Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બ્રહ્મા કો દીન્હો બ્રહ્મંડા, સાત દીપ પુહુમી નવ ખંડા
સત્ત સત્ત કહી બિષ્ણુ દિઢાઇ, તીનિ લોક મંહ રાખિનિ જાઈ  - ૧

લિંગ રૂપ તવ શંકર કીન્હા, ધરતી કીલિ રસાતલ દીન્હા
તબ અષ્ટંગી રચલ કુમારી, તીનિ લોહ મોહ સબ ઝારી  - ૨

નામ દુતીય પારબતિ ભયઉ, તપ કરતે શંકર કહ દિયઉ
એકૈ પુરૂષ એક હૈ નારી, તાતે રચનિ ખાનિ ભૌ ચારી  - ૩

સરમન બરમન દેવ રૂ દાસા, રજ સત તમ ગુન ધરતિ અકાસા  - ૪

સાખી :  એક અંડ ઓમકાર તે, સબ જગ ભયા પસાર
          હૈ નારી સબ રામકી, અવિચલ પુરૂષ ભતાર

સમજૂતી

(પરમેશ્વરે) બ્રહ્માને બ્રહ્માંડનિ રચના કરવાની જવાબદારી સોંપી અને સાત દ્વીપો ને નવખંડ પૃથ્વીની રચના થઈ. તે વખતે વિષ્ણુએ સત્ય વચન કહીને વિશ્વાસને દૃઢ કર્યો ત્યારે તેને ત્રણે લોકની રક્ષાતું કાર્ય સોંપાયું.  - ૧

તે વખતે (સૌ પ્રથમ) શંકરે પોતાની જતને લિંગરૂપ કરી દીધી હતી અને રસાતલમા ધરતી સરકી ન પડે તેથી (જાણે કે) ખીલો ઠોકી દીધો હતો. ત્યારે આઠ અંગવાળી એક કુમારીની ઉત્પત્તિ થઈ જેને જોઈને ત્રણે ભુવનના લોક મોહ પામી ગયા.  - ૨

તેનું બીજું નામ પાર્વતી પણ કહેવાયું. તપ કરતાં શંકરને તેની પ્રાપ્તિ થઈ હતી. ખરેખર તો એક જ પુરૂષ અને એક જ નારીથી સ્થાવર જંગમ સૃષ્ટિની રચના થઈ છે.  - ૩

ધરતી આકાશ જેવા પાંચ મહાભૂતની, સત્વ રજ ને તમો ગુણ જેવા ત્રણે ગુણની અને શર્મા, વર્મા, દેવ અને દાસ જેવા ઉપાધિવાળા મનુષ્યોની રચના થઈ છે.  - ૪

સાખી :  ઓમકાર રૂપ એક ખંડમાંથી જ સમસ્ત જગતનો વિસ્તાર થયો છે. સૌના સ્વામી તો એકમાત્ર અવિનાશી પુરૂષોત્તમ પરમેશ્વર જ છે, અહીં જે બાકીનું સર્વ છે તે તો પરમેશ્વરની માય જ છે.

૧.  જમ્બુ, કુશ, પ્લક્ષ, ક્રૌંચ, શક, પુષ્કર અને શાલ્મલિ એ સાત દ્વીપોને ગણાવવામા આવે છે. એ જ રીતે નવખંડ પૃથ્વી-ભારત, ઈલાવૃત કિંપુરુષ, ભદ્ર, કેતુમાલ, હરિ, હિરણ્ય, રમ્ય અને કુશ.

૨. પાછળથી અઢાર પુરાણોની રચના થઈ તેમાં લિંગ પુરાણ, શિવ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં થોડા ભેદ સાથે એક જ કથા જોવા મળે છે. એકવાર બ્રહ્મા અને વિષ્ણુએ બે દેવો અભિમાનથી સૃષ્ટિનો કર્તા કોણ તેની જાણે કે હરીફાઈ કરવા લાગ્યા. બ્રહ્મા પોતાની જાતને જ કર્તા માને છે. તો વિષ્ણુ પોતે જ કર્તા હોવાનો દાવો કરે છે. પરિણામે સહુનું મંગલ ઈચ્છનારા શિવને તેઓની કસોટી કરવા સાક્ષાત પરમેશ્વરે નિમણંક કરી. શિવે પોતાની જાતને લિંગરૂપ બનાવી દીધી અને પૃથ્વીથી રસાતલ સુધી સ્થિરતાપૂર્વક શિવ તત્વ વ્યાપીને ગુપ્તપણે રહ્યું. બ્રહ્માને વિષ્ણુને આ ચમત્કારની સમજ પડી નહિ. એના આદિને અંતની જે શોધ કરે તેને સૃષ્ટિના કર્તાનું બિરુદ મળે એવી શરત તેઓની માતાએ મૂકી. બ્રહ્મ અને વિષ્ણુ બંને કામે લાગી ગયા. થોડા સમય પછી બ્રહ્માએ આવીને ખોટી જાહેરાત કરી કે પોતે આદિને અંત જાણીને આવ્યો છે. વિષ્ણુએ પોતે સત્ય કહી દીધું કે આદિને અંતની જાણ મને નથી થઈ. પોતાની માતાને તેથી પ્રસન્નતા થઈ અને પિતાતુલ્ય પરમેશ્વરે ત્રણે ભુવનોની રક્ષા કરવાની જવાબદારી વિષ્ણુને સોંપી. આ કથાને લક્ષમાં લઈ કબીર સાહેબે સૃષ્ટિ રચનાનો મુદ્દો ઊભો કર્યો છે. ખરેખર સૃષ્ટિ કર્તા તો એક જ છે અને ત્રિદેવોને તે કર્તાએ જુદી જુદી જવાબદારીઓ જ સોંપી છે એવું કબીર સાહેબ સમજાવવા માંગે છે. હિન્દુઓ અનેક દેવમાં માનતા અને મુસલમાનો એક જ દેવમાં માનતા. તેથી બંને વચ્ચે વૈમનસ્ય રહેતું. તેઓ વચ્ચે એકતા સ્થાપવાનું કાર્ય કબીર સાહેબને અનિવાર્ય લાગ્યું હોવાથી હિન્દુ, મુસલમાન સૌનો કર્તા એક જ છે એવું પ્રતિપાદન કરવાનો હેતુ રહેલો છે.

૩.  ‘ખાનિ ભૌ ચારી’ એટલે ચાર પ્રકારની જીવ સૃષ્ટિની રચના. અંડજ, ઉભ્દિજ, સ્વેદજ ને જરાયુજ એ ચાર પ્રકાર છે. કોઈ ઈંડામાંથી જન્મ્યું. કોઈ પાણીના ભેજમાંથી જન્મ્યું, તો કોઈ પરસેવામાંથી જન્મ્યું. મનુષ્યો તો ગર્ભમાંથી જનમ્યા. હિન્દુ હોય કે મુસલમાન, કોઈ પણ માનવ એક જ રીતે જન્મ લઈને આ ધરતી પર આવ્યો છે. અને તે એક જ પરમેશ્વરની કૃપાથી આ ધરતી પર શ્વાસ લે છે.

૪.  નારી એટલે માયા. ભગવાનની માયા સર્વે જગતમાં વ્યાપીને રહેલી છે. ઓમકારમાંથી આ જીવસૃષ્ટિનો બહુવિધ વિસ્તાર થયો છે તે માટે જવાબદાર માયા છે. સૃષ્ટિમાં જે કાંઈ છે તે માયાનું જ પરિણામ છે. તેનો રચયિતા પણ એક જ છે અને તેને આપણે સ્વામી કહીએ છીએ. તેને માયાની મદદથી રચના કરી ગુપ્તપણે સર્વમાં વાસ કર્યો છે તેની જાણ અને પહેચાન આ જગતમાં કેટલાને છે ?

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,386
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,674
pdf-2અનંત સૂર | Anant Soor 9,380
pdf-3Amar Varso | અમર વારસો 7,524
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,287