કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
તિહિ વિયોગતે ભયઉ અનાથા, પરેઉ કુંજવન પાવ ન ૧પંથા
૨બેદૌ નકલ કહૈ જો જાનૈ, જો સમુજૈ સો ભલો ન માનૈ - ૧
૩નટવટ બંદ ખેલ જો જાનૈ, તિહિ ગુનકો ઠાકુર ભલ માનૈ
ઉહૈ જો ખેલૈ સભ ઘટ માંહી, દૂસર કે કિછુ લેખા નાહિ - ૨
૪ભલો પોચ જો અવસર આવૈ, કૈસહૂ કે જન પૂરા પાવૈ - ૩
સાખી : જે કર સર લાગે હિયે, સો જાનેગા પીર
૫લાગૈ તો ભાગૈ નહિ, સુખ સિંધુ દેખી કબીર
સમજૂતી
હે જીવ ! તે શરીરમાં રહેલા રામને જાણ્યા વિના તું અનાથ બની ગયો છે અને સંસાર રૂપી જંગલમાં ભૂલો પડ્યો છે. તેને યોગ્ય માર્ગ મળી શકતો જ નથી. જ્ઞાની પુરૂષો જાણીબૂઝીને વેદને નકલ કહે છે તે સમાજનારા બરાબર થયું છે એવું માનતા નથી. - ૧
જાદુગરની નજર બંધીનો આ તો ખેલ છે એવું જે જાણે છે તે ગુણવાન જીવ પરમાત્માને વ્હાલો લાગે છે. તે જ પરમાત્મા સર્વ શરીરમાં ખેલ કરી રહ્યો છે ત્યાં બીજાની તો શી ગણના ? - ૨
સારા નરસા ગમે તે પ્રસંગો આવે તો પણ ભગવાનનો સાચો ભક્ત કોઈ પણ પ્રકારે પૂર્ણતા પ્રાપ્ત કર્યા વિના રહેતો નથી. - ૩
સાખી : પરમાત્માના પ્રેમનું બાણ જેને વાગ્યું છે તે જ તેની વેદના જાણી શકે. એક વર હૃદયમાં બાણ લાગે તો પરમાત્માથી વિમુખ થવા તે પ્રયત્ન કરતો જ નથી. પરમાત્મા રૂપી સુખ સમુદ્રને જોઈને કબીર જેવા તો તેમાં જ નિમગ્ન બની જાય છે.
૧. સંસાર રૂપી વનમાં ભૂલો પડેલો જીવ પોતાના કલ્યાણનો માર્ગ ગુરૂની મદદ વિના શોધી શકતો નથી એવું કબીર સાહેબ કહેવા માંગે છે.
૨. પરમાત્મ તત્વ અપરોક્ષ ગણાય છે. કારણ કે મન અને વાણી ત્યાં પહોંચી શકતા નથી. વાણીથી પર તત્વનું વર્ણન વેદમાં કરવામાં આવ્યું હોય તો તે પરોક્ષનું જ ગણાય. માટે પરમાત્માની અનુભૂતિ કરનારને વેદો નકલ જેવા જણાય. આ દષ્ટિએ વેદવાણીની આ મર્યાદા જ્ઞાની પુરૂષોને ધ્યાનમાં હોય છે. તેઓ પોતે સ્વાનુભૂતિને આધારે વેદવાણીને મહિમા સમજતા હોય છે ! આ દષ્ટિએ કબીર સાહેબ વેદ વિરોધી હતા એમ કહી શકાય નહીં.
૩. મદારી કે જાદુગરીના ખેલનું રૂપક સૃષ્ટિરચનાનું હાર્દ પણ સમજાવી દે છે. મહર્ષિ બાદરાયણે પણ “લોકવત્ તુ લીલા કૈવાલ્યામ્” નામનું સૂત્ર આપ્યું છે. અર્થાત્ પરમાત્મા લીલા કરીને સંસારની રચનામાં પ્રવૃત્ત થયા. પણ તે દષ્ટિમાં રહેતા નથી, સંસાર જ દષ્ટિમાં રહે છે તે મદારીના ખેલ જેવી ઘટના છે. મદારી નજર બંધી કરી દે છે તેથી જે છે તે દેખાતું નથી પણ બીજું જ કંઈ નજરે પડે છે. પરમાત્મા દરેક શરીરમાં રહીને આવો ખેવ ચલાવ્યા કરે છે. કોઈને પરમાત્મા તરફ પ્રીતિ થતી જ નથી. સૌને સંસાર જ ગમે છે. પરમાત્માને ભૂલી જવાય છે.
૪. એમાં જ પ્રવીણ હોય, દક્ષ હોય, તે ગમે તેવા સમયે કે સ્થળે પરમાત્માને ભૂલતો નથી.
૫. પરમાત્મા તો સુખના સમુદ્ર જેવા છે. આખરે જીવ તો સુખની શોધમાં જ રહેતો હોય છે. પરમાત્માનાં દર્શન થયા પછી કોઈ પરમાત્માથી વિમુખ થઈ શકતું નથી કારણ કે પરમ સુખનો અનુભવ જીવને સતત થયા કરતો હોય છે.
Add comment