કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
મહાદેવ મુનિ અંતન પાયા, ઉમા સહિત ઉન જનમ ગંવાયા
ઉનતે સિધ સાધક નહિ કોઈ, ૧મન નિશ્ચલ કહુ કૈસે હોઈ - ૧
૨જબ લગ તનમેં આહે સોઈ, તબ લગ ચેતિ ન દેખૈ કોઈ
તબ ચિતિહો જબ તજિહો પ્રાના, ભયા અંત તબ મન પછિતાના - ૨
ઈતના સુનત નિકટ ચલિ આઈ, ૩મન બિકાર નહીં છૂટે ભાઈ - ૩
સાખી : તીની લોકમેં આય કે, છૂટિ ન કાહુકિ ૪આસ
ઈક અંધરે જગ ખાઈયા, સભકા ભયા વિનાસ
સમજૂતી
મહાદેવ અને મુનિઓ પ્રભુનો પાર પામી શક્યા નહિ. ઉમા સાથેનો જન્મ મહાદેવે ગુમાવી દીધો તો પણ પાર પામી શક્યા નહીં. એનાથી બીજું કોઈ સિદ્ધ સાધક તો થયું નથી કે જે પાર પામી શકે. તો પછી મન સ્થિર કેવી રીતે થઈ શકે ? - ૧
જ્યાં સુધી શરીરમાં શ્વાસોશ્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ ચેતીને પ્રયત્ન કરી જોતું નથી. ત્યાં જ ચેતે છે જ્યારે પ્રાણ નીકળવાની તૈયારી હોય. પ્રાણ નીકળી જાય પછી તો મન પસ્તાય છે. - ૨
સાંભળતા સાંભળતા મૃત્યુ નજીક આવી ચઢે છે છતાં મનમાં રહેલો વિકાર છૂટી શકતો નથી. - ૩
સાખી : ત્રણે લોકમાં આવીને કોઈની પણ આશા છૂટી શકી નથી. આશામાં ને આશામાં આંધળું મન આખું જગ ખાય ગયું અને સર્વનો વિનાશ થયો.
૧. આ પદમાં મનની કેળવણી પર કબીર સાહેબે ભાર મૂક્યો છે. સ્થિર મન દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. જેનું મન શંકા, કુશંકાઓથી ચલાયમાન થયા કરતું હોય તે સિદ્ધ કહેવાય નહિ. સિદ્ધ પુરુષ તો તે જે કહેવાય કે જેનું મન ઉન્મન થયું હોય. સંકલ્પ વિકલ્પો સિદ્ધ પુરુષોને પજવે જ નહીં. સ્થિર મનમાં સંકલ્પ-વિકલ્પ ઉદભવે જ નહીં. મોટા મોટા મુનિઓ પણ મનની સ્થિરતા કેળવી શક્યા નહોતા. તેઓનું મન અનેક વર ચલાયમાન થઈ જતું. મહાદેવ જેવા મહાદેવનું મન પણ એકવાર ચલાયમાન થઈ ગયેલું. મોહિની સ્વરૂપ જોઈને મનોહારી લલનાથી મોહિત થઈ ગયેલા. અગાઉ તે પ્રસંગની વાત આપણે ચર્ચી ગયા છીએ. તેથી કબીર સાહેબ મહાદેવ પણ પ્રભુનો પાર પામી શક્યા નથી એમ વારંવાર કહ્યા કરે છે.
૨. એ તો સર્વ સામાન્ય વાત છે કે પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા ભાગ્યે જ કોઇને થતી હોય છે. જ્યારે તન અને મન તંદુરસ્ત હોય, એકદમ સ્વસ્થ હોય ત્યારે કઠીન સાધના પણ થઈ શકે અને પરમાત્માનાં દર્શન સુધી પહોંચી શકાય. પરંતુ તે રીતે કોઈ વિચારતું જ નથી. શંકરાચાર્ય ભગવાને પણ કહ્યું છે :
બાલસ્તવત્ ક્રીડા સકત:
તરૂણસ્તવત્ તરૂણી સકત: |
વૃદ્ધાસ્તવત્ ચિન્તા મગ્ન:
પરમે બ્રહ્મણિ કોડપિ નલગ્ન: ||
ભજ ગોવિન્દં, ભજ ગોવિન્દં, ભજ ગોવિન્દં મૂઢમતે |
અર્થાત્ બાલ્યાવસ્થા રમતમાં વીતે છે, યુવાની યુવતી સાથેની આસક્તિમાં પસાર કરે છે અને વૃદ્ધાવસ્થામાં તો ‘શું થશે ? શું થશે ?’ની ચિન્તામાં જ પૂરી થાય છે. પરમાત્મા સાથે કોઈનું પણ મન સંલગ્ન થઈ શકતું જ નથી. માટે પહેલેથી જ વિચાર કરી જીવનના કીંમતી સમયનો સદુપયોગ કરી લેવા આયોજન કરવું જોઈએ. વારંવારના પ્રયત્નો પછી સફળ થઈ શકાય છે. ગીતા પણ કહે છે કે :
મન આ ચંચલ જાય છે અનેક વિષયો માંહ્ય,
વાળી પાછું જોડવું તેને આત્મા માંહ્ય.
કરતા એમ થઈ જશે મન આત્મામાં શાંત,
સુખ ઉત્તમ ત્યારે થશે દોષ થશે સૌ શાંત.
રોજ કરે છે યોગ આ તે તો નિર્મલ થાય,
બ્રહ્મપ્રાપ્તિ સુખ પૂર્ણ તે પામી તેમાં ન્હાય. (સરળ ગીતા અ-૬)
૩. જોત જોતામાં સમય વીતી જાય છે. કથા શ્રવણ કરતા કરતા કે સત્સંગ સાંભળતા સાંભળતા મૃત્યુ નજીક આવી લાગે છે ને સાધના કરવાનું રહી જાય છે. અંતકાળે મનના વિકારો જેમના તેમ રહી જાય છે. અશુદ્ધ મન સાથે વિદાય લેવી પડે છે. અશુદ્ધ મન એટલે અસ્થિર મન, ચંચલ મન.
૪. પ્રયત્નો કર્યા વિના આશાનો પાશ છૂટતો નથી. બચપણથી જ જો જાગૃતિ આવી જાય તો મનમાં રહેલી આશાને દૂર કરવા પ્રયત્નો થઈ શકે. પુરૂષાર્થથી મનને શુદ્ધ કરી શકાય છે. પરંતુ તેવા પ્રયત્નો ન થવાને કારણે જીવન વ્યર્થ વીતી જાય છે.
Add comment