કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જાકર નામ ૧અકહુઆ ભાઈ, તાકર કહા રમૈની ગાઈ ?
કહેકે તાત્પર્જ હૈ ઐસા, ૨જસ પંથી બોહિત ચઢિ જૈસા - ૧
હૈ ૩કિછુ રહનિ ગહનિ કી બાતા, બેઠા રહૈ ચલા પુનિ જાતા
૪રહે બદન નહિ સ્વાંગ સુભાઉ, ૫મન અસ્થિર નહિ બોલૈ કાઉ - ૨
સાખી : તન રહતે મન જાત હૈ, મન રહતે તન જાય
તન મન એકૈ હવૈ રહૈ, ૬હંસ કબીર કહાય
સમજૂતી
હે ભાઈઓ ! જેનું નામ કહી શકાય એવું જ નથી તો પછી તેની સ્તુતિ કેવી રીતે કરી શકાય ? માત્ર તાત્પર્ય જ કહી શકાય એવું છે કે મુસાફરની માફક હોડીમાં બેસી જનાર જ પાર ઉતરી શકે છે. - ૧
એ તો વાત જ ગહન છે છતાં (સંસાર પાર કરનારે) ચોક્કસ પ્રકારે તો રહેવું જ પડે છે. નાવમાં ભલે તે બેઠોં રહે પણ તેની પાર જવાની પ્રગતિ તો ચાલુ જ રહે છે. શરીર પર બાહ્ય વેશ ધારણ કરવાનો તેનો સ્વભાવ જ રહ્યો નથી હોતો ! ચંચલ મન કાંઈ બોલતું જ નથી ! - ૨
સાખી : કોઈનું શરીર વિષયોમાં ઘસડાતું નથી તો મન ચાલ્યું જતું હોય છે અને કોઈનું મન જતું નથી તો વિષયોમાં તન દોડતું ચાલ્યું જાય છે. વિવેકી પુરુષ તો તે જ ગણાય કે જેનું મન પણ અને તન પણ વિષયોમાં ઘસડાતું નથી.
૧. ‘અકહુઆ’ એટલે અકથ્ય. કહી જ શકાય એવું. આત્મ તત્વનું વર્ણન અનુભવી પુરૂષોએ આ રીતે કર્યું. અશબ્દમ્, અરૂપમ્, અવ્યયમ્ વિગેરે. અર્થાત આત્મતત્વ વાણીનો વિષય નથી. નિર્ગુણ, નિર્વિકાર, નિરાકાર, આત્મતત્વની સ્તુતિ કેવી રીતે કરવી એ એક સમસ્યા છે.
૨. તેનું તાત્પર્ય જ કહી શકાય માત્ર. સમુદ્રની પાર જનાર મુસાફર માત્ર ચુપચાપ હોડીમાં સ્થિર બેસી રહે છે તેમ મનને આત્મતત્વમાં લીન કરવાની જરૂર છે.
હોડી પણ પાણીમાં તરે છે તેથી તે પેલે પાર જઈ શકે છે. હોડીમાં પાણી ભરાય તો તરવાની મુશ્કેલી ઉભી થાય. તેથી નાવિક હોડીમાં પાણીનો ભરાવો થવા દે નહીં. અમુક મર્યાદામાં પાણી રહે તો વાંધો નહીં આવે. પરંતુ મર્યાદાને વટાવે તો પાણી ઉલેચવાની ક્રિયા સાથે સાથે કરવી જ પડે. સંસાર મનમાં રહેલો છે. તેથી સંસાર સાગર પાર કરવા માટે મુશ્કેલનો અનુભવ કરવો પડે છે. સદ્દગુરૂ મનમાંથી સંસારની ભાવના દૂર કરવાનું એટલા માટે જ કહે છે. ચોક્કસ મર્યાદા બાંધીને સદ્દગુરૂ જીવનની હોડી ચલાવતા હોય છે. મર્યાદાનો આંક ન વટે તેની કાળજી રાખવાનું સૂચન આપ્યા કરતા હોય છે. મર્યાદાનો આંક ન વટે તેની કાળજી રાખવાનું સૂચન આપ્યા કરતા હોય છે. જો મનમાં સંસારની ભાવના મર્યાદાના આંકથી વધી જાય તો ઉલેચવાની ક્રિયા કરવી જ પડે. ટૂંકમાં, મનને કોઈ પણ હિસાબે તાલિમ તો આપવી જ પડે. તેને જ આપણે યોગ કહીએ છીએ ને સાધના કહીએ છીએ.
૩. સાધકે ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ કરવી જ પડે છે. ગમે તેમ રહી શકાય કે જીવી શકાય નહિ. નિયમિત નિયમોનું પાલન જાણે કે અનિવાર્ય થઈ પડે છે. ગીતા પણ કહે છે કે
યોગ્ય કરે આહાર ને વિહાર તેમ જ કર્મ
જાગે ઊંઘે યોગ્ય તે લભે યોગનો મર્મ
ચિત્ત થાય વશ ને પછી આત્મમાં સ્થિર થાય
નિ:સ્પૃહ યોગી થાય તે યોગી યુક્ત ગણાય (સરળ ગીતા અ-૬)
૪. મન સ્થિર થાય તો બાહ્ય આડંબર, ઢોંગ ધતીંગ તેને ગમે જ નહીં. બાહ્યચારની આવશ્યક્તા જ રહેતી નથી.
૫. મન ચંચળ હોય ત્યાં સુધી તેનું બોલવું ચાલવું પણ વ્યવસ્થિત નથી હોતું. ચંચળતા જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ મન અમન બનતું જાય. તેનો સ્વભાવ જ બદલાય જાય. મન મન સહેજ નહીં. તે કંઈ બોલે પણ નહીં અને ચાલે પણ નહીં. તેવી સ્થિતિમાં જ મન આત્મલીન બની શકે છે. મનની એ ઉત્તમ અવસ્થા છે. કબીર સાહેબ એવા મનને ઉન્મન પણ કહે છે.
૬. ભભૂત લગાવીને બેઠેલો યોગી, સંસાર ત્યાગ કરીને વનમાં પહોંચેલો સન્યાસી કે સર્વસ્વનો ત્યાગ કરી સાધના કરતો ત્યાગી મન ન કેળવે તો શી દશા થાય ? તેનો બાહ્યાચાર નકામો બની જાય. તેના મનમાં વિષય વાસનાની આગ પ્રજ્વલિત બનતી રહે અને મિથ્યાચાર તરફ તે ઘસડાય. ભલે તેનું શરીર એક જગ્યાએ બેઠું હોય પણ મન તો પોતાનો ખોરાક શોધતું ભટકતું જ રહે છે. તેવો માણસ સાચો યોગી નથી, સાચો ત્યાગી નથી કે સાચો સન્યાસી નથી. જેનું મન તાલિમ પામીને ઉન્મન બન્યું છે તે જ પરમ યોગી. તેને જ પરમ હંસની પદવી પણ આપી શકાય.
Add comment