કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જેહિ કારન સિવ અજહું બિયોગી, અંગ ભભૂતિ લાય ભૌ જોગી
સેસ સહસમુખ પાર ન પાવૈ, સો અબ ૧ખસમ સહી સમજાવૈ - ૧
૨ઐસી વિધિ જો મોકહં ધાવૈ, છઠયે માંહ દરસ સો પાવૈ
કવનેહું ભાવ દિખાઈ દેઉ, સબ સુભાવ ૩ગુપતહિ રહિ લેઉ - ૨
સાખી : કહંહિ કબીર પુકારિકે, ૪સભકા ઉહૈ બિચાર
કહા હમાર માનૈ નહીં, કિમિ છૂટૈ ભ્રમ જાલ ?
સમજૂતી
જે સ્વામી પરમાત્માની પ્રાપ્તિ માટે ભગવાન શિવ વિયોગી સ્વરૂપે અંગ પર ભભૂતિ લગાવીને આજ દિન સુધી યોગ સાધના કરી રહ્યા છે, હજાર મુખથી શેષનાગ જેનું ગુણગાન ગાય છે છતાં પાર પામી શક્યા નથી તે સ્વામી પરમાત્મા હવે ઠીક ઠીક પ્રમાણમાં સમાજ આપી રહ્યા છે. - ૧
એવી વિધિ કરીને જો મારું ધ્યાન કરવામાં આવે તો છ માસમાં મારું દર્શન થઈ શકે છે. કોઈને કોઈ સ્વરૂપે હું દર્શન આપું જ છું, ગુપ્ત રહીને સહજ રીતે બધું લઈ લઉં છું. - ૨
સાખી : કબીર પુકાર કરીને કહે છે કે અમારું કહેલું કોઈ માનતું જ નથી પછી ભ્રમ રૂપી જાળમાંથી કેવી રીતે છૂટી શકે ? સર્વનો (સિદ્ધપુરૂષોનો) આજ અનુભવ છે.
૧. “ખ” એટલે આકાશ અને “સમ” એટલે સમાન. આકાશ જેવા નિરાકાર પ્રભુ એવા નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ માટે મહાદેવથી માંડીને સામાન્ય સાધકો પ્રયત્નો કર્યા જ કરે છે. કોઈ યોગની સાધના કર્યા કરે છે તો કોઈ નામ સ્મરણ, જપ, કીર્તન આદિ ભક્તિ કર્યા કરે છે. પરંતુ કોઈ તેનો પાર આજ દિન લગી પામી શક્યું નથી. જે પરમાત્માની પ્રાપ્તિ માટે શંકર ભગવાને યોગની કઠીન સાધના કરી અને શેષનાગે હજાર મોઢેથી જેનું કીર્તન ગયા કર્યું તે પરમાત્મા, કબીર સાહેબ કહે છે કે હવે ઠીક ઠીક પ્રમાણમાં જુદા જુદા સ્વરૂપે પ્રગટ થઈ ચોક્કસ પ્રકારની સમાજ આપી રહ્યા છે.
૨. “ઐસી વિધિ” આગલા પદના સંદર્ભમાં કબીર સાહેબ સમજાવી રહ્યા છે. આત્મતત્વમાં જેનું તન, મન એક્તાન બની ગયું હોય તેવા સાધકને પરમાત્મા છ જ મહિનામાં દર્શન આપે છે. સાધક ધ્યાન ધરે પણ જો તેનું મન શરીરની બહાર વિષય પદાર્થોમાં ભટક્યા જ કરે તો તેને દર્શન ન થઈ શકે. એવું ભટક્યા કરતું અસ્થિર મન પરમાત્માનાં દર્શન માટે અયોગ્ય ગણાય. તેથી સાધકે કબીર સાહેબે જણાવેલી વિધિ પ્રમાણે મનને સ્થિર કરવું જરૂરી છે. અગાઉ જણાવ્યું છે તે પ્રમાણે મન જો અમન બની જાય અથવા તો ઉન્મન બની જાય તો તેવા મન વડે પરમાત્માનાં દર્શન માત્ર છ મહિનામાં થઈ શકે છે એવી ખાત્રી કબીર સાહેબ અહીં આપી રહ્યા છે. ઉપનિષદ્દ પણ એમ જ કહે છે
પરાંચિ ખાનિ વ્યતૃણત્ સ્વયંભૂ:
તસ્માત્ પરાંગ પશ્યતિ નાન્તરાત્મન્ |
કશ્ચિદ ધીર: પ્રત્યગાત્માનમૈક્ષત્
આવૃત ચક્ષુરમૃતત્વમિચ્છન્ || (કા. ૨-૧)
અર્થાત્ સ્વયંભૂ પરમાત્માએ ઈન્દ્રિયોને બહિર્લક્ષી બનાવી. તેથી તે બહારનાં પદાર્થો જ શોધ્યા કરે છે. તે અંતરાત્માને જોતી જ નથી. કોઈ ધીર પુરૂષ જ ઈન્દ્રિયોને અંતરમુખી બનાવી અમૃત સ્વરૂપ આત્મતત્વને પામવાની ઈચ્છા કરે છે. ટૂંકમાં, મન તથા ઈન્દ્રિયોને બહાર ભટકતા રોક્યા વિના અમૃત સમાન આત્મતત્વનાં દર્શન થઈ શકતા નથી. મન તથા ઈન્દ્રિયોને નિયંત્રિત કરવાનું કાર્ય, અર્જુન કહે છે કે
મન ચંચલ બલવાન છે જક્કી તેમ જ ખૂબ
વાયુ જેમ મુશ્કેલ છે તેનો સંયમ ખૂબ. (સરળ ગીતા અ-૬)
ચંચલ મનને સ્થિર કરવાનું કાર્ય ખૂબ કઠીન છે. મુઠીમાં વાયુને પકડવાનું કાર્ય જેટલું મુશ્કેલ છે તેટલું મુશ્કેલ મનને સ્થિર કરવાનું કાર્ય ગણાય છે. છતાં તે થઈ શકે છે અને પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય છે એવી ચોક્કસ પ્રકારની ખાત્રી કબીર સાહેબ જેવા અનુભવી મહાપુરૂષો આપી રહ્યા છે.
૩. જે કોઈ પરમાત્માની પ્રેમભક્તિ કરે છે તેનું રક્ષણ ગુપ્ત રીતે પ્રભુ કર્યા જ કરે છે. ભાવથી જે કાંઈ તેને અપર્ણ કરવામાં આવે છે તે પણ તે ગુપ્ત રીતે ગ્રહણ કરી જ લે છે. ગીતામાં શ્રીકૃષ્ણ પણ એમ જ કહે છે
ફળ કે ફૂલ મને ધરે, પર્ણ તેમ પાણી,
ધર્યું ભાવથી સર્વ હું આરોગું દાની.
તેથી તું જે જે કરે, તપે, દાન દે, ખાય,
કરજે અર્પણ તે મને, સહંભાવ ના થાય. (સરળ ગીતા અ-૯)
૪. સર્વે મહાપુરૂષોનો એક સરખો અનુભવ છે કે લોકો પરાવાણી સાંભળે છે પણ તેને અનુસરતા નથી. બહું ઓછા માણસો મહાપુરૂષોનો લાભ લઈ શકે છે. જગતની એ કરૂણતા છે અને નક્કર વાસ્તવિકતા પણ છે.
Add comment