કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
તહિયા ગુપુત થુલ નહિ કાયા, તાકે ન સોગ તાકિપૈ માયા
કંવલપત્ર તરંગ એક માંહી, સંગ હિ રહૈ લિપ્ત પૈનાહીં - ૧
આસપોસ અંડન મહ રહઈ, અગનિત અંડન કોઈ કહઈ
૧નિરાધાર અધાર લૈ જાની, રામનામ લૈ ઉચરી બાની - ૨
૨ધરમ કહૈ સભ પાની અહઈ, જાતી કે મન પાની અહઈ
ઢોર પતંગ સરૈ ધરિયારા, તિહિ પાની સભ કરૈ અચારા - ૩
ફંદ છોરિ જો બાહર હોઈ, બહુરિ પંથ નહિ જોહૈ સોઈ - ૪
સાખી : ૩ભરમક બાંધલ ઈ જગ, કોઈ ન કહૈ વિચાર
હરિ કી ભગતિ જાને બિના, બુડિ મુવા સંસાર
સમજૂતી
ત્યાં સૂક્ષ્મ કે સ્થૂળ શરીર પણ ન હતું, ચેતનતત્વને શોક પણ ન હતો ને મમતા પણ ન હતી. પરંતુ જેમ કમળ તરંગથી અલિપ્ત રહે તેમ ચેતન તત્વ માયાથી અલિપ્ત હતું. સંસારમાં તે સાથે રહે છે પણ સંસારથી તે લિપ્ત થતું નથી. - ૧
આશા રૂપી ઝાકળના બિંદુઓ શરીરમાં રહેલા હોય છે. શરીર તો અગણિત પ્રકારના હોય છે. તેની ગણના કોઈ કરી શકતું નથી. નિરાધાર રામને સૌનો આધાર જાણીને વાણી રામનામ લઈને ગુંજી ઉઠી ! - ૨
સૌ કોઈ કહે છે ધર્મ પાણીમાં જણાય છે. ઊંચ નીચના ભેદોવાળા મનમાં પણ પાણીતો છે જ. તે પાણીમાં ઢોર, પતંગ વિગેરે જીવજંતુઓ મરીને પડે છે અને સડી જાય છે. તે જ પાણીથી લોકો સર્વ પ્રકારનો વ્યવહાર કરે છે. - ૩
જે માયાનું બંધન તોડે તે મુક્ત થાય છે તે ફરીથી તેવા માર્ગ પર જવાની ઈચ્છા કરતો નથી. - ૪
સાખી : આખું જગત ભ્રમમાં બંધાયલું છે તેથી કલ્યાણનો કોઈ વિચાર કરતું નથી. હરિની ભક્તિ જાણ્યા વિના આખું જગત સંસારમાં ડૂબી મયું !
૧. પરમાત્મ તત્વને નિરાધાર કહ્યું કારણ કે તેને કોઈના પણ આધારની જરૂર પડતી નથી. આ સૃષ્ટિમાં સર્વને તેનો આધારની જરૂર હોય છે તે તેની વિશેષતા. તેના વડે જ સર્વ કાંઈ ચેતનવંતુ જણાય છે. અરે આ આંખ તેના વડે જ જોઈ શકે છે, આ વાણી તેના વડે જ બોલી શકે છે, આ હૈયું તેના વડે જ ધબકે છે, આ જીવન જ તેના વડે જીવવા જેવું લાગે છે.
૨. પરમાત્મ તત્વ સાથે માયા શક્તિ સ્વરૂપે રહે છે. પરંતુ તે તત્વ માયાના રંગોથી કદી પણ રંગાતું નથી. આ પદની શરૂઆતમાં તેને કમળ સાથે પણ સરખાવ્યું છે. જેમ કમળ કાદવથી અલિપ્ત જ રહે છે તેમ પરમાત્મા તત્વ સંસારની મલિનતાથી અલિપ્ત જ રહે છે. અહીં પાણીનો સંદર્ભ રજૂ કરી કબીર સાહેબે પાણી જેમ નિત્ય પવિત્ર રહે છે તેમ પરમ તત્વ સદૈવ પવિત્ર જ રહે છે એવું પ્રતિપાદિત કર્યું જણાય છે. અનેક પ્રકારના જીવજંતુઓ મરીને અંદર સડી જતા હોંય છે. છતાં તેવા પાણીથી સર્વનો વ્યવહાર ચાલતો હોય છે. કારણ કે પાણી સદા પવિત્ર જ ગણાય છે. તે રીતે આ શરીરમાં ને આ સંસારમાં પરમ તત્વ નિત્ય સ્વરૂપે જ રહે છે.
અહીં પણ પાણીના સંદર્ભને જરા જુદી રીતે પણ સમજી શકાય એમ છે. “જાતી કે મન પાની અહઈ” શબ્દો દ્વારા આ સંસારમાં વર્ણ જાતિના ઊભા કરવામાં આવેલા ભેદોની નિરર્થક્તા પણ સૂચવાઈ છે. વર્ણ જાતિના ઊંચતા ને નીચતાના ભેદોથી આભડછેટની પ્રથા ચાલુ થયેલી. શૂદ્રનાં સ્પર્શથી બ્રાહ્મણ અભડાતો તો તે પાણીથી સ્નાન કરી પોતાની જાતને પવિત્ર થયેલો માનતો. પરંતુ તે પાણીમાં કેટલી બધી મલિનતા ભળેલી હોય છે તેનો તેને ખ્યાલ નથી હોતો. તે તો પાણીને પવિત્ર જ માને છે. આ દષ્ટિએ સૌને પવિત્ર કરવાનો ધર્મ પાણીનો ગણાયો.
૩. આખું જગત આ રીતે કૃત્રિમ ભેદો ઊભા કરીને ભ્રમના બંધનમાં પીડા ભોગવી રહ્યું છે. રામનો આધાર પકડવાથી તે બંધનમાંથી મુક્ત થઈ શકે છે. રામને સર્વનો આધાર માની તેને શરણે રહેવાથી ધીમે ધીમે મન સત્ગુણમાં સ્થિર બનવા લાગે છે અને એક દિવસ તમામ ભેદો ઓગળી જઈ મન પરમ તત્વમાં લીન થઈ શકે છે. પરમ તત્વના પરિચય વિના જે જે આ જગતથી વિદાય લે છે તે સંસારમાં ડૂબી ગયેલું ગણાય છે. મનુષ્ય જન્મનો સોનેરી અવસર નકામો બની જાય છે.
Add comment