કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
દરકી બાત કહૌ ૧દર બેસા, બાદશાહ હૈ કવને ભેષા ?
કહાં કૂચ કહં કરે મુકમા ? મૈં તોહિ પૂછૌં ૨મુસલમાના ! - ૧
લાલ જરદ કી નાના બાના ? કવન સુરતિ કો કરહુ સલામા ?
કાજી કાજ કરહુ તુમ કૈસા ? ઘર ઘર જબહ કરવહુ ભૈંસા ! - ૨
બકરી મુરગી કિન ફરમાયા ? કિસકે હુકુમ તુમ છુરી ચલાયા ?
દરદ ન જાનહુ ૩પીર કહાવહુ, બૈતા પઢિ પઢિ જગ ભરમાવહુ ! - ૩
કહૈ કબીર એક ૪સયદ કહાવૈં, આપ સરીખા જગ ૫કબુલાવૈં ! - ૪
સાખી : ૬દિન ભર રોજા રહત હો, રાત હનત હો ગાય
યહૈ ખૂન વહ બંદગી, ક્યોં કર ખુશી ખુદાય ?
સમજૂતી
હે ખુદાના બંદાઓ ખુદાની વાત તો કરો ! ખુદાનો પહેરવેશ કેવો ? ખુદા ક્યાં ફરે ને ક્યાં મુકામ કરે ? હે મુસલમાનો ! હું તમને આ બધું પૂછું છું. જરા જવાબ તો આપો ! - ૧
ખુદાનો રંગ લાલ છે કે પીળો ? કે પછી અનેક રંગના છે ! તેની શકલ કેવી છે કે જેને તમે સલામ ભરો છો ? કાજી થઈને તમે કેવા કેવા કામો કરવો છો ? ઘરે ઘરે જઈ શું જીવ હત્યા કરવો છો ? - ૨
ગાય, ભેંસ, બકરી, મરઘી જેવાં નિર્દોષ પ્રાણીઓના ગળા પર છરી ચલાવવાની તમને કોણ આજ્ઞા આપે છે ? એમ તો તમે પીર કહેવરાવો છો, પણ બીજાની પીડા તો જાણતા જ નથી ! ધાર્મિક પુસ્તકો વાંચવાનો આડંબર કરી જગતમાં શા માટે ભ્રાંતિ ફેલાવો છો ? - ૩
કબીર કહે છે કે એક તે તમે મુસલમાનોમાં બ્રાહ્મણ જેવા ઉંચી જાતના સૈયદ કહેવરાવો છો અને તમારા જેવા બનવાનું બીજાઓ પાસે બળજબરી પૂર્વક કબૂલ કરવો છો. કેવું આશ્ચર્ય ! - ૪
સાખી : આખો દિવસ રોજાનું વ્રત કરો છો અને રાતે ગાયને હણો છો ! કેવું આ ખૂનનું કાર્ય અને કેવી તમારી બંદગી ? ખુદા કેવી રીતે તમારા પર પ્રસન્ન થાય ?
૧. આગલા પદમાં મુસલમાનોના ગુરૂઓને કબીર સાહેબે વિશાળ દષ્ટિથી વિચારવાણી અપીલ કરી છે. કારણ સ્પષ્ટ છે. સંપ્રદાયોની દષ્ટિ તો સંકુચિત હોવાથી સત્યનું દર્શન કરી શકતી નથી. મારો જ ધર્મ શ્રેષ્ઠ, મારા જ ગુરૂ મહાન, અમે કહીએ ને કરીએ તે જ ભગવાનને ગમે, અમે કરીએ તે જ ભક્તિ ઉત્તમ એવું એવું ઘણું બધું સંકુચિત દષ્ટિવાળાઓ બધે કહેતા ફરે છે. તે કારણે ઝઘડાઓ પણ થતા રહે છે. જેની દષ્ટિ વિશાળ છે તે આવી ભ્રામક વાતો કરતા નથી. તેઓ તો માનવતાનો જ મહિમા કરતા હોય છે. માતાના ગર્ભ દ્વારા સૌ કોઈ આવે છે અને સૌના શરીરમાં જે લોહી ફરતું હોય છે તેનો પણ રંગ તો એક જ હોય છે. બધાં જાય છે ત્યારે એક જ રીતે જાય છે. માટે ભગવાનની દષ્ટિએ સૌ સરખા છે. નાત જાતના, ઊંચનીચના ભેદો સંકુચિત દષ્ટિમાંથી ઉદ્દભવ્યા. તેથી આ પદમાં ખુદાના ગણાતા બંદાઓને તેઓની સંકુચિત દષ્ટિ લક્ષમાં લઈને ઠપકાર્યા છે.
૨. મુસલમાનોને ઠપકો આપતા કબીર સાહેબ કહે છે કે તમારો ખુદા જુદો હોય તો તે કેવો છે ? ક્યાં રહે છે ? તેનું સ્વરૂપ કેવું છે ? તમે જેને સલામ ભરો છો તેની સકલ કેવી છે ? ખરેખર તો ભગવાન સૌનો એક જ છે. તે તો દયાનો સાગર છે. સૌ પર સરખો જ પ્રેમ વરસાવે છે.
૩. ગાય, ભેંસ, બકરી, મરઘી જેવા પશુઓની કતલ મુસલમાનો કરે છે ને કરાવે છે. તેનુ કારણ પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે કે ખુદ એ હુકમ કર્યો છે તેથી અમો એવું કાર્ય કરીએ છીએ. તે સંદર્ભમાં કબીર સાહેબ આ બધી વાતો કરી રહ્યા છે. ખરેખર તો ભગવાન એવું કાર્ય કરે જ નહીં અને કરવાની છૂટ આપે નહીં. ભગવાન પ્રેમથી, અહિંસાથી, સત્કર્મોથી પ્રસન્ન થઈ શકે; હિંસાથી તો નહીં જ. ગાયના શરીરમાં જેવો જીવ છે તેવો જીવ માનવ માત્રમાં છે. તેથી જીવની હત્યાથી થતું દુઃખ અપાર હોય છે. પયગંબર હોય, ફકીર હોય, ખુદાનો દૂત હોય તેનું હૃદય આવા દુઃખોથી દ્રવિત બની જતું હોય છે. તેથી તેઓને પીર કહેવામાં આવે છે. કબીર સાહેબે સાખીમાં પણ કહ્યું જ છે કે
કબિરા સોઈ પીર હૈ, જો જાનૈ પર પીર
જો પર પીર ન જાનઈ, સો કાફિર બેપીર
અર્થાત્ સાચો ગુરૂ, ખુદાનો બંદો, બીજાનું દુઃખ જાણી શકે, સમજી શકે અને તે પ્રમાણે વર્તન કરી ભગવાનનું કાર્ય કરી શકે.
૪. હિન્દુઓમાં જેમ બ્રાહ્મણ લોકોનું સ્થાન તેમ મુસલમાનોમાં સૈયદ લોકોનું સ્થાન. તેઓ પોતાને શ્રેષ્ઠ ગણાવે.
૫. “કબુલાવૈ” ક્રિયાપદ દ્વારા સૈયદ લોકો બળજબરી કરતા હતા તે સૂચન ગર્ભિત રીતે કહેવાયું છે. વટલાવ પ્રવૃત્તિ તેઓ કરતા હતા. તેઓ પોતે હિંસાદિ ઘાતકી કૃત્યો કરતા અને બીજાને તેવું કરવાની ફરજ પાડતા.
૬. ભગવાનને પ્રસન્ન કરવા રોજ એટલે ઉપવાસ કરવામાં આવે છે. પરંતુ ભગવાન પ્રસન્ન કેવી રીતે થઈ શકે ? રોજા કરવાનો તો માત્ર દંભ જ કરવામાં આવે છે. રીતે તો જીવહિંસા ઘાતકી રીતે કરવામાં આવે છે. જેવી બંદગી કરે તેવું વર્તન થતું નથી.