કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ક્રિતિયા ૧સૂત્ર લોક ઈક અહઈ, લાખ પચાસ કી આયુ કહઈ
વિદ્યા વેદ પઢે પુનિ સોઈ, બચન કહત ૨પરતચ્છૈ હોઈ - ૧
૩પહુંચિ બાત વિદ્યા કી પેટા, બાહુ કે ભરમ ભયા સંકેતા - ૨
સાખી : ૪ખગ ખોજન કો તુમ પરે, પીછે અગમ અપાર
બિનુ પરિચય કસ જાનિ હો, જૂઠા હૈ હંકાર.
સમજૂતી
કૃત્રિમ એક સૂત્રલોક છે ત્યાં જનારનું પચાસ લાખ વર્ષનું આયુષ્ય હોય છે એમ કહેવામાં આવે છે. એવું કહેનારા મંત્રોનો અભ્યાસ કરતા રહે છે અને જાણે પોતાને પ્રત્યક્ષ હોય તેમ તેઓ વચનો બોલ્યા કરે છે. - ૧
તેઓની વાત સકામ કર્મો કરવાવાળાના હૃદય સુધી પહોંચી જાય છે અને તેઓને પણ ભ્રાંતિ થઈ જાય છે. - ૨
સાખી : હે ભાઈઓ ! તમે આત્મા રૂપી પક્ષીની ખોજમાં નીકળી તો પડ્યા છે પણ તે તો અગમ ને અપાર છે. કોઈ પણ જાતના પરિચય વિના તેને કેવી રીતે જાણી શકશો ? ખરેખર, તમારો આ અહંકાર મિથ્યા છે.
૧. સૂત્રાત્મક શૈલીમાં લખાયલા ગ્રંથો અથવા સૂત્રાત્મા હિરણ્યગર્ભની કાલ્પનિક વાતો. કર્મકાંડી લોકો તેવા ગ્રંથોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્રનો પ્રચાર પણ તેમાં જ આવી જાય.
૨. “પરતચ્છૈ” પ્રત્યક્ષનું અપભ્રંશ.
૩. કર્મકાંડી લોકોની વાત મનના મનોરથો પૂર્ણ કરવા ઈચ્છતા લોકોને સ્હેજે ગળે ઉતરી જાય છે તે એક હકીકત છે.
૪. ખગ એટલે પક્ષી. આત્માના પ્રતીક તરીકે માની શકાય. ખ એટલે સંસ્કૃતમાં આકાશ. ગ એટલે જનાર અથવા તો ઉડનાર. આકાશમાં ઉડનાર પક્ષી. આત્માનો પરિચય જેને થયો છે તેની સહાય વિના આત્માની ખોજ કેવી રીતે થઈ શકે તેવું કબીર સાહેબ કહેવા માંગે છે.