Kabir Ramaini Sudha

કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ચલી જાત દેખી એક નારી, તર ગાગરિ ઉપર પનિહારી
ચલી જાત વહ બાટ હી બાટા, સોવ નિહાર કે ઉપર ખાટા  - ૧

જાડન મરૈ સપેદી સૌરી, ખસમ ન ચિન્હૈ ધરણિ ભઈ બૌરી
સાંજ સકાર જ્યોતિ લૈ બારૈ, ખસમ છાંડિ સંવરૈ લગવારે  - ૨

વાહિ કે રસ નિસુ દિન રાચી, પિય સોં બાત કહૈ નહિ સાચી
સોવત છાંડિ ચલી જાય અપના, ઈ દુઃખ અવધૌં કહબકે હિસના  - ૩

સાખી :  અપની જાંઘ ઉઘારી કે, અપની કહી ણ જાય
          કી ચિત જાનૈ આપના, ૧૦કી મેરો જન ગાય

સમજૂતી

એક પાણી  ભરવા જતી હોય તેવી સ્ત્રીને મેં રસ્તામાં દીઠી, પરંતુ તેની નીચે ગાગર હતી અને તે તેના પર બેઠી હોય તેવું જણાયું. તે એક રસ્તેથી બીજે રસ્તે તે જઈ રહી હતી ત્યારે તેને સૂતેલાં લોકો પર ખાટલાં ઢાળેલાં દેખાયા.  - ૧

ત્યારે ઠંડીમાં તે  થરથર ધ્રુજી મરતી હતી જો કે તેની પાસે સફેદ ચાદર તો પાથરેલી પડી હતી !  તે પોતાના સ્વામીને પહેચાનતી નથી પણ તે તો બીજાની જ ઘરવાળી થઈને રહેતી હોય છે. સાંજ સવારે તે નિયમિત દીવો સળગાવી પૂજા જરૂર કરે છે પણ પોતાના સ્વામીને છોડીને બીજા જ ધણીનું ચિંતવન કરે છે.  - ૨

તેના જ પ્રેમમાં રાતદિવસ તે રત રહે છે પણ પોતાના પ્રેમીને પણ તે સાચી વાત કહેતી નથી. પોતાના પ્રેમીને તે સૂતેલો મૂકીને બહાર ચાલી નીકળે છે. અત્યાર સુધી બનતી આ સાચી હકીકતનું દુઃખ પણ કોને કહેવાય ?  - ૩

સાખી :  પોતાની ગુપ્ત વાત જાંઘ ઉઘાડીને તો કહી શકાતી નથી. તે વાત તો ક્યાં તો પોતાનું ચિત જાણે કે ક્યાંતો પોતાનો કોઈ અંગત માનવ જાણે.

૧. આગલી રમૈનીમાં માયા વિશે કબીર સાહેબ કહી રહ્યા હતા તે જ માયાનું કાવ્યાત્મક ચિત્રણ અવળવાણી દ્વારા કબીર સાહેબ આ પદમાં કરી રહ્યા છે.

૨. અંતઃકરણના પ્રતીક ગાગર સમજવું. બ્રહ્મસુખનું નિર્મળ પવિત્ર પાણી ભરવા માટે અંતઃકરણનો ઉપયોગ થાય. પરંતુ આ પનિહારી તો વિચિત્ર જણાય છે. તેને તો ગાગરને ઉંધે મોઢે નીચે મૂકીને તેના પર તે બેઠી હોય તેમ જણાય છે. અર્થાત્ ઉંધે મોઢે પાણી  ભરાય નહીં. મોહની દશા ઉંધી ગણાય. જ્યાં સુધી મોહની સ્થિતિ હોય ત્યાં સુધી પરમાત્માનો પરિચય થાય નહીં અને પરમાનંદનું અમૃત અંતઃકરણમાં ભરાય નહીં.

૩. “બાટ હી બાટા” એટલે રસ્તો બદલતી બદલતી જઈ રહી છે. શાસ્ત્રો કહે છે કે માયા જીવ સાથે આવે છે ત્યારે આકાશ, વાયુ, તેજ, જલ, ભૂમિ ને દેહ એ પ્રમાણે ક્રમશઃ આવે છે. જાય છે ત્યારે ઉલટા ક્રમે ક્રમશઃ જાય છે. દેહ, ભૂમિ, જલ, તેજ, વાયુ ને આકાશ.

૪. મોહનિદ્રામાં સૂતેલાં લોકો પર વાસના રૂપી ખાટલાઓ ઢાળેલાં જણાય છે. એવી સ્થિતિમાં માયાને ફાવટ પણ આવે છે. તેથી જ તે અનેક સ્વરૂપે જીવ સાથે વારંવાર દેહ ધારણ કરીને આવી શકે છે.

૫. “સપેદી” એટલે સફેદ રંગની ચાદર. સફેદ રંગ સત્વગુણ માટે વપરાય છે. પરંતુ સત્વગુણ તો માયાને અનુકુળ આવે જ નહીં. એટલે સફેદ ચાદરનો તે ઉપયોગ કરતી જ નથી. “જાડન” એટલે જડતા. જડતા તમોગુણ માટે વપરાય છે. જડતાની સ્થિતિ તેને ગમે છે. શીતળ હવામાનમાં જડતા વધી શકે તેથી માયા ઠંડીમાં પોતે મરી રહી છે એવો ઢોંગ કરે છે.

૬. “ખસમ” એટલે સ્વામી. પોતાનો મૂળ ધણી. ઈશ્વર, પરમાત્મા એનો મૂળ ધણી તેને તે ભૂલી જાય છે. બીજો જ ધણી તે શોધી લે છે. જેને આપણે સામાન્ય રીતે જીવ કહીએ છીએ. જીવની સાથે ઘરવાળીની જેમ રહેવા લાગે છે.

૭. તે પૂજા-ભક્તિનો ઢોંગ પણ કરે છે. જીવને માનપાન અપાવીને તે પૂજા કરતી હોય તેમ ખુશ રાખે છે. “જ્યોતિ લૈ બા રૈ” એટલે દીવો સળગાવીને આરતી પણ ઉતારે છે.

૮. પોતાના મૂળ ધણીને તો તે ભૂલે જે છે પરંતુ બીજા શોધી કાઢેલા ધણીને પણ નિદ્રાધીન અવસ્થામાં દગો દે છે. જીવને તે અતિ પ્રિય માને છે છતાં તેને પોતાની સાચી હકીકત તો કહેતી જ નથી. તેણે બીજો ધણી કર્યો છે તે તો ગુપ્ત જ રાખે છે.

૯. જીવને વારંવાર તે દગો દે છે છતાં જીવ તેને છોડવા રાજી નથી થતો એ અવદશા દુઃખમયી જ ગણાય. એ દુઃખની ફરિયાદ કરે પણ કોને ?  બધાંની દશા તો સરખી જ હોય છે.

૧૦. “મેરો જન” એટલે પોતાનો સ્વજન. પોતાનો અંગત માણસ. આધ્યાત્મિક અર્થમાં ગુરૂ. ગુરૂને બધી જ વાતની જાણ હોય છે. તેથી તેની આગળ ગુપ્ત તો રાખી શકાય નહીં. વળી તે વાત જાણે છે તેથી ઉગરવાનો રસ્તો પણ ચીંધે છે. છતાં જીવ તે ચીંધેલા રસ્તે વળતો નથી. વારંવાર આ રીતે ગુરૂ શિષ્યને સન્માર્ગે વાળવા પ્રયત્ન કરે છે તે “ગાય” ક્રિયાપદ દ્વારા વ્યક્ત થાય છે. ગાવાની ક્રિયામાં એક જ વાતનું વારંવાર આવર્તન કરવામાં આવે છે.

આ રીતે અવળવાણીનું પદ માયાનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોને સરસ રીતે, વ્યંગ્યાત્મક ઢબે રજુ કરે છે.