કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અમૃતનું આચમન
શ્રી યશવંત શુકલ
દક્ષિણ ગુજરાતમાં વસતા પાટીદારોનો એક નફો કબીરપંથી છે અને તે ભક્ત સમાજને નામે ઓળખાય છે. એ જાણીને ગુજરાતના સમાજજીવનમાં મધ્યકાલીન સાધનાધારાના એક પ્રવાહે કેવું પરિવર્તન આણી દીધેલું તેની પ્રતીતિ થાય છે. આ પાટીદારો પૈકી ઘણાની અટક પણ ભક્ત હોય છે અને ભક્ત સમાજનાં બધાં સભ્યો પરસ્પરને મળે ત્યારે ‘રામકબીર’ બોલીને પોતાનો હેતભાવ પ્રગટ કરે છે. બારડોલીમાં થોડાક મહિના ઉપર ભક્ત સમાજનું સંમેલન મળેલું ત્યારે આ સમાજના પ્રત્યક્ષ દર્શનનો સુયોગ મળેલો, તે વખતે જેમનો પરિચય લાભ પામ્યો તેમાં આ ‘કબીર રમૈની સુધા’ના સંપાદક શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ પણ હતા. પણ ત્યારે મને ખબર નહિ કે કબીર સાહેબની રમૈનીઓનું સંપાદન થવાનું છે, અમેરિકાનો શ્રી રામકબીર ભક્ત સમાજ તેનું પ્રકાશન કરવાનો છે. અને આ પ્રકાશન માટે મારે પુરોવચન પણ લખી દેવાનું છે. મારા અધિકાર કરતાં ભક્ત સમાજના મિત્રોનો સ્નેહ મને આ લખવા પ્રેરે છે. એ મારે આરંભમાં જ કહી દેવું જોઈએ.
કબીરની આગળ રામ શબ્દ મુકવાનું ઔચિત્ય તો એ સમજાય છે કે કબીરવાણીમાં રામ શબ્દ વારંવાર પ્રયોજાતો રહ્યો છે. કબીર સાહેબ રામાનંદના શિષ્ય હતા એ વાત બાજુ પર મુકીએ અને ઠેસ વાગતા ‘રામ’નો ઉદ્દગાર નીકળ્યો એ કિવદંતીના તથ્ય ચર્ચા પણ ન કરીએ. કબીરવાણીના મરમી વિદ્વાન સ્વ. ક્ષિતિ મોહન સેન એ કિવદંતીનું તથ્ય સ્વીકારવાના મતના નથી - જેમ કબીર સાહેબ માતાના ગર્ભવાસમા ઉછર્યા નહોતા કે અવતર્યા પછી એમને તળાવકાંઠે બ્રાહ્મણ માતાપિતાએ મુકી દીધાં હતા વગેરે કિવદંતીઓને પણ અનેક વિદ્વાનો કપોલકલ્પિત માને છે. એ એક હકીકત છે કે કબીર સાહેબ જન્મે મુસલમાન પીંજારા હતા, અને એજ હકીકત ભારતની આધ્યાત્મિક સાધના ધારાનું અસાધારણ દૈવત પ્રગટ કરે છે. ભારતના મધ્યકાલીન સંતોમાં અનેક સંતો એવા થઈ ગયા, જેઓ કહેવાતી ઉચ્ચ વર્ણના નબીરાઓ ન હતા. રવિદાસ મોચી હતા, દાદુ વણકર હતા, નામદેવ દરજી હતા. હજી વધારે દષ્ટાંતો આપી શકાય, પણ આટલા પૂરતા થશે. આ સંતોએ જે આધ્યાત્મિક ઉચ્ચતા ખીલવી તેણે પુરવાર કરી આપ્યું કે આત્માને નાતજાત કે ઊચનીચ ભાવ નથી હોતા અને સત્યનો ઉન્મેષ જેના અંતરમાં સત્યને પામવાની વ્યાકુળતા હોય તેની ચેતનામાં પ્રગટી શકે છે. કબીર સાહેબને આ સંદર્ભમાં મૂલવીએ તો ભારતની ચેતનાને સમૃદ્ધ કરવામાં અને જન હૃદયમાં ઉદર જીવનમૂલ્યો સીચવામાં તેમનો કેવડો મોટો ફાળો હતો તે સમજાશે. આજે જ્યારે દુનિયા નાની થતી આવે છે ત્યારે ધર્મનું પ્રાણતત્વ એ જમાનામાં કેવું નીખરી આવ્યું હતું તેનો ખ્યાલ કરતાં વિસ્મય થાય છે. ધર્મની આધુનિક વિભાવનાને જાણે કબીર સાહેબ, દાદુ, રવિદાસ આદિ સંતોની વાણી તાળી આપે છે. સાથે સાથે એ પણ સમજાય છે કે વેદ ઉપનિષદ, તંત્રો, અને મધ્યકાલીન ધર્મધારાનો એક સંળગ પ્રવાહ જાણે કે ભારતમાં વહેતો રહ્યો છે. ભારતીય ધર્મ ભાવનાની આજ વિશેષતા છે, ભલે પછી અનેક સાંપ્રદાયિક, આળપંપાળો ભોળાં શ્રદ્ધાળુ નરનારીઓને વીટળાઈ વળી હોય અને તેમને આધાર અને આશ્વાસન પૂરાં પાડતી હોય.
કબીરના સંતત્વોનો મહિમા એવડો મોટો હતો, તેમની વાણીનું ઓજસ અને વિચારની વિલક્ષણતા એ પ્રકારના હતાં કે જગોજગ તેના પડઘા ઉઠેલા અને કબીર સાહેબની પોતાની રચનાઓને તેમને નામે ચઢેલી અન્યની અઢળક રચનાઓની છૂટી પાડવામાં સંશોધન મૂલક પરિશ્રમ કર્યા વિના છૂટકો થાય તેમ નથી. જ્યારે મુદ્રણકળા નહોતી અને ઘણું ખરું સાહિત્ય કર્ણ પરંપરાને આધીન રહતું ટે જમાનામાં જીવી ગયેલા કબીર સાહેબ નિરક્ષર હતા કે નહિ એ નવરાઓના પ્રશ્ન ભલે ચર્ચાતો રહે, પણ એક વાત નિર્વિવાદ છે કે કબીર સાહેબ ‘બહુશ્રુત’ હતા. એટલે કે અનેક સંતોની ધાર્મિક વાણીનો અને તેમની પૂર્વેના ભારતીય ધર્મ સાહિત્યની પરંપરાનો સંસ્કાર તેમની ચેતનાઓ ઝીલ્યો હતો. તેમ છતાં તેમની નિજી ધર્મ ભાવના તારવવી અઘરી નથી.
કબીર સાહેબની શ્રદ્ધા લાગલી પરમ તત્વમાં આરોપી છે અને સૃષ્ટિ રચના થવા પૂર્વે જે તત્વ વિલસતું હતું, જે સર્વ સૃષ્ટ પદાર્થોનું આદિ કારણ છે તેની સાથે એમણે સંબંધ જોડ્યો છે. પરિણામે પોથાંથોથાં વ્રત, પૂજા, તીરથ, યાત્રા, શાસ્ત્રો, પુરાણો, મંદિર, મસ્જિદ, માતા, મહાદેવ, બધું તેમને મતે મિથ્યા આળપંપાળ છે. જો પરમ તત્વ સાથે જ સંબંધ જોડ્યો હોય તો વિશ્વનું જે આદિ કરણ છે તે જ આપણી પોતાની ઉત્પતિનું પણ કારણ છે. તે અને આપણે જુદાં નથી. એ કક્ષાએ અખો કહે છે તેમ ‘ધ્યાતા ધ્યેય સમરસ વહે’.
આ તત્વને મતે પોતાનાં પદોમાં કબીર સાહેબ, રામ, સારંગપણિ વગેરે શબ્દો પ્રયોજતા દેખાય તો ધાર્મિક પરંપરામાંથી તેમણે ઉપાડેલા શબ્દો સામાન્ય જનોની સમજને પુષ્ટ કરવા માટેની લીલા છે એમ જ સમજવાનું છે. કબીરનો ‘રામ’ એ દશરથ પુત્ર નથી પણ સામાન્ય લોકોએ જેનામાં દેવત્વનું આરોપણ કર્યું છે, તેનામાં પરમ તત્વનું આરોપણ કરીને કબીર સાહેબ લોકોની શ્રદ્ધાનો સહારો લે છે. બાકી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ શ્રેષ્ઠ કોટિના પુરાણોક્ત દેવો પણ માયામાં લપેટાયેલો છે એમ કહેતાં કબીર સાહેબને કશો સંકોચ નડ્યો નથી. હિંદુ ધર્મની પુરાણ કથાઓનો નિર્દેશ કરીને પણ તેઓ સ્થાપે છે તો પોતાનો જ વિશિષ્ટ મત.
જે કબીર સાહેબનાં ગીતો, ભજનો અને અન્ય પદોમાં પડેલું છે તે જ આ સંપાદનમાં સમાયેલી ૮૪ રમૈનીઓમાં પણ પડેલું છે. બીજક અને રમૈનીઓ નિઃસંશય કબીર સાહેબનું પોતાનું રચેલું પ્રમાણભૂત સાહિત્ય છે એવો વિદ્વાનોનો સર્વ સામાન્ય મત છે, એ જોતાં રમૈનીઓ તરફ વિદ્વદ્વર્ગનું અને લોકોનું સવિશેષ ધ્યાન જવું ઘટે છે. આ દષ્ટિએ આ પ્રકાશન રમૈનીઓને લોકસુલભ બનાવવાનોઉપકારક હેતુ સિદ્ધ કરે છે.
રમૈનીઓનો બીજકમાં જ સમાવેશ થયો છે. એમાં ૮૪ રમૈનીઓ છે જો કે પ્રમાણભૂત રમૈનીઓની સંખ્યા વીસેક જેટલી છે એમ કહેવાથી માંડી કેટલાક વિદ્વાનોએ ૧૨૦નો આંકડો પણ ઠરાવેલો છે. તેમ છતાં આ સંપાદનમાં મુકાયેલી ૮૪ રમૈનીઓ અત્યંત પ્રમાણભૂત છે એવા મોટા ભાગના વિદ્વાનોના અભિપ્રાયનો આશ્રય યોગ્ય થશે.
રમૈનીઓ ૧૬ માત્રાના ચોપાઈ છંદમાં રચાયેલી છે અને આઠેક રમૈનીઓને બાદ કરતાં બધી રમૈનીઓને અંતે દોહરામાં રચાયેલી સાખી મૂકેલી હોય છે. આ સાખીઓ મૂકવાનું રહસ્ય એ છે કે જાણે કોઈ ત્રાહિત વ્યક્તિએ રમૈનીઓ રચી દીધેલી હોય એવો આભાસ પેદા થાય. અર્થાત્ રમૈનીના વક્તવ્યને પરિપુષ્ટ કરવા માટે કબીરની સાખી અથવા સાક્ષી ટાંકવામાં આવેલી હોય એવો આ રૂપરચનાનો સંકેત છે. આ કેવળ ટેકનીક છે, ગમત છે. બાકી રમૈનીઓનું સમગ્ર કર્તૃત્વ કબીર સાહેબનું જે છે એમાં શંકા નથી.
બીજક એ જો કબીરજીની પ્રમાણભૂત રચના છે તો ખુદ બીજકમાં કબીરજીએ સખીઓને સૌથી અધિક પ્રમાણભૂત ગણવાની વ્યવસ્થા કરેલી છે કેમ કે બીજકની પોતાની પ્રમાણભૂતતા માટે રમૈનીઓની સખીઓનો હવાલો આપવામાં આવ્યો છે એટલે કે કબીરજીના સિદ્ધાંતોની સૌથી આધારભૂત જાણકારી મેળવવાનું સાધન સખીઓ છે.
આટલી ભૂમિકા પછી રમૈની શબ્દનો અર્થ શો હશે તેની ચર્ચા કરવી પ્રસ્તુત થશે. રમ્ ધાતુ ઉપરથી રમૈની શબ્દ કબીરજીએ પ્રયોજ્યો હશે કે એમના ઉપર પડેલી વિવિધ ભાષાઓની સંસ્કાર છાયાઓમાંથી આ શબ્દ એમેન સૂઝી ગયો હશે તે કહેવું કઠણ છે. શ્રી ઈશ્વરભાઈ પટેલે ‘રમૈની’નો અર્થ ‘સ્તુતિ’ એવો ઘટાવેલો છે અને એ માટે એમણે ૪થી રમૈનીનો હવાલો પણ આપેલો છે. એમના વિશેષ સમર્થનમાં ૫૧મી રમૈનીનો પણ નિર્દેશ કરી શકાશે, ત્યાં તો ‘રમૈની’નો અર્થ ચોકખો ‘સ્તુતિ’ જ બેસી જાય છે. સંભવ છે કે કવિ અખો જેમ છ ચરણની પોતાની ચોપાઈઓને છપ્પા કહે છે. અને તેમાં પણ વિવિધ ખંડો પાડી તેને ‘અંગ’નું શીર્ષક આપે છે, અથવા ભોજો પોતાનાં પદોને ‘ચાબખા’ કહે છે તે પ્રમાણે કબીરજીએ જેમ મનમાં સ્ફુરતું જાય તેમ કહેવાતું જાય એ પ્રકારની મુક્ત અભિવ્યક્તિ માટે ‘રમૈની’ શબ્દનો આશ્રય લીધો હોય એ પ્રમાણે વિચારીએ તો ‘રમૈની’નો અર્થ ‘રમણ’ પણ લઈ શકાશે. વિદ્વાનોએ વિના ચર્ચાએ સહજ ભાવે આ શબ્દ સ્વીકારી લીધો છે તેથી સહેજે એવું અનુમાન બંધાય કે ‘રમૈની’ એટલે ‘મનની મોજ’ એવો અર્થ અભિપ્રેત હશે.
કબીરજીએ પ્રારંભે જે મૂળ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે તે તત્વજ્ઞાનનો પણ મૂળ પ્રશ્ન છે. આ સઘળું ઉત્પન્ન થયું તેની પહેલાં કોની હસ્તી હતી ? તે જ પરમ તત્વ, પરમાત્મા, વિશ્વનું આદિ કારણ, સરજનહાર છે અને એ શબ્દથી વર્ણવ્યો જાય તેમ નથી.
આ જે કંઈ ઈન્દ્રિયો કે મનથી અનુભવાય છે તે ભંગુર છે, માયાની નીપજ છે, અને એને જ વાસ્તવિક ગણીને ચાલનારા ભવાટવિમાં અટવાય છે. વિવિધ પેરે, ફરી ફરીને, આજ વાત ઉપર કબીરજી ઠોક પાડે છે.
નારી એક સંસાર હિ આઈ,
માય ન વાકે બાપ હિ ભાઈ
ગોડ ન મુડ ન પ્રાણ અધારા,
તામહ ભમરિ રહા સંસારા (રમૈની - ૭૨)
આ રમૈનીને અંતે જે સાખી મૂકેલી છે તેમાં કબીરજી અવળવાણીનો આશ્રય લે છે.
મૂસબિલાઇ એક સંગ, કહુ કૈસે રહી જાય,
અચરજ સંતો, દેખહુ, હસ્તી સિંઘહી ખાય.
માયાને છેડા ફાડી આપી લાગેલું આત્મતત્વ જ જો ધ્યાન વિષય બનવાનું હોય તો આ સંસારના ભેદમૂલક વ્યવહારો આપોઆપ મિથ્યા ઠરે. જ્યાં હું-તું નો ભેદ ટકવાનો ન હોય ત્યાં અહંકાર ઊભો જ રહી ન શકે અને સર્વત્ર અભેદની-પ્રેમની-જ પ્રતીતિ થાય. તો પછી હિંદુ, મુસ્લિમ, બ્રાહ્મણ, ભંગી એવા ભેદ તો ટકી શકે જ નહિ, રમૈની-૬૨માં કબીરજીએ ભેદમૂલક આળપંપાળોની ભારે ઠેકડી ઉડાવી છે.
કબીર સાહેબની ભાષા લાઘવ્યુક્ત, મર્માળી અને તેજસ્વી હોવાથી એની ભારે ચોટ અનુભવાય છે. પ્રાસરચના તેમને સહજ છે. ચોપાઈમાં જાણે તેઓ ભાવાવેશમાં આવી ને અર્ધોક્તિઓથી સર્જન કરતાં હોય એમ સમજાય છે. આથી સંપાદકને ભાવાનુવાદમાં વચ્ચે કૌંસમાં અર્થવિસ્તાર કરીને પૂર્ણ અર્થ પ્રગટાવવા વિશેષ પ્રબંધ કરવો પડ્યો છે. કદાચ કબીરજી પોતાના શ્રોતાઓની સમજણને ઉદારતાથી ઘટાવી લેતા હોય એમ પણ બને. રમૈનીઓમાં તેઓ ભૂમિકા આપે છે. અને સાખીઓમાં તેઓ પોતાનો નિષ્કર્ષ આપે છે. આમ રમૈનીઓની સાખીઓનું અસાધારણ મહત્વ પ્રતીત થાય છે. જાણે કે આખી ચર્ચાને કબીરજી સાખીઓમાં વાળી લેતા ન હોય. એમણે પોતે જ અન્યત્ર આ સખીઓનો મહિમા કર્યો છે. એ જો ધ્યાનમાં લઇએ તો સખીઓ વિના રમૈનીઓ અપૂર્ણ રહી જાય.
કબીરજી અચ્છા કટાક્ષકાર છે એ તો રમૈનીઓથી પણ સમજાય છે, આપણા કવિ અખા ઉપર આ બાબતમાં કબીરજીનો પ્રભાવ હોય તો તે અશક્ય નથી.
કબીરજી જપ, તપ, વ્રત, પૂજા, પાઠ, હોમ, હવન આદિ બાહ્યોપચારનો ઉપહાસ કરતાં લાગે, એના મિધ્યાત્વ ઉપર હથોડા લગાવતા લાગે, તો પણ પરમાત્મતત્વ સાથે હૃદય મનને જોડવા માટે નામસ્મરણનો તેઓ ઓછો મહિમા કરતાં નથી. મનુષ્યને ભાષા વર્યા પછી સંજ્ઞાઓ વિના તેને ચાલ્યું નથી. અને પરમાત્મ તત્વનું જે કંઈ વર્ણન કરીએ તેમાં અધૂરપ તો આવે જ, કેમકે એ સ્વયં અવર્ણ્ય છે. તેમ છતાં વ્યવહાર અને ભાષાકીય સંજ્ઞાઓ જો માણસને વળગ્યાં જ છે તો કબીરજી રામ શબ્દ વારંવાર પ્રયોજીને સાધકોને માર્ગ સરળ આપે છે. જો કે તેઓ પોતે તો સાથો સહજ સમાધ ભલીમાં અનુરક્ત છે.
આ રમૈનીઓનો ભાવાર્થ સરળ ગુજરાતીમાં સામેના પાનામાં આપવો અને અધિક વિવરણ પાદટીપોમાં કરવું એ પદ્ધતિ સંપાદકે સ્વીકારી હોવાથી સામાન્ય શ્રેયાર્થી વર્ગને અને જિજ્ઞાસુઓને બંનેને કબીરવાણીનો લાભ મળી શકશે. કબીરજીની વાણીનો ભાવાર્થ આપવામાં સંપાદકે શબ્દ ને વળગી રહેવા કરતાં અંદરનો ગૂઢાર્થ પ્રતીત કરાવવા ઉપર સવિશેષ ધ્યાન આપ્યું છે. પાદરીપોનાં વિવરણો એકંદરે ભાષ્યરૂપ છે અને સંપાદકની પોતાની વિદ્વતા અને સૂઝ એમાં પ્રગટ થાય છે. તુલનાત્મક અધ્યયનનો એ ઉત્તમ પરિપાક બની રહે છે. કેમકે એમણે વેદ, ઉપનિષદ ગીતા વગેરેમાંથી આધારો આપીને કબીરસાહેબનું મનોગત પ્રગટ કર્યું છે આમ એમની પોતાની શ્રદ્ધા ભક્તિનું શ્રેષ્ઠ ફળ એમણે જિજ્ઞાસુઓને ધર્યું છે.
ઉચિત રીતે જ સંપાદકે સંગ્રહનાં નામકરણ માટે ‘કબીર રમૈની સુધા’ શબ્દનો પ્રયોગ કર્યો છે. કબીરવાણીનું અમૃત પણ કરવા માટેનું ઈજન જાણે કે શ્રેયાર્થીઓનું અમણે આપ્યું છે. શ્રેયાર્થીઓ આ તક નહિ જ ચૂકે એમ માનીએ.
Add comment