોલ કલ્પિત વાતો જોડી કાઢીને પૌરાણિક કથાકારો ઢોંગી ગુરૂઓના પરિવેશમાં લોકોને કથા સંભળાવતા. તેવી વાતો સાંભળીને લોકો ગેરમાર્ગે દોરાતા. તેવી વાતોથી સદ્દગુણોની વૃદ્ધિ થતી નહીં બલકે સૌના હૃદયમાં કામ, ક્રોધ, મોહ, મત્સર જેવા દુર્ભાવો વધતા રહેતા.

૨.  માનુષ બુદ્ધિ એટલે વિદેક બુદ્ધિ બુદ્ધિનું દાન માત્ર મનુષ્યને જ કુદરતે આપ્યું છે. તેથી બુદ્ધિનો સદુપયોગ કરવાની જવાબદારી મનુષ્યની પોતાની છે. કુદરતના અવિરત ચાલતા ચક્રમાં વિઘ્નો ન ઊભા થાય તેની વિચારણા બુદ્ધિનો સદુપયોગ કરવાથી જ થઈ શકે. પોતાના અને વિશ્વના કલ્યાણમાં કઈ વસ્તુ ઉપયોગી છે ને કઈ બિનઉપયોગી છે તેનો ખ્યાલ હોવો મનુષ્ય માત્ર માટે જરૂરી છે.

૩.  જીવન એક સ્વપ્ન સમાન છે. એવી વિચાર સરણીમાં માનવાવાળા લોકો જીવનની ચાર અવસ્થાઓને બાળપણ, કૌમાર્ય યુવા અને વૃદ્ધાવસ્થાને સ્વપ્ન સમાન મિથ્યા માને છે ખરા પણ અંદર ખાનેથી તેઓનું જીવન તપાસવામાં આવે તો જેને તેઓ મિથ્યા માનતા હોય છે તેને તેઓ સત્ય માનતા હોય એમ જણાય છે. તેઓ બોલે છે. જાદું ને કરે છે જાદું. તેઓના જીવનમાં ત્યાગ તો જણાતો હોતો નથી. તેઓ હમેશા ભોગ પરાયણ જીવન જીવતા હોય છે. વૈભવ વિલાસમાં તેઓ એવા તો રચ્યાપચ્યા હોય છે કે તેઓને પોતે શો ઉપદેશ આપતા રહ્યા છે તેનું ભાન રહતું નથી.

૪.  ‘આગે’ એટલે આગળ, હવે પછી. આ જન્મમાં નહીં મળે તો આવતાં જન્મમાં ફળ જરૂર મળશે એવો ઢોંગી ગુરૂઓને ઉપદેશ સાંભળી ભોળા લોકો પોતાને મળેલા કિંમતી સમય ને શક્તિ વગર વિચાર્યે વેડફી દે છે. ભૂતભાવિના ખોટા ખ્યાલોમાં પોતાને મળેલો સુંદર વર્તમાન તેઓ નથી સમજી શકતા. બુદ્ધિશાળી મનુષ્ય તે જ છે કે જે વર્તમાનને જ બરાબર સમજે અને ગથાયોગ્ય કરે.

૫.  ચોત્રીસ અક્ષરની અહીં વાત કરી છે તે શબ્દજાળના પ્રતીક તરીકે જ સમજવી યોગ્ય લેખાશે. સંસ્કૃત વર્ણમાળા અનુસાર છાસઠ અક્ષરો થાય છે અને વર્તમાન હિન્દી ભાષાના વ્યાકરણ વ્યાકરણ પ્રમાણે ૫૧ અક્ષરો થાય છે. બિહાર તરફ પ્રચલિત મૈથિલી ભાષામાં ચોત્રીસ અક્ષરો હોય છે એવી બ્રહ્મલીનમુનિએ નોંધ કરી છે તે જો સત્ય હોય તો કબીર સાહેબ બિહાર તરફના હોવાનું અનુમાન સાચું માની શકાય. વળી શાસ્ત્રો કહે છે કે મન અને વાણી પરમાત્મા સુધી પહોંચી શકતા નથી તો શા માટે વાણી વિલાસ કરી ભોળા અજ્ઞાની લોકોને શબ્દ જાળમાં ફસાવવા જોઇએ એવો પણ ચોત્રીસ અક્ષરના કથન પાછળનો ધ્વનિ છે. એવું સ્પષ્ટ થાય છે.

૬.  જેવું ઈચ્છો તેવું થશે એવી પણ એક કહેવત છે. માનવ જીવન પર મનનો જ સંપૂર્ણ પ્રભાવ હોય છે. તે સત્યને આધારે આ કહેવત સત્ય લાગે છે. મનમાં જેવી ઈચ્છા પેદા થાય છે તેવું જ મનુષ્ય કરતો જણાય છે તેથી તે જેવી ઈચ્છા રાખે તેવું તે પામે છે એવું કહેવામાં કશી ભૂલ થતી નથી. કબીર સાહેબ કહેવા માંગે છે કે સારી જ ઈચ્છાઓ કરીએ, સારા જ વિચારો કરીએ તો આપણાથી સારાં જ કૃત્યો થશે ને સુખ શાંતિનાં ફળો મળશે.