Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

હિરનાકુસ રાવન ગૌ કંસા, ક્રિસ્ન ગયે સુરનર મુનિ બંસા
બ્રહ્મ ગયલ મરમ નહિ જાના, બડ સભ ગયલ જે રહલ સયાના  - ૧

સમુજી પરી નહિ રામ કહાની, નિરબક દૂધ કિ સરબકપાની
રહિગૌ પંથ થકિત ભૌ પવના, કરિ ઉજાડ દસદિસ ભૌ ગવના  - ૨

મીનજાલ ભૌ ઈ સંસારા, લોહ કિ નાંવ પષાન કો ભારા
ખેવૈ સભૈ મરમ નહિ જાની, તઈઓ કહૈ રહૈ ઉતરાની  - ૩

સાખી :  મછરી મુખ જસ કંચુવા, મુસવન મંહ ગિરદાન
          સરપન માહિ ગહે જુઆ, જાત સભનિકી જાન

સમજૂતી

હિરણ્યકશ્યપ, રાવણ અને કંસ જેવા સમર્થ સત્તાધીશો ચાલ્યા ગયા; અરે, શ્રી કૃષ્ણ જેવા અવતારી પુરૂષો પણ ચાલ્યા ગયા !  દેવો, ઉત્તમ મનુષ્યો અને મુનિઓના વંશજો પણ ચાલ્યા ગયા; જ્ઞાની ગણાતા મોટા યોગીઓ પણ ચાલ્યા ગયા; અરે, બ્રહ્મા જેવા પણ મર્મ જાણ્યા વિના તો ચાલ્યા ગયા !  - ૧

કોઈને પણ આ સંસારના રહસ્યની સમજ પડી નહિ. બકવૃત્તિવાળા કે બકવૃત્તિ  વગરના લોકો માટે આ સંસાર દૂધ સમાન છે કે પાણી સમાન છે તે કોણ જાણી શક્યું ?  આ સંસારનો માર્ગ તો તેવો ને તેવો રહી ગયો પણ તેના પાર પ્રવાસ કરનાર જીવના પ્રાણ થાકી ગયા અને દશે દિશાઓ ઉજ્જડ કરી દેહ છોડી જીવ તો ચાલ્યો ગયો !  - ૨

આ સંસાર તો માછલા પકડવાની જાળ જેવો છે. હોડી લોખંડની હોય અને અંદર પથ્થરોનો ભાર ભરેલો હોય તેવી તેની સ્થિતિ છે. તેવી હોડીને તરતી રાખવાની કળા ન જાણનારા પણ કહ્યા કરે છે કે હોડી તો પાર ઉતરી રહી છે !  - ૩

સાખી :  મોઢામાં ગલ પકડનારી માછલીની જેમ, અન્નના દાણાના લોભમાં પિંજરામા પડી જતા ઉંદરની જેમ તથા ઉંદર જાણીને છછુંદર ગળતા સાપની જેમ મનુષ્ય પણ વિષયોમાં પડીને પોતાનો પ્રાણ ગુમાવે છે.

૧.  જીવનમાં મૃત્યુ અનિવાર્ય ઘટના છે તેનો સ્વીકાર સહુ કરે છે. જે જન્મે છે તે મરે જ છે. જન્મીને કોઈ કાયમ રહેતું નથી.  ગરીબ હોય કે તવંગર જ્ઞાની હોય કે અજ્ઞાની, યોગી હોય કે ભોગી હોય, અવતારી પુરુષ હોય કે સંસારી હોય સર્વને મરણનો અનુભવ કરવો જ પડે છે. પરંતુ જ્ઞાનીઓ કે અવતારી પુરૂષો આ જગતની વિદાય લે છે ત્યારે તેઓની માનસિક સ્થિતિ જુદા જ પ્રકારની હોય છે. તેઓનું મન આત્મભાવથી દૃઢ બનેલું હોય છે. મન નિર્વિષયી બની જતું હોવાથી કોઈપણ પ્રકારની આસક્તિ રહેતી નથી. શરીરના દુઃખોથી પણ તેવું મન આકુળ વ્યાકુળ બની જતું નથી. તે સ્થિતિમાં પણ તે તો આત્મભાવમાં જ સ્થિર રહે છે. જ્યારે સામાન્ય સંસારી આ જગતની વિદાય લે છે ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી કરૂણ હોય છે તેનો આપણ સહુને અનુભવ છે જ. મનના માધ્યમથી જ સર્વ સિદ્ધિઓનો ઉપભોગ થતો હોવાથી મનની સ્થિતિ જ મહત્વની ગણાય છે. મનને નિર્વિષયી કરવું, નિર્મળ કરવું એ જ મોટામાં મોટી સાધના છે અને એ જ સમજવા જેવું ઉત્તમ રહસ્ય છે. બ્રહ્માએ પોતાની પુત્રી સરસ્વતી પર વિષય વાસનાથી આક્રમણ કર્યું હતું તેથી તે પણ પોતાના મનને નિર્મળ બનાવી શક્યા ન હતા. તેથી કબીર સાહેબ બ્રહ્માને યાદ કરીને મર્મ જાણ્યા વિના ચાલ્યા ગયા એવું કહે છે.

૨.  જ્ઞાની પુરૂષો પણ ઘણા થઈ ગયા. પરંતુ મનને નિર્વિષયી કે નિર્મળ કરનારા જ્ઞાનીઓ કેટલા ?  જ્ઞાની થયા પછી અહંકાર વધી જતો હોય છે તે જ પૂરવાર કરે છે કે તેવા પુરૂષોનું મન નિર્મળ થયું હોતું નથી. તેઓનું જ્ઞાન પુસ્તકિયું જ ગણાય, અનુભવું નહિ.

૩.  જેને અનુભવનું જ્ઞાન એટલે કે જેને પરમાત્મ તત્વનો અનુભવ થયો છે તેને આ સંસારની રામકહાણી બરાબર સમજાય જતી હોય છે. જન્મ મરણનિ ક્રિયાને પણ કાર્યકારણ ભાવથી તે સમજી શકે છે. તેથી તે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ શકે છે, આત્મભાવમાં મગ્ન રહી શકે છે અથવા તો આત્મ સાક્ષાત્કાર કરી શકે છે. તે જ સંસાર પાર કરી શકે છે.

૪.  બકવૃત્તિવાળું મન એટલે તદ્દન સ્વાર્થીમન. બગલો ધ્યાનમાં બેઠેલો જણાય છે પણ જેવું માછલું જણાણ કે તરત જ તે માછલાને પકડી લે છે. ધ્યાનનો તો તે ઢોંગ જ કરે છે. સ્વાર્થી મનને સંસાર મીઠો લાગે, દૂધ જેવો ઉત્તમ લાગે. નિઃસ્વાર્થીને સંસાર પાણી જેવો નકામો નીરસ લાગે.

૫.  “ખેવૈ સભૈ” એટલે એવા નાવિકો કે જે ઢોંગી હોય છે. સંસાર પાર કરવાની કળા તેઓ જાણતા નથી હોતા છતાં જાણે છે એવો ઢોંગ કરે છે. તેવા  ગુરુઓને ભરોસે રહેનારા સૌ કોઈ સંસાર સાગરમાં ડૂબી જાય છે. જોંવટી નામનું એક પ્રકારનું જંતુ માછલીને બહુ ભાવે તેથી લોઢાના તારમાં તે જંતુને મારીને એક પ્રકારનો ગલ બનાવવામાં આવે છે. તે ગલ માછલીના મોઢામાં જતાં જ માછલી જાળમાં સપડાય જાય છે. તેથી તેને ભાવતી વસ્તુ તેનાં મોતનું કારણ બને છે. તે જ રીતે દાણાના લોભમાં ઉંદર અને ઉંદરને જાણી છછુંદર ગળતો સાપ પોતાનો પ્રાણ ગુમાવે છે.

૬.  જે રીતે માછલી, ઉંદરને સાપ ભાવતી વસ્તુની લોલુપતામાં પોતાનો પ્રાણ ગુમાવે છે તે રીતે મનુષ્યની પણ હાલત થાય છે. તેને પાંચ ઈન્દ્રિયો છે ને ઈન્દ્રિયોના જુદા જુદા વિષયો છે. ક્યારેક તે સાંભળીને છેતરાય છે, ક્યારેક તે સ્પર્શ કરીને છેતરાય છે, ક્યારેક રૂપથી મોહિત થઈ છેતરાઈ છે, ક્યારેક ગંધથી તો ક્યારેક રસથી છેતરાઈ છે અને ક્યારેક અભિમાનથી ઉન્મત બનીને મરણને શરણ થાય છે. અભિમાનથી તે પોતે યોગ્ય જ કરી રહ્યો છે તેવું માનતો હોય છે.  વિષયની અને સંપત્તિની તેની લાલસા લોખંડની હોડી જેવી ગણાય. તેમાં અભિમાનનો ભાર પથ્થરો જેવા મનાય. જોત જોતામાં તે ડૂબે જ. માટે ચેતો. આ માનવ દેહનો મહિમા સમજો અને મનને નિર્વિષય કરવા મથો. તો જ સંસાર સાગર પાર થઈ શકશે. નહીં તો કાળના શિકાર થઈ જવાશે.