Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જિન્હ જિવ કીન્હ આપુ બિસવાસા, નરક ગયે તેહિ નર કહિ બાસા
આવત જાત ન લાગહિ બારા, કાલ અહેરી સાંજ સવારા  - ૧

ચૌદહ વિદ્યા પઢિ સમુજાવૈ, અપને મરનકિ ખબર ન પાવૈ
જાને જિવ કો પરા અંદેશા, જૂઠહિ આય કહા સંદેશા  - ૨

સાખી :  ગુરૂ દ્રોહી મનમુખી, નારી પુરુષ વિચાર
          તે ચૌરાસી ભરમિ હૈ, જૌલૌ સસિ દિનકાર

સમજૂતી

જે જિવ પોતાના અભિમાન પાર વિશ્વાસ રાખે છે તે નરકમાં જ જાય છે ને નરકમાં જ કાયમનો વાસ કરે છે. જન્મ ને મરણ આવતા વાર લાગતી નથી કારણ કાળરૂપી શિકારી રાતદિવસ તેઓની પાછળ જ પડે છે.  - ૧

ચૌદ પ્રકારની વિદ્યા તેઓ ભલે ભણેલા હોય અને બીજાને તે સમજાવતા ફરતા હોય પરંતુ ખરેખર તેઓને પોતાના મરણની ખબર પણ પડતી નથી. તેઓ પોતાને જાણકાર માને છે છતાં તેઓ શંકાશીલ છે. તેવી સ્થિતિમાં પણ તેઓ જુઠો ઉપદેશ સંભળાવતા હોય છે.  - ૨

સાખી :  જે જીવો દ્રોહ કરે છે અને સ્વચ્છંદ પણ આ જગતમાં જીવે છે તે પુરુષ હોય કે સ્ત્રી, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી ચોર્યાસી લાહ યોનિઓમાં ભટક્યા કરશે.

૧.  આંતરિક વિકાસ જેમનો થયો જ નથી અને જેઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ ધરાવે છે તેવા બની બેઠેલા ગુરૂઓને લક્ષમાં લઈને અત્યાર સુધી કબીર સાહેબે ઘણી બધી વાતો કરી. હવે આ પદમાં અભિમાની માણસોને ધ્યાનમાં રાખીને કેટલીક સૂચનાઓ આપે છે. અભિમાની માણસ સ્વભાવે આપખુદ રહેવાનો. પોતે કહે તેજ સાચું એવા આગ્રહવાળો તે હોવાથી તે ગુરુની આવશ્યકતાને પણ સ્વીકારવા તૈયાર થતો નથી. તેથી તેને આપબળે જ આગળ પ્રગતિ કરી શકે છે એવો વિશ્વાસ હોય છે. ખરેખર તેવો વિશ્વાસ તેને દગો દે છે. તેની પ્રગતિ તો થઈ શક્તિ જ નથી બલકે તેનું પતન થઈ જાય.

૨.  કાળરૂપી શિકારી એવા માણસોનો સરળતાથી શિકાર કરે છે. તો પ્રશ્ન થશે કે કાળથી કોણ બચી શકે ?  જે આત્મવિદ્યા જાણે છે તે જ કાળથી બચી શકે છે. બલકે તેવા સત્પુરૂષોનો કાળ પર પ્રભાવ પથરાતો રહે છે. ગમે તેવા સમયનું તેવો પરિવર્તન પણ કરી શકે છે. પરંતુ જેઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ ધરાવે છે અને પોતાના અભિમાન પર જ જેઓ મુસ્તાક રહે છે તેઓ કાળ પર પ્રભાવ પાથરી શકતા નથી બલકે તેઓ કાળનો કોળિયો બની જાય છે.

૩.  ચૌદ પ્રકારની વિદ્યા એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ એ ચાર વેદોની તથા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુકત, જ્યોતિષ ને છંદ એ વેદોના અંગોની અને ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર ને પુરાણોની વિદ્યા. ચૌદ પ્રકારની વિદ્યા જાણનારા હોવા છતાં તેઓને પોતાના મરણની ખબર પડતી નથી. મતલબ કે તેઓ પોતાના જન્મ મરણ શા માટે થાય છે તે સમજી શકતા નથી.

૪.  તેવા માણસો શંકાશીલ બની જાય છે. શંકાથી તેઓ પીડાતા હોય છે. છતાં તેઓ બીજાના મનનું સમાધાન કરાવવા ઉપદેશો આપે છે તે કેવી વિચિત્ર વાત કહેવાય !  શંકાથી પર થયા વિના બીજાની શંકા તેઓ કેવી રીતે નિર્મૂળ કરી શકે ?  તેઓના ઉપદેશ અસરકારક ન હોવાથી કબીર સાહેબ તેને જૂઠાં કહે છે. તેઓ પોતાની જાતને જાણકાર ભલે ગણાવે પણ તેઓ ખરેખર શંકાઓના સુસવાટાભેર તોફાનોથી આંતરિક રીતે ખૂબ જ અશાંત હોય છે.

૫.  અજ્ઞાનનો અંધકાર દૂર કરે તે ગુરૂ ગણાય. તેવા ગુરૂની આજ્ઞાને આધીન થઈને શિષ્ય પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. પરંતુ જે શિષ્યો ગુરૂની અજ્ઞાને આધીન થતા નથી અને ઉલટી જ ક્રિયાઓ કરવા મંડી પડે છે તેવા શિષ્યોને ગુરૂદ્રોહી કહેવામાં આવે છે.  ગુરૂદ્રોહીનું કદી પણ આત્મકલ્યાણ થઈ શકતું નથી એવું અનુભવી પુરૂષોનું વચન છે. એથી ઉલટું જે શિષ્યો ગુરૂની આજ્ઞાને આધીન થઈને શરણાગતિ સ્વીકારે છે તે ગુરૂકૃપા પ્રાપ્ત કરે છે ને પોતાનો ઉદ્ધાર કરી શકે છે.

૬.  મનમુખી એટલે મન કે તવું જ કરવામાં માનવાવાળા લોકો. તેવી અવસ્થા સારી ગણાતી નથી. તેવી અવસ્થા પશુવત્ અવસ્થા ગણાય. કૂતરો જતો હોય ને પાણી દેખીને પીવાની ઈચ્છા થઈ જાય તો તે પીવા માંડે છે, પિશાબની ઈચ્છા થાય તો ઊંચા પગ કરી પિશાબ કરવા મંડી પડે છે જ્યારે માણસ હોય તો તે પાણી સારૂં છે કે ખરાબ તેવો વિચાર કરે ને સમયની અનુકુળતાનો પણ વિચાર કરે અને પછી જ પાણી પીવે. પ્રતિકુળતા હોય તો પાંચ કલાક પાણી વિના પણ રહે. તે જ રીતે અન્ય ક્રિયાઓ પણ તે કરી શકે છે. તેથી મનમુખી માણસોને સામાન્ય રીતે સ્વચ્છંદી માણસો કહેવામાં આવે છે. મનમુખી અવસ્થા પાશવી અવસ્થા ગણાય.