Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જ્ઞાની ચતુર બિચચ્છન લોઈ, એક સયાન સયાન ન હોય
દુસર સયાન કો મરમ ન જાના, ઉતપતિ પરલય રયનિબિહાના  - ૧

બાનિજ એક સભનિ મિલી થાના, નેમ ધરમ સંજમ ભગવાના
હરિ અસ ઠાકુર તેજિ ન જાઈ, બાલન ભિસ્ત ગાવ દુલહાઈ  - ૨

સાખી :  તે નર કહંવા ચલિ ગયે, જિને દિન્હા ગુરૂ ઘોંટિ ?
          રામ નામ નિજુ જાનિકે, છાંડહૂ બસ્તુ ખોટિ

સમજૂતી

હે જ્ઞાની, ચતુર અને વિચક્ષણ પંડિત લોકો, જ્ઞાનની એક ભૂમિકાની વાત કર્યાથી જ્ઞાની થઈ જવાતું નથી. જ્ઞાનની બીજી ભૂમિકાનું  રહસ્ય ન જાણનાર રાતદિવસ જન્મમરણના ચકરાવામાં ઘુમ્યા કરે છે.  - ૧

(તમે બધા યે) નિયમ, સંયમ અને ધર્મથી ભગવાન મળે છે એવો એક પ્રકારનો વેપાર ચાલુ કર્યો છે. બાળકની માફક સ્વર્ગમાં વિષ્ણુ ભગવાન મળશે તેથી તેને કદી છોડવા નહીં એવાં ગીતો (લોકો પાસે) ગવડાવો છો !

સાખી :  (તમે કહો છો તેવા) ગુરુઓએ જેને ભવરોગ દુર કરવા ઔષધિ પાયેલી તે લોકો ખરેખર ક્યાં ગયા ?  (જરા વિચારો તો ખરા !) પોતાનું સ્વરૂપ જ સાચો રામ છે તેવું સમજીને બધી ખોટી વાતો બંધ કરો.

૧.  જ્ઞાનની સાત ભૂમિકાની શાસ્ત્રગ્રંથોમાં વાત કરવામાં આવી છે - શુભેચ્છા, વિચારણા, તનુમાનસા, સત્વાપત્તિ, અસંસક્તિ, પદાર્થા ભાવિની અને તુર્યાગા. માનવમાં જ્ઞાનની ભૂખ જાગે ત્યારે સૌ પ્રથમ મનમાં શુભ ઈચ્છા જાગે છે કે બસ હવે પછી મારે મારી તમામ શક્તિ ઈશ્વરની પ્રાપ્તિમાં જ વાપરવી. આ જ્ઞાનની પ્રથમ ભૂમિકા ગણાય છે. જ્ઞાની લોકોએ પોતાની અક્ક્લ હોંશિયારી વાપરીને ભોળાં લોકોને ભોળવવા જ્ઞાનની પ્રથમ ભૂમિકાની વાત કરી છે. બીજી ભૂમિકાનું રહસ્ય તેઓથી અજ્ઞાત છે. ખરેખર મનમાં ઈશ્વર પ્રાપ્તિની શુભ ઈચ્છા જાગે પછી તે પ્રકારના જ મનમાં વિચારો જગાડવા પ્રયત્ન કરવો જરૂરી છે. ચિંતન, મનન ને નિદિધ્યાસનની પ્રક્રિયાને જ્ઞાનની બીજી ભૂમિકા ગણવામાં આવે છે. જેમ જેમ મન એક જ વિચારમાં, ભગવાનની પ્રાપ્તિના એક જ લક્ષમાં, સ્થિર બનતું જાય તેમ તેમ મનની બહિર્મુખતા મટી જાતિ હોય છે. મનમાં રહેલી જડતા ઓગળી જતી હોય છે. તેનો શાસ્ત્રકારો જ્ઞાનની ત્રીજી ભૂમિકા ગણાવે છે. તનુ એટલે પાતળું-સૂક્ષ્મ. સ્થૂળતા, જડતા અદ્રશ્ય થાય ત્યારે મન સૂક્ષ્મ બની ગયેલું ગણાય. તેવું મન સત્વગુણમાં સ્થિર બની શકે છે. સત્વગુણમાં સ્થિર બનવું એટલે ચોથી ભૂમિકામાં સ્થિર બનવું. પાંચમી ભૂમિકા એટલે મનની એકદમ શુદ્ધ અવસ્થા. મનમાં સ્હેજ પણ આસક્તિ નહીં. સત્વગુણમાં પણ આસક્તિ નહીં. એવાં નિરાસક્ત ને નિષ્કામ મનમાં ઈશ્વર સિવાય બીજી કોઈ ભાવના જ ન જાગે તે મનની છઠ્ઠી ભૂમિકા ગણાય છે. પાર્થિવ પદાર્થો ભલે સામે પડ્યા હોય પણ તેના તરફ સ્હેજ પણ આસક્તિ નહીં જાગે. મન એકદમ ઉપરામ બની જાય. તેવી મનની ઊંચી અવસ્થાને કબીર સાહેબ ઉન્મૂની અવસ્થા કહે છે. તેવી અવસ્થામાં સાધકને સર્વ સ્થળે સર્વ સમયે પરમાત્માની જ અનુભૂતિ થયા કરે છે. તેને જ્ઞાની પંડિતો તુર્યગા કહે છે.

આ રીતે, જ્ઞાનની સાતે ભૂમિકા પર આરોહણ કરનારને ભારે તપશ્ચર્યા કરવી પડે છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. ચતુર પંડિતોને તપશ્ચર્યા કરવી ક્યાંથી ગમે ?  તેઓ તો ભોગવિલાસમાં જ પડ્યા રહેવું પસંદ કરતા હોય છે. તેથી જ્ઞાનની માત્ર પ્રથમ ભૂમિકાની જ વાતો વ્હેતી કરીને તેઓ અટકી જાય છે. સાતે ભૂમિકા પરનું કઠીન આરોહણ તેઓ કરી શકતા ન હોવાથી તેઓ ધર્મને નિયમોમાં બાંધી દે છે અને ભોળાં અજ્ઞાન લોકોમાં એક પ્રકારનો વેપાર ચાલુ કરે છે.

૨.  તેવા ઢોંગી બનાવટી પંડિત ગુરૂઓ અજ્ઞાન લોકોને ભોળવીને શિષ્યો બનાવે છે અને ભવરોગ દૂર કરવા ગાયત્રી મંત્ર જેવા મંત્રની દીક્ષા આપે છે. હકીકતે તેથી કોઈનું કલ્યાણ થતું નથી. ગુરૂઓ અને ચેલાઓ મુક્તિનું સુખ મેળવી શકતા નથી. તો તો માત્ર કાલ્પનિક સુખમાં જ રમમાણ રહે છે. સર્વ-નર્કની કલ્પના અને સ્વર્ગમાં વિષ્ણુ ભગવાનના મિલનની કલ્પના ભોળાં લોકોને ગમી જતી હોય છે અને તેઓનો વેપાર પુરજોશમાં ચાલતો હોય છે. તેઓને આ રીતે ભોગ વિલાસ કરવાની ભૂમિકા મળી જતી હોય છે. અહીં ગાયત્રી મંત્રનો વિરોધ રજુ થયો નથી પણ ઢોંગી ગુરૂઓ ગાયત્રી મંત્રની દીક્ષા આપી ભોળાં લોકોને છેતરે છે તેનો વિરોધ રજુ થયો ગણાય.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,454
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,304
pdf-2અનંત સૂર | Anant Soor 8,890
pdf-3Amar Varso | અમર વારસો 7,249
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,493