Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સોઈ હિતુ બંધુ મોર મન ભાવૈ, જાત કુમારગ મારગ લાવૈ
સો સયાન મારગ રહિ જાઈ, કરૈ ખોજ કબહું ન ભુલાઈ  - ૧

સો જુઠા જો સુત કૈ તજઈ, ગુરૂકી દયા રામકો ભજઈ
કિંચિત હૈ યહ જગત ભુલાના, ધન સુત દેખિ ભયા અભિમાના  - ૨

સાખી :  દિયન ખતાના કિયા પયાના, મંદિર ભયા ઉજાર
          મરિ ગયે તે મરિ ગયે, બાંચે બાંચનિ હાર

સમજૂતી

તે જ હિતકારી બંધુ મારા મનને પસંદ છે કે જે ખોટા માર્ગે ગયેલાને સન્માર્ગે લાવવાની મહેનત કરે છે. તેજ સમજુ શિષ્ય ગણાય કે જે સન્માર્ગે સ્થિર થવા પ્રયત્ન કરે. જે સત્યની ખોજ કર્યા કરે છે તે કદી માર્ગ ભૂલતો નથી.  - ૧

તે (ગુરૂ) જૂઠો છે કે જે શિષ્યને સન્માર્ગે વાળવાને બદલે છોડી દે છે. જો ગુરૂની કૃપા તેને મળે તો તે રામનું ભજન કરતો થઈ જાય. પરંતુ આ જગત કે જે  રામની સરખામણીમાં કંઈ જ નથી છતાં તેને જોઈને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે અને ધનદોલત, પુત્રપૌત્રાદિ જોઈને અભિમાની બની જાય છે તેનું કલ્યાણ થતું નથી.  - ૨

સાખી :  જીવાત્મા પ્રયાણ કરી ગયો, જીવનરૂપી દીપક બુઝાઈ ગયો, આ શરીર રૂપી મંદિર ઉજ્જડ બની ગયું. અજ્ઞાની જે મરી ગયા તે સદાને માટે મરી ગયા પણ કૃપાપાત્ર જીવો તો કાયમના બચી ગયા અમર થઈ ગયા.

૧. અહીં બધું શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયો છે. શાસ્ત્રો “બેંધુની” વ્યાખ્યા કરતા કહે છે કે

સ બંધુ:યો વિપન્નાનામાપદુદ્ધરણક્ષમ:

અર્થાત્ તે જ સાચો બંધુ ગણાય કે જે દુઃખોમાં ડૂબેલાને તારી શકે અને તેનું કલ્યાણ કરવા માટે સમર્થ હોય. તેથી જ સંતો સમાજમાં ગણાતા પાપી, અધમ જીવો તરફ કરૂણામય દૃષ્ટિથી જોવા પ્રયત્ન કરે છે. તે ગમે તેટલો દુર્ગુણી હોય કે દુષ્ટ ગણાતો હોય તેના તરફ તિરસ્કાર કદી તેઓ કરતા નથી. તેવા સમર્થ  ગુરૂબંધુને અહીં કબીર સાહેબે યાદ કર્યા  છે. શ્રી કૃષ્ણને એટલા માટે જગદ્દગુરૂ કહી વંદના કરવામાં આવે છે !  શ્રી કૃષ્ણ ગીતામાં ખૂબ સ્પષ્ટપણે કહે છે :

ખૂબ અધર્મી યે મને ભજે કરીને પ્રેમ,
તો તે સંત થઈ જશે પામી મારે રે’મ.

વળી આગળ કહે છે :

પાપી સ્ત્રી ને જ્ઞૂદ્રયે ગુણ મારા ગાશે
લેશે મારૂં શરણ તો ઉત્તમ ગતિ થાશે. (સરળ ગીતા અ-૯)

શ્રી કૃષ્ણનાં જમાનામાં શૂદ્ર લોકોને પાપી ગણવામાં આવતા હતા એટલું જ નહીં પણ સ્ત્રીને પણ માયાવી ગણી હડધૂત ગણવામાં આવતી હતી તેથી શ્રી કૃષ્ણનું હૃદય તેઓ તરફ કરૂણા વરસાવી રહ્યું છે. તેઓનો ઉદ્ધાર થવો જ જોઈએ એવું સુધારાવદીનું વલણ પણ જણાયા વિના રહેતું નથી.

૨.  શિષ્યોનું પ્રધાન લક્ષણ દૃઢ મનોબળથી સન્માર્ગે આવ્યા પછી સન્માર્ગને વળગી રહેવાનું હોવું જોઈએ. સન્માર્ગે સ્થિર થવા માટે અથાગ પ્રયત્નોની આવશ્યકતા રહે છે. સન્માર્ગે આવ્યા પછી પણ મન ઘણીવાર ચલાયમાન થઈ જાય છે અને શિષ્ય પતન તરફ જવાની અણી પર હોય છે. છતાં શિષ્ય તે જ સમજુ ને સાચો ઘણાય કે જે ગુરૂએ ચીંધેલા માર્ગને છોડે નહીં. શંકા-કુશંકાઓ પજવે તો પણ સત્યનું સંશોધન કર્યા કરે અને સન્માર્ગને વળગી રહે.

૩. કબીર સાહેબ અંધવિશ્વાસને જરા પણ મહત્વ આપતા જણાતા નથી તેથી તેમણે અહીં બુદ્ધિ પૂર્વકનાં વિશ્વાસની વાત કરી છે. કબીર સાહેબે એક જગ્યાએ સ્પષ્ટ કહ્યું છે કે “જબ લગ માને ન અપની નૈના, તબ લગ માનો ન ગુરૂકી બૈના” અર્થાત્ જ્યાં સુધી આત્મ વિશ્વાસ ન જાગે ત્યાં સુધી ગુરૂની વાણી પણ માનવી નહીં. સંશોધકને છાજે એવું બૌદ્ધિકસ્તર શિષ્યનું હોવું જરૂરી છે.

૪.  સાચો ગુરૂ શિષ્યોમાં અવગુણો હોય છતાં તેને છોડતો નથી. તેને અવગુણો તરફ તે દુર્લક્ષપણ આપતો નથી. શિષ્યના હૃદયમાં સદ્દગુણોની વૃદ્ધિ કેમ વધુ ને વધુ થયા કરે તેની તે સૂક્ષ્મપણે કાળજી પણ રાખતો હોય છે. પણ જે જૂઠો ગુરૂ છે અથવા તો બનાવટી ગુરૂ છે તે તો શિષ્યનો દોષ જોઈને તરત જ તેને ત્યજી દે છે.

૫.  જગતના વિષય પદાર્થોની મોહિનીમાં ફસાયને મોટાભાગના જીવો આખરે મૃત્યુને શરણ થાય છે. સાત્વિક વૃદ્ધિ તરફ તેવા જીવોનું ધ્યાન જતું નથી. સત્વમાં સ્થિર થયા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને સ્વરૂપથી પ્રાપ્તિ થયા વિના અમરતાની પદવી મળતી નથી. જો ગુરૂકૃપા પ્રાપ્ત થાય તો.

જ્ઞાન તને તે આપશે તેથી મોહ જશે,
જગ આખું મુજમાં પછી જોશે આત્મવિશે.
પાપીમાં પાપી હશે કોઈ જગમાં,
જ્ઞાનનાવમાં બેસતાં તરી જશે ભાવમાં. (સરળ ગીતા અ-૪)

આ  જ્ઞાન દ્વારા જ મૃત મટીને અમૃત થવાય.