Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જરાસિંધ સિસુપાલ સંધારા, સહસ અરજુને છલસો મારા
બદ છલ રાવન સો ગૌબીતી, લંકા રહ કંચનકી ભીતી - ૧

જિરજોધન અભિમાન હિ ગયઉ, પંડવ કેર મરમ નહિ પયઉ
માયા ડિંભ ગયલ સબ રાજા, ઉત્તિમ મધ્યમ બાજન બાજા - ૨

છવ ચકવૈ બિત ધરનિ સમાના, એક હુ જીવ પ્રતીતિ ન આના
કહંલૌં કહઉં અચેતહિં ગયઉં, ચેત અચેત ઝગર એક ભયઉ - ૩

સાખી :  ઈમાયા જગ મોહિની, મોહિન સબ જગ ઝાર
         હરિચંદ સાત કે કારને ઘર ઘર સોક બિકાય

સમજુતી

જરાસંધ અને શિશુપાલ જેવા રાજાઓનો પણ સંહાર થયો. સહસ્ત્રાર્જુનને કપટથી મારી નાખ્યો હતો. મહાબળવાન ગણાતો રાવણ પણ ચાલ્યો ગયો અને તેની ફરતે સોનાની દિવાલવાળી લંકા નગરી તો અહીંજ રહી ગઈ - ૧

દુર્યોધન અભિમાનમાં નાશ પામ્યો. તે પાંડવનો ભેદ જાણી શક્યો નહિ. આ રીતે માયાને કારણે અનેક રાજા નાશ પામ્યા અને કોઈ ઉત્તમ તો કોઈ સામાન્ય રીતે પોતાનું  ગાણું ગાતા ગયા - ૨

છ ચક્રવતી રાજાઓની સંપત્તિ પણ આ પૃથ્વીમાં સમાય ગઈ !  છતાં કોઈ જીવને ભાન થયું તહિ કે સર્વ વિનાશશીલ છે અને સાથે કંઈ જ આવતું નથી. હું તો કહ્યા જ કરૂં છું કે અજ્ઞાન અવસ્થામાં સર્વ ચાલ્યા ગયા અને વાદવિવાદનો ઝગડો અહીં મૂકતા  ગયા - ૩

સાખી: આ માયા તો સર્વ જગને મોહ પમાડનારી છે. સમસ્ત સંસારને તેને મોમાં નાખી દીધો છે. સત્યવાદી ગણાતો રાજા હરિશ્ચંદ્ર પણ દુઃખી થઈને ઘર ઘર વેચાયો હતો.

૧ - ૨. યુધિષ્ઠિર રાજસૂર્ય યજ્ઞ કરવા માંગતા હતા તેમાં જરાસંધ વિરોધ કરે એવી શક્યતા લાગવાથી શ્રીકૃષ્ણે તેનો નાશ કરાવ્યો હતો. શ્રીકૃષ્ણની પૂજા પાંડવોએ પહેલાં કરી એટલે શિશુપાલે તેનો ખરાબ રીતે વિરોધ કરેલો અને શ્રીકૃષ્ણે તેનો વધ કરેલો. સહસ્ત્રાર્જુન એટલે રાજા કૃતવીર્યનો પુત્ર જેણે તપશ્ચર્યા કરી અપ્રતિમ શક્તિ મેળવેલી તેનો નાશ ભગવાન પરશુરામે માયાથી કરેલો.

૩. બેનુ, બલિરાજા, કંસ, દુર્યોધન, પૃથુરાજા અને ત્રિવિક્રમ એ છ ચક્રવર્તી સમ્રાટો.

૪. સાચો જ્ઞાની વાદવિવાદ કરતો નથી. વાદવિવાદ પણ એક અજ્ઞાનતાની જ અવસ્થા છે.

૫. વિશ્વામિત્ર ઋષિની માયાને કારણે હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી હોવા છતાં કાશીનગરીમાં ઘરે ઘરે પોતાની જાત વેચવા માટે ફરેલા ને વેચાયલા. સતવાદી પણ માયાનો શિકાર બને છે.

શ્રી કૃષ્ણને પરબ્રહ્મ પરમેશ્વર માનવામાં આવે છે. ખરેખર જે પરબ્રહ્મ પરમેશ્વર છે તે કદી કોઈને હણે નહીં અને કદી પણ કપટ કરીને છેતરે નહીં. પરંતુ શ્રી કૃષ્ણે તો જરાસંધનો તથા શિશુપાલનો વધ કરેલો. જરાસંધ તે સમયે ભારતષર્ષનો ખૂબ જ પ્રતાપી રાજા ગણાતો હતો. તેનો પ્રભાવ નાના નાના રાજાઓ ઉપર સારા પ્રમાણમાં પ્રસરેલો હતો. તે શ્રી કૃષ્ણનો વિરોધી પણ હતો. પાંડવો ઉપર શ્રી કૃષ્ણનું વર્ચસ્વ હતું. તમામ કાર્યોમાં શ્રી કૃષ્ણ પાંડવોને સહાયક થતા હતા. જ્યારે યુધિષ્ઠિરે રાજસૂર્ય યજ્ઞ કરવા માટે તૈયારી બતાવી ત્યારે શ્રી કૃષ્ણને જરાસંધ તેમાં અડચણ રૂપ થશે એમ લાગ્યું હતું. તેથી પાંડવોને જરાસંધ પર પ્રથમ વિજય મેળવવાની તેમણે સલાહ આપી હતી. બ્રાહ્મણ વેશે પાંડવો સાથે તેની પાસે ગયેલા અને ભીમ દ્વારા તેની હત્યા કરાવવામાં આવેલી. જે પરબ્રહ્મ પ્રેમેશ્વર છે તે શા માટે બીજાનો હત્યારો બને ? તેથી કબીર સાહેબ શ્રી કૃષ્ણને એક મહાપુરુષ તરીકે જે મને છે અને પરબ્રહ્મ પરમેશ્વર તરીકે મનવા તૈયાર નથી.

તેજ રીતે શિશુપાલના વિષયમાં પણ છે શિશુપાલ એમ તો શ્રી કૃષ્ણનો પિતરાઈ ભાઈ પણ થતો હતો. તે પણ શ્રી કૃષ્ણનો ભારે વિરોધી હતો. તે શ્રીકૃષ્ણને મહાન પુરુષ મનવા તૈયાર નહોતો. તે તો શ્રી કૃષ્ણનો માત્ર વિલાસી, કપટી અને દુરાચારી તરીકે જ ગણે છે. માટે જ્યારે યુધિષ્ઠિરે જાહેર કરેલા રાજસૂય યજ્ઞમાં પ્રથમ પૂજા કોની કરવી તે અંગે પ્રશ્ન ઊભો થયેલો ત્યારે ગુરુજનોએ શ્રી કૃષ્ણની પૂજા કરવા સલાહ આપેલી. તે સલાહ શિશુપાલને માન્ય ન થયેલી અને તેથી તેણે ભર સભામાં શ્રી કૃષ્ણને ગાળો દઈને ખૂબ ટીકા કરેલી. પ્રારંભમાં શ્રી કૃષ્ણ બધું સાંભળીને મૌન બેસી રહે છે. તેમણે ગુસ્સો થયો ન હતો. કારણ કે શિશુપાલની માતાને શ્રી કૃષ્ણે સામાન્ય કારણોથી શિશુપાલને કાંઈ જ હાની ન કરવાનું વચન વચન આપેલું. પરંતુ જ્યારે તે સો વાર તેવું કરશે તો જ તેનો વધ કરીશ એવું જણાવેલું. તે હિસાબે ભર સભામાં શ્રી કૃષ્ણે સોમો આંક શિશુપાલે વટાવી દીધો ત્યારે સુદર્શન ચક્રથી તેનો વધ કરે છે. જે પરબ્રહ્મ પરમેશ્વર હોય તેણે આવી યોજના કરવી પડે ખરી ?