Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ગયે રામ અરુ ગયે લછમના, સંગે ન ગઈ સીતા અસ ધના
જાત કૌરવન લાગુ ન બારા, ગયે ભોજ જિન સાજલ ધારા  - ૧

ગયે પંડો કુંતા સી રાની,  ગે સહદેવ જિન બુધિમતિ ઠાની
સરબ સોનકી લંકા ઉઠાઈ, ચલત બાર કિછુ સંગ ન લાઈ  - ૨

કુરિયા જાસુ અંતરિછ છાઈ, સો હરિચંદ્ર દેખ નહિ જાઈ
મૂરખ માનુષ બહુત સેજોવૈ, અપને મરૈ અવરિલગિ રોવૈ  - ૩

ઈન જાનૈ અપનઉ મરિ જૈબે, બિઢૈ ટકા દસ અવર લે ખેબૈ  - ૪

સાખી :  અપની અપની કરિ ગયે લાગિ ન કાહુ કી સાથ
          અપની કરિ ગયે રાવન, અપની દશરથ નાથ

સમજૂતી

રામ અને લક્ષ્મણ ચાલ્યા ગયા. સાથે ધન્ય ગણાતી સીતા નહિ ગઈ. કૌરવોને જતા વાર લાગી નથી. પોતાની ધારા નગરી સમુદ્ર બનાવનાર ભોજરાજા પણ ચાલ્યા ગયા.  - ૧

રાજા પાંડુ અને રાણી કુંતી પણ રહ્યા નહિ. ત્રિકાળજ્ઞાની ગણાતા સહદેવ પણ ચાલ્યા ગયા. જાણે લંકા નગરીને પોતાની માનીને સોનાની બનાવી હતી તે રાવણ પણ સાથે કશું લઈ જઈ શક્યો નહિ.  - ૨

જેનો રાજમહેલ આકાશ સુધી છવાયલો ગણાતો હતો તે હરિશ્ચંદ્ર રાજા પણ હવે જોવા મળતો નથી. મૂર્ખ મનુષ્ય બહુ ભેગું કર્યા કરે છે અને પોતે મરવાની તૈયારીમાં હોવા છતાં બીજા માટે રડ્યા કરે છે.  - ૩

પરંતુ એટલું તે જાણતો નથી હું પણ એક દિવસ મરી જઈશ ત્યારે દસ ટકા વ્યાજ લઈને જે ધન ભેગું કર્યું છે તે બીજા જ ખાય જશે !  - ૪

સાખી :  સૌ પોતપોતાની કરણી કરીને ચાલ્યા ગયા અને ભેગું કરેલું ધન સાથે ગયું નહિ. (લંકા મૂકીને) રાવણ પણ પોતાનું કરીને ગયો અને દશરથ જેવા રાજા પણ ગયા.

૧.  પવિત્ર અને સતી ગણાતી સીતા પણ રામ-લક્ષ્મણની સાથે નહોતી ગઈ. મતલબ કે સ્ત્રી માટે પણ આસક્તિ ન કરવી.

૨.  ભોજ રાજાએ ધારા નગરીને ખૂબ સમૃદ્ધ કરી હતી છતાં તે અહીં રહી ગઈ ને ભોજ રાજા ચાલ્યા ગયા. તેથી સંપત્તિ માટે પણ આસક્તિ કરવી નહીં.

૩.  સામાન્ય રીતે બુદ્ધિ તે જ મતિ અને મતિ તેજ બુદ્ધિ એવું મનાય છે. પણ શાસ્ત્રકારોએ તાત્કાલિક નિર્ણય કરનારી શક્તિને બુદ્ધિ કહે છે અને ભાવિની વાતને જાણનારી શક્તિને મતિ કહી છે. સહદેવ પાસે બેઉ પ્રકારની શક્તિ હતી. તે ત્રિકાળ જ્ઞાની ગણાતો હતો. છતાં તે પણ અમર બની શક્યો નહીં.

૪.  કુરિયા એટલે મહેલ. આકાશ જેટલો ઊંચો ને વિશાળ મહેલ પણ રહ્યો નહીં અને તેનો રચયિતા રાજા હરિશ્ચંદ્ર પણ રહ્યો નહીં. તેથી સિદ્ધ થાય છે કે માત્ર સંપત્તિથી સુખ મળે છે એ સત્ય નથી.

૫.  કબીર સાહેબના સમયમાં પણ દસ ટકા વ્યાજ લેવાતું હતું તે આ પદ સાબિતી આપે છે. સંપત્તિનો મોહ પુરાતન કાળથી જ ચાલ્યો આવે છે. સંપત્તિને જ માત્ર સુખનું કારણ માનવાથી આ મોહ કાયમ રહ્યો લાગે છે. કબીર સાહેબે પ્રખ્યાત ભજનમાં ઈશારો કર્યો જ છે

સંતત સંપત સુખ કે કારણ, જાસે ભૂલ પરી
ભજો રે ભૈયા, રામ ગોવિંદ હરિ !

અર્થાત્ જ્યારથી સંપત્તિને જ સુખનું કારણ માન્યું ત્યારથી જ આ જગત ખોટે માર્ગે જઈ રહ્યું છે.