કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જિન ૧કલમા કલિ માંહિ પઢાયા, કુદરત ખોજ તિનહુ નહિ પાયા
૨કરિમત કરમ કરૈ કરતૂતા, વેદ ૩કિતેબ ભયે સબ રીતા - ૧
૪કરમતે સોજુ ગરભ અવતરિયા, કરમત સો જો નામ હિ ધરિયા
કરમતે સુન્નતિ ઔર જનેઉ, હિન્દુ તુરુક ન જાનૈ ભેઉ - ૨
સાખી : ૫પાની પવન સંજોય કે, રચિયા યહ ઉત્પાત
સુન્નહિ સુરતિ સમાનિયાં, કાસો કહિયે જાત
સમજૂતી
કળિયુગમા પરમાત્માની ખોજ માટે જેણે કલમા વાંચવાનું શીખવ્યું તેને પણ પરમ તત્વની પ્રાપ્તિ થઈ નહીં. કુરબાની, બલીદાન જેવી કર્મની વિધિઓ કરવા છતાં વેદની જેમ કુરાન જેવા બધા ગ્રંથો નિષ્ફળ નીવડ્યા. - ૧
જીવ કર્મ દ્વારા જ ગર્ભમાં અવતરે છે, કર્મ દ્વારા જે નામ ધારણ કરે છે, કર્મ દ્વારા જ સુન્નત અને જનોઈના સંસ્કારો આપવામાં આવે છે પણ એનું રહસ્ય ન તો હિન્દુ જાણે છે કે ન તો મુસલમાન જાણે છે. - ૨
સાખી : પાણી પવન જેવા પંચભુતોના તત્વો વડે આ શરીરની રચના થઈ છે. એવા શરીરને દષ્ટિ સમક્ષ રાખીને વિચારવામાં આવે તો કોણે કયી જાતિના છે તે કહી શકીએ ?
૧. અગાઉની રમૈનીમાં કબીર સાહેબે બ્રાહ્મણોને લક્ષમાં રાખીને બાહ્યાચાર અને મિથ્યાચારની ચર્ચા વિચારણા રજૂ કરી છે. હિન્દુઓમાં બ્રાહ્મણો સિવાય કોઈ ભણેલું ન હતું. તે જમાનામાં બ્રાહ્મણો જ ભણી શકતા. તેથી હિન્દુઓમાં થયેલી ફાટફુટ અને તે કારણે થયેલા પતન માટે બ્રાહ્મણોને જ જવાબદાર લેખવામાં આવે છે તેથી બ્રાહ્મણવર્ગને ધ્યાનમાં રાખીને વારંવાર કબીર સાહેબ ચાબખા લગાવે છે. તે જ રીતે મુસલમાનોમાં કલમા વાંચનાર વર્ગને લક્ષમાં લઈને અહીં કબીર સાહેબ બાહ્યાચારની નિરર્થકતા વર્ણવી રહ્યા છે. બ્રાહ્મણોમાં જેમ ગાયત્રી મંત્રનું મહત્વ તેમ મુસલમાનોમાં કલમા વાંચવાનું મહત્વ. ગાયત્રી મંત્રથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે એવું જેમ હિન્દુઓને શીખવવામાં આવ્યું તેમ કલમા પઢવાથી ખુદા મળે છે એવું મુસલમાનોને શીખવવામાં આવ્યું.
૨. કુરબાનીને નામે અને બલિદાનને નામે જુદી જુદી વિધિઓ કરે છે અને કરાવે છે તથા ભિન્ન ભિન્ન પ્રકારની કર્મની ઉપાધિઓ ઊભી કર્યા કરે છે. હિન્દુઓમાં જેમ સકામ કર્મોની ઉપાસના દ્વારા અનેક પ્રકારના મનોકામના પૂર્ણ કરવા જુદા જુદા ધતિંગો ઊભા કરવામાં આવે છે.
૩. વેદના કર્મકાંડને જ મહત્વ આપી બ્રાહ્મણોએ જેમ વેદનું મૂલ્ય ઓછું કરી દીધું તેમ મુસલમાનોએ પણ કુરાનની પ્રતિષ્ઠા ઘટાડી. જે પ્રણાલિકા શરૂઆતમાં જુદા જ હેતુથી શરૂ કરવામાં આવેલી તે પ્રણાલિકા પાછળ જતાં એવી રૂઢ બાઈ જાય છે કે તેના આચરણનો કોઈ અર્થ જ રહેતો નથી. સાપ જયને લીસોટા રહે તેવું બનવા પામે છે. તેથી ગ્રંથની રચના કરનારે જે હેતુથી રચના કરી હોય તે હેતુ જળવાતો નથી માટે તે રચના નિષ્ફળ થયેલી મનાય છે.
૪. જીવનો ગર્ભમાં પ્રવેશ કર્મ વિના થતો નથી. માતા પિતાના રજોવીર્યને નિમિત્ત બનાવી વંશવૃદ્ધિની કામના સંભોગનું કર્મ કરાવે છે અને ગર્ભમાં જીવનું આગમન થાય છે. નવ દસ મહિના ગર્ભમાં રહ્યા પછી આ સૃષ્ટિમાં બાળક સ્વરૂપે અવતાર ધારણ કરે છે. જન્મ્યા પછી હિન્દુઓમાં બ્રાહ્મણ લોકો જનોઈના સંસ્કારો આપવા જુદી જુદી વિધિઓ કરે છે. તે જ રીતે મુસલમાનો સુન્નત કરાવવા માટે ચોક્કસ પ્રકારનો ક્રિયાકાંડ કરે છે. આ સર્વ કાંઈ કર્મની જ જાળ છે. જનોઈ પાછળનું કે સુન્નત કરાવવા માટેનું જે રહસ્ય તે બાજુએ જ રહી જાય છે ને વિધિને જ મહત્વ આપી આચરણ કરવામાં આવે છે. આ રીતે વિધિની જડતા લોક માનસમાં વ્યાપક બનતી જાય છે. રહસ્ય જાણવાની પછી તો જડમાનસને ઈચ્છા પણ ક્યાંથી ઉદ્દભવે ?
૫. પાની અને પવન શબ્દ દ્વારા કબીર સાહેબ અહીં પંચમહાભૂતનો નિર્દેશ કરે છે. પાની એટલા માટે કે માતપિતાના રજોવીર્યનું આલેખન થઈ શકે અને પવન દ્વારા ચેતન તત્વનું, પ્રાણનું, મહત્વ દર્શાવી શકાય. આ શરીરની ઉત્પત્તિનો બરાબર વિચાર કરવામાં આવે તો સૌના સરખાપણાનો ખ્યાલ આવી જાય. શરીરની નાશવંતતાનો વિચાર કરવામાં આવે તો પણ જવાની સોની રીત પણ સરખી જ લાગે. દાટે તો માટીમાં ભળે ને બાળે તો રાખ થઈ જાય. માટીમય બની જાય. ભેદ ક્યાં રહે ? એ સંદર્ભમાં કોને હિન્દુ કહી શકાય ને મુસલમાન કહી શકાય ? માટે જાતિના કે વર્ણના ભેદો નકામ ગણાય. કબીર સાહેબ અહીં પણ માનવધર્મનું જાણે કે મંડન કરી રહ્યા હોય તેમ જણાય છે.
Add comment