કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ઔ ભૂલે ૧ષટ દર્શન ભાઈ, પાખંડ ભેષ રહા લપટાઈ
જીવ શિવકા આહિ ન સૌના, ૨ચારિઉ વેદ ચતરગુન મૌના - ૧
૩જૈનિ ધરમકા મરમ ન જાનૈ, પાતી તોરિ દેવ ઘર આનૈ
દવના મરુઆ ચંપા ફુલા, ૪માનહુ જીવ કોટિ સમતૂલા - ૨
૫ઔ પૃથિવીકે રોમ ઉચારૈ, દેખત જનમ આપનો હારૈ
૬મન્મથ બિંદુ કરે અસરારા, અલપૈ બિન્દુ ખસૈ નહિ દ્વારા - ૩
તાકર હાલ હોય અથકૂચા, છવદરશનમેં જૈનિ બિગૂરચા - ૪
સાખી : ૭જ્ઞાન અમર પદ બાહિરે, નિયરે તે હૈ દૂરિ
જો જાનૈ તિહિ નિકટ હૈ, રહા સકલ ઘટ પૂરિ
સમજૂતી
અને હે ભાઈ ! છ દર્શનશાસ્ત્રોમાં ભૂલા પડેલા ભેખધારીઓ બાહ્યાચારમાં જ લપટાઈ રહ્યા છે તેથી જીવનું કલ્યાણ કરવાને બદલે તેઓ નાશ જ કરે છે. ચારે વેદ તેઓની માન્યતાથી ચારગણું મૌન ધારણ કરે છે - ૧
જૈન વૈશધારીઓ પોતાના ધર્મનું રહસ્ય જાણતા નથી હોતા. વનસ્પતિના પાન, મહુડાના તથા ચંપાના ફૂલ કરોડો જીવોના જેવા જીવંત છે એવું માનવા છતાં તેઓ (જડ) દેવધરમાં (જીવંત) પાન ચઢાવે છે. - ૨
શરીરના રોમની માફક પૃથ્વીના રોમ જેવા વનસ્પતિનાં પાંદડાને તેઓ તોડ્યા કરે છે અને જોત જોતામાં પોતાના (માનવ) જન્મને વેડફી દે છે. પોતાના વીર્યને જરા પણ નીચે પડવા ન દે તેવી ચોક્કસ પ્રકારની ક્રિયાઓ કરીને તેઓ પોતાના વીર્યને દુષિત કરે છે. - ૩
એવા ભષ્ટાચારથી તેઓની દશા અધચકરી થઈ જાય છે. આ દૃષ્ટિએ છ દર્શનમાં જણાવેલા ભેખધારીઓમાં જૈનો વધારે મુંઝવણમાં પડ્યા છે. - ૪
સાખી : આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતા મોક્ષ સુખ વિનાના લોકોને માટે આત્મતત્વ સૌથી નજીક હોવા છતાં બહુ દુર લાગે છે. જે આત્મજ્ઞાનથી સંપન્ન છે તેને માટે આત્મતત્વ સૌથી નજીક છે અને પ્રત્યેક શરીરમાં તે સંપૂર્ણ પણે વ્યાપીપણે રહેલું દેખાય છે.
૧. કબીર સાહેબના સમયમાં સંસ્કૃતના પંડિતોની બોલબોલા હતી. તેઓની તર્કજાળમાં સમસ્ત પ્રજા સપડાયેલી હતી. મુખ્ય આસ્તિકો ને નાસ્તિકોનાં બે ભેદ પડી ગેલા અને તેઓ વચ્ચે ભારે તકરારો થતી. તેને લક્ષમાં લઈને કબીર સાહેબ આ રમૈનીમાં બંને પક્ષકારોને ખુલ્લા પાડે છે. છ આસ્તિક દર્શનો ગણાતા હતા. સાંય્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત. એ જ રીતે છ નાસ્તિક દર્શનો હતા. ચાર્વાક, સૈગાન્તિક, વૈભાષિક, યોગાચાર, માધ્યમિક અને જૈન. સૈત્રાન્તિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક એ બૌદ્ધ ધર્મના ચાર ફાંટાઓ છે. એટલે ખરેખર તો ત્રણ જ દર્શનો નાસ્તિક ગણાય, ચાર્વાક, જૈન ને બૌદ્ધ.
૨. ચારે વેદોમાં પાખંડ મતને માટે કોઈ સ્થાન નથી. પાખંડ એટલે આડંબર, આસ્તિકો અને નાસ્તિકો બંને પ્રકારના લોકો બાહ્યાચારમાં સપડાયલા હતા. ટીલાં, ટપકાં, કંઠી, માળા તથા સફેદ, પીળાં, ભગવાં વિગેરે વેશો બાહ્યાચારના મુદ્દાઓ હતા. આસ્તિક હોય કે નાસ્તિક પણ જો તે સાંપ્રદાયિક આચાર વિચારમાં જ મગ્ન રહે તે આંતરિક પરિવર્તન જરા પણ ન કરે તો તેઓનું કલ્યાણ કદી થતું નથી. તેથી વેદો તેમના મતને ટેકો આપતા નથી.
૩. જૈન લોકો અહિંસાને ધર્મનું પરમ સ્વરૂપ ગણાવે પણ આચરણમાં તે પ્રમાણે તેઓ મૂકતા નથી. વનસ્પતિમાં કે ફૂલોમાં પણ જીવ છે એવું તેઓ મને છે તે બરાબર છે પરંતુ તેમ માણ્યા પછી વનસ્પતિનાં પાન કે ફૂલો તેઓએ તોડવા ન જોઇએ. શરીરના રૂંવાટા ખેંચીને કાઢવાની તેમની પ્રવૃત્તિ પણ અહિંસા ધર્મનો ભંગ જ કરે છે.
૪. માનવ જીવો જેટલું જ મહત્વ વનસ્પતિમાં પાંદડાંઓ કે ફૂલોને જૈન લોકો આપે છે તે બરાબર છે. પરંતુ આચરણમાં તેઓ બદલાય જાય છે. આચાર ને વિચારમાં અંતર પડી જાય છે. પોતાના ધર્મ પ્રમાણે તેઓ જીવન જીવતા નથી. જીવને દુઃખ ન થાય તેવું કાર્ય પણ ન કરવું એવું તેઓ માને છે. પણ હકીકતે જીવને દુઃખ થાય તેવું કર્યા વિના તેઓ રહેતાં નથી. કેશને ખેંચીને કાઢવાથી પણ શું જીવને દુઃખ ન થાય ? પાણી ગરમ કરવાથી શું જીવ હિંસા ન થાય ?
૫. માનવના શરીર પર જે રોમ-રૂંવાટા છે તેવા રોમ-રૂંવાટા ધરતીના શરીર પર વનસ્પતિનાં રૂપે રહેલાં છે. તેથી વનસ્પતિનો વિનાશ પણ ન કરવો જોઇએ.
૬. તેઓ પોતાની જતને સંયમી ગણાવે છે. સંયમ વિના આત્મદર્શન થઈ શકે નહિ એ વાત સાચી છે. પરંતુ તેઓ સંયમ કરવાનો ડોળ જ કરે છે. મનથી તેઓ વિષય વાસનાની મઝા માણ્યા સિવાય રહેતા નથી. વજોલી જેવી ક્રિયાઓ દ્વારા તેઓ વીર્યનું સ્ખલન થાય તેવો પ્રયત્ન કરે છે પણ માનસિક રીતે તો તેઓ સંભોગ કરે જ છે. તેથી તેમની દશા અધકચરી જ ગણાય. તેઓ પોતાની જાતનો સંપૂર્ણ વિકાસ કરવામાં ઉણા ઉતરે છે એમ જ કહી શકાય.
૭. કબીર સાહેબ આ રીતે બાહ્યાચારમાં માનવાવાળા આસ્તિક અને નાસ્તિક લોકોને જ્ઞાન વિના મુક્તિ નથી એ સત્ય યાદ દેવરાવે છે. જ્યાં સુધી માત્ર બાહ્યાચાર જ કર્યા કરીશું ત્યાં સુધી આંતરિક વિકાસ થઈ શકશે નહીં. પથ્થર પર પાણી રેડવાથી પથ્થર પલળીને પોચો થતો નથી તેમ બાહ્યાચારથી આંતરિક વિકાસ થતો નથી. સમ્યક પ્રકારનું જ્ઞાન જ્યાં સુધી પ્રાપ્ત ન કરવામાં આવે ત્યાં સુધી બધી જ ક્રિયાઓ નિરર્થક બની રહે છે. શરીરમાં રહેલ આત્મતત્વ સૌથી નજીક હોવા છતાં જ્ઞાન વિના દૂર જ લાગે છે એ વાત સાચી છે.
Add comment