કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
બઢવત બઢી ઘટાવત છોટી, પરિખત ખરી ૧પરિખાવત ખોટી
કેતિક કહૌં કહાં લૌં કહી, ઔરો કહૌં પરૈ જો સહી - ૧
કહલ બિના મોહિ રહલ ન જાઈ, ૨બેઢઈ લૈ લૈ કુકર ખાઈ - ૨
સાખી : ખાતે ખાતે જુગ ગયા, બહુરિ ન ચેતે આય
કહંહિ કબીર પુકારિ કૈ, જીવ ૩અચેતૈ જાય.
સમજૂતી
માયા વધારતા વધે છે અને ઘટાડતા ઘટે છે. પોતાને જાતને તપાસ કરતાં સાચી લાગે છે પરંતુ જાણકાર પાસે તપાસ કરાવતાં ખોટી લાગે છે. કેટલું કહું અને ક્યાં લગી કહ્યા કરું ! જોઈને મારી વાત યોગ્ય લાગે તો તેને બીજું પણ કહેવા તૈયાર છું. - ૧
ખરેખર જિજ્ઞાસુ જનને જોઈ મારાથી કહ્યા વિના રહી શકાતું નથી. જુઓને, મસાલેદાર કચોરી કૂતરો ખાય જ કરે છે. - ૨
સાખી : ખાતા ખાતા તો યુગો વીતી ગયા, વારંવાર જન્મ ધારણ કરીને જીવ આવ્યો ખરો પણ ચેત્યો જ નહીં ! એટલા માટે કબીર પોકાર કરીને વારંવાર કહે છે કે સમજ્યા વિના જે જાય છે તે દુઃખદ છે.
૧. આશા, તૃષ્ણા, વાસના અથવા તો માયા જેટલી વધારવી હોય તેટલી વધારી શકાય છે તે આપણા સૌનો અનુભવ છે. પરંતુ ઘટાડવા પ્રયત્ન કરતા નથી એટલે જેટલી ઘટાડવી હોય તેટલી ઘટાડી શકાય છે તે સત્ય સૌને સમજાય. જેણે ઘટાડી હોય અથવા જેને એવો અનુભવ થયો હોય તેને પૂછવાથી આપણને સાચી માહિતી મળે છે. કેટલીકવાર જાતે પ્રયત્ન કરવાથી ભ્રમમાં પડી જવાય છે. હૃદયમાં વિવેક જ્ઞાનની જાગૃતિ ન થાય ત્યાં સુધી કયી ઘટાડવી ને કયી વધારવી તેનુ ભાન પ્રગટતું નથી. તેથી ગીતામાં કહ્યું છે તેમ આપણે જાણકાર પાસે જઈને પૂરેપૂરો લાભ લેવો જોઈએ.
અનુભવવાળો હોયે જે જ્ઞાની તેમ જ હોય,
તેને નમતાં સેવતાં પૂછ પ્રશ્ન તું કોય.
જ્ઞાન તને તે આપશે તેથી મોહ જશે,
જગ આખું મુજમાં પછી જોશે આત્મા વિશે.
૨. ‘બેઢઈ’ એટલે સ્વાદિષ્ટ વાનગી કે જેમાં વિધ વિધ પ્રકારના તેજાનાઓ અને મસાલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. સારું લાગે એટલે ખવાય જાય પણ તે તો પ્રતિકુળ હતું તેનું ભાન રહે નહીં. તે દશા કૂતરા જેવી ગણાય. બુદ્ધિશાળી તો અનુકુળ હોય તો પણ અલ્પ પ્રમાણમાં જ લે છે.
૩. મનુષ્ય યોનિ એ ભોગયોનિ નથી પણ ભોગમાં ડૂબી રહેવાથી માનવ જન્મ નો પૂરેપૂરો લાભ લઈ શકાતો નથી, પરિણામે મનુષ્ય યોનિ ભોગયોનિ જ છે એવી રીતે વેડફી દેવામાં આવે છે તેથી કબીર સાહેબ તેવી મનોદશાને “અચેત” કહીને વર્ણવે છે. સ્વરૂપ તરફ લક્ષ જાય તો સચેત દશા કહેવાય. યોગવાસિષ્ટમાં પણ કહ્યું છે કે
નષ્ટાત્મસ્થિતયો ભોગવાહિમહ્મીષુ પ્રજવલન્ષ્યલમ્ |
દેવા દિવિ દવેનાદ્રૌ દહ્યમાના દ્રુમા ઈવ || (૬-૨-૯૭/૨૭)
અર્થાત્ આત્મામાં સ્થિતિ ન કરવાથી સ્વર્ગમાં દેવો પણ પર્વત પર જંગલમાં દવ લાગે ને વન બળે તેમ ભોગરૂપી અગ્નિમાં બળી રહ્યા છે.
Add comment