કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
છત્રી કરઈ ૧છત્રિયા ધરમા, વાકે બષઈ સવાઈ ૨કરમા
જિન અવધૂ ગુરૂ જ્ઞાન લખાયા, તાકર મન તહાં લે ધાયા - ૧
૩છત્રી સો જો કુટુમસે જૂઝે, પાંચૌ મેટિ એક કૈ બૂઝૈ
જીવૈ મારિ ૪જીવહિં પ્રતિપાલૈ, દેખત જન્મ આપનો હારૈ - ૨
હાલૈ કરૈ નિસાને ૫ઘાઉ, જૂઝિ પર જહાં મન્મથ રાઉ - ૩
સાખી : મનમથ મરૈ ન જીવઈ, જીવહિં મરન ન હોય
૬સુન્ન સનેહી રામ બિનુ, ચલે અપનપૌ ખોય
સમજૂતી
ક્ષત્રિય લોક પ્રણાલિકાગત ક્ષત્રિય ધર્મનું બરાબર પાલન કરે તો તે લોકોનું સત્કર્મ સવાયુ બને છે. જે વિરકત ગુરૂની પાસેથી જ્ઞાનનો ઉપદેશ લીધો હોય તેની તરફ જ મન તો દોડ્યા કરે છે. - ૧
ખરેખર ક્ષત્રિય તો તે છે કે જે મમતાના રંગે રંગાયલા પોતાના કુટુંબી જેવા ગણાતા મન તથા ઈન્દ્રિયોની સાથે ઝઝૂમે છે અને પાંચે ઈન્દ્રિયોની સત્તાને મટાડી એક આત્માની સત્તાને સમજે છે. બીજા જીવોને મારીને પોતાના જીવતું જે રક્ષણ કરે છે તે તો પોતાનો મળેલા મનુષ્ય જન્મને હારી જ જાય છે. - ૨
તેથી સાચો ક્ષત્રિય તો તે જ ગણાય કે જે સત્વરે પોતાના આત્માના વિરોધી ગણાતા શત્રુઓને ઘાયલ કરી દે છે અને જ્યાં રાજા કામદેવનો પ્રભાવ હોય ત્યાં યુદ્ધ કરી લે છે. - ૩
સાખી : કામદેવ જો મરી જાય અને જીવિત થાય જ નહીં તો આ જીવનું મરણ પણ કદી થતું નથી પરંતુ કામદેવ ન મરે તો તુચ્છ વિષય પદાર્થોમાં સ્નેહકરીને પરમાત્માસ્વરૂપ રામની પ્રાપ્તિ વિના પોતાના સ્વરૂપને ભૂલીને જન્મમરણના ચક્રમાં જીવ ચાલ્યા કરે છે.
૧. રૂઢિગત ક્ષત્રિય ધર્મની દૃષ્ટિએ ક્ષત્રિય રાજાએ પડોશી રાજાઓને શત્રુ ગણી તેને યેનકેન પ્રકારે જીતી લેવો જોઈએ અને પ્રજાના સુખને માટે સુવ્યવસ્થા કરવી જોઈએ. અઢારમાં અધ્યાયમાં ક્ષત્રિયોના કર્મ બતાવતા ગીતા કહે છે
શૂરવીર ને ચપળ ને તેજસ્વી બનવું,
ધીરજ ધરવી, યુદ્ધથી પાછા ન ફરવું.
દાની બનવું, શ્રેષ્ઠતા ભાવ સદા ધરવો,
એ ક્ષત્રિયનાં કર્મ છે, દયાભાવ ધરવો. (સરળ ગીતા અ-૧૮)
૨. “સવાઈ કર્મ” એટલે કર્મનું બંધન વધે તે. ક્ષત્રિયનાં કર્મ કરી રાજા સત્કર્મનાં વધારો કરે છે. સત્કર્મને પુણ્યની દષ્ટિએ વર્ણવવામાં આવે છે. તેથી સ્વર્ગાદિ સુખ પણ પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે. પરંતુ તે સુખનો પણ એક દિવસ અંત આવે છે અને ફરીથી જીવે જન્મ તો લેવો જ પડે છે.
૩. કબીર સાહેબ સાચા ક્ષત્રિયનું વિશિષ્ટ રીતે વર્ણન કરે છે. રૂઢિગત ક્ષત્રિય ધર્મનું પાલન કરવાવાળા ક્ષત્રિયથી તે જુદી જ રીતે વિચારે છે ને વર્તે છે. “કુટુમસે” શબ્દ પોતાના ગણાતા માણસો સાથેના મમતાના બંધનનું સૂચન કરે છે. શરીરમાં મન અને ઈન્દ્રિયોનો સમૂહ તે કુટુંબ. જીવ તેની સાથે મમતા કરીને રહે છે. પરંતુ સાચો ક્ષત્રિય પોતાના કુટુંબ સાથે મમતા કરતો નથી બલકે તેની સાથે યુદ્ધ કરે છે. યુદ્ધ કરીને શરીર પર ચાલતા મન તથા ઈન્દ્રિયોનાં પ્રભાવને નહીવત્ કરી આત્માની પ્રભાવને વધારે છે. પોતાનો દેહભાવ ઓછો કરી આત્મભાવ વધારે છે. પોતાના મન તથા ઈન્દ્રિયો સાથે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરવો ને સાચા ક્ષાત્રયનું લક્ષણ છે.
૪. સામાન્ય રીતે ક્ષત્રિયો હિંસક ગણાય છે. તેઓ યુદ્ધમાં અનેકનો સંહાર કરાવી વિજય પ્રાપ્ત કરે છે ને સુખી બનવા પ્રયત્ન કરે છે. બીજાનો સંહાર કરી પોતાના જીવનું રક્ષણ કરવાની રીત ઉત્તમ ક્ષત્રિયની ન ગણાય. તેવી રીતથી તો તેના કર્મનાં બંધનો વધી જાય છે અને પરિણામે જન્મમરણનાં દુઃખથી મુક્ત થવાતું નથી. દેખીતી રીતે મનુષ્ય જન્મ પ્રાપ્ત થવાને કારણે તેને સોનેરી તક મુક્ત થવા માટે મળતી હોય છે. પરંતુ ઉત્તમ ક્ષત્રિય હોય તે જ તકને સાધી શકે છે. બીજા ક્ષત્રિયો તો જીવનની બાજી હારી જાય છે. માટે જીવનની બાજી જીતવા માટે સાચા ક્ષત્રિય થવાની જરૂર પડશે.
૫. બાણ મારતી વખતે નિશાન ચૂકી જવાય તો શત્રુ બચી જાય છે અને ઘણી વાર શત્રુ તેના પર વિજય પ્રાપ્ત કરે છે. સાચો ક્ષત્રિય નિશાન ચુકતો નથી. ઉપનિષદ પણ એવી જ શીખામણ આપે છે.
પ્રણવો ધનુ: શરો હિ આત્મા બ્રહ્મ તલ્લક્ષ્યમુચ્યતે |
અપ્રમત્તેન વેદ્ધવ્યં શરવત્ તન્મયો ભવેત્ ||
અર્થાત્ ઓમ ધનુષ્ય છે અને આત્મ બાણ છે. તેનું લક્ષ્ય બ્રહ્મની પ્રાપ્તિ છે. એકદમ સાવધાન થઈને લક્ષ્યને વીંધી નાંખવું જોઈએ અને બાણ લક્ષ્યમાં તન્મય થાય તેમ તન્મયતા પ્રાપ્ત કરવી જોઈએ.
૬. જે લક્ષ્ય સાથે તન્મય ન થાય તે જીવનની બાજી હારી જાય છે. મન આત્મા સિવાય બીજા પદાર્થોમાં તન્મય થઈ જવાથી શરીરમાં રહેલા પરમાત્મા સ્વરૂપ તરફ ધ્યાન જતું નથી. “સુન્ન સનેહી” એટલે પરિવર્તનશીલ નાશવંત પદાર્થોની પ્રાપ્તિ માટે જ સદાયે ઝંખતો જીવ. તે મન પર વિજય મેળવી શકતો નથી. પરિણામે મૃત્યુલોકમાં તેની આવન જાવન ચાલુ જ રહે છે.
Add comment