Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સંતો, જાગત નીંદ ન કીજૈ !
કાલ ન ખાય કલપ નહિ વ્યાપૈ, દેહ જરા નહીં છીજૈ !  - ૧

ઉલટ ગંગ સમુદ્ર હી સોખૈ, સસિ ઔ સૂરહિ ગ્રાસૈ
નવ ગ્રહ મારિ રોગિયા બૈઠે, જલ મહ બિંબ પ્રકાસૈ  - ૨

બિનુ ચરનનકો દહુ દિસિ ધાવૈ, બિનુ લોચન જગ સૂઝૈ
સસૈ ઉલટિ સિંધ કહ ગ્રાસૈ, ઈ અચરજ કો  બૂઝૈ  - ૩

ઔંધે ઘડા નહીં જલ બૂડૈ, સૂધે સો જલ ભરિયા
જિંહિ કારન નલ ભીંન ભીંન કરુ, ગુરુ પરસાદે તરિયા  - ૪

પૈઠિ સભામહ સબ જગ દેખૈ, બાહર કિછુઉ ન સૂઝૈ
ઉલિટા બાન પારધિહિ લાગૈ, સૂર હોય સો બૂઝૈ  - ૫

ગાયન કહૈ કબહૂં નહિ ગાવૈ, અનબોલા નિત ગાવૈ
નટ નટ બાજા પેખનિ પેખૈ, અનહત હેત બઢાવૈ  - ૬

કથની બદની નિજુકૈ જો હૈ, ઈ સબ અકથ કહાની
ધરતી ઉલટિ અકાશ હિં બેધૈ, ઈ પુરુષન કી બાની  - ૭

બિના પિયાલે અમૃત અંચવૈ , નદિય નીર ભરિ રાખૈ
કહંહિ કબીર સો જુગ જુગ જીવૈ, રામ સુધારસ ચાખૈ  - ૮

સમજૂતી

હે સંતજનો, હંમેશા જાગૃત રહો !  ઉંઘો નહિ !  જ્ઞાન રૂપી જાગૃતિ રાખવાથી કાળ ખાય શકતો નથી અને પ્રલયનું દુઃખ પણ પ્રાપ્ત થતું નથી. ફરીથી દેહ જ પ્રાપ્ત ન થતો હોવાથી વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ક્યાંથી હોય શકે ?  - ૧

ઉલટું જ્ઞાન રૂપી ગંગા સંસાર રૂપી સમુદ્રનું શોષણ કરી લે છે, સૂર્ય નાડી અને ચંદ્ર નાડીને ગ્રસી લે છે તથા (પાંચ પ્રાણ અને ચાર અંતઃકરણ રૂપી) નવગ્રહ પર અંકુશ પ્રાપ્ત થઈ જતો હોવાથી (સંસારમાં રહ્યા છતા સંસારી પણ) હૃદય રૂપી શુદ્ધ પાણીમાં સચ્ચિદાનંદ પ્રતિબિંબનો અનુભવ કરી શકે છે.  - ૨

એવા અનુભવથી જીવ પગ વિના દશે દિશામાં ગતિ કરી શકે છે અને સમસ્ત જગતનું આંખ વિના દર્શન કરી શકે છે, વળી ચિત્ત શુદ્ધ થઈ જવાથી મન રૂપી સસલું અહંકાર રૂપી સિંહને ગ્રસી જાય છે એ આશ્ચર્ય તો કોણ સમજી શકે ?  - ૩

ઉંધો ઘડો પાણીમાં ડૂબી શકે નહીં અને પાણી ભરી શકાય નહીં. સીધા ઘડામાં જ પાણી ભરી શકાય. (જ્ઞાન રૂપી) જાગૃતિ અવસ્થામાં મન આત્મ પરાયણ રહેતું હોવાથી સર્વ વ્યાપક બ્રહ્મનો અનુભવ કરી શકે છે. અજ્ઞાન રૂપી નિદ્રામાં તો ભિન્નતાનો જ અનુભવ થઈ શકે. તેથી ગુરુ કૃપાથી જ સંસાર તરી શકાય છે.  - ૪

શૂરવીર (જ્ઞાની) હોય તે સમજી શકે છે કે આત્મજ્ઞાની પોતાના હૃદયમાં સ્થિર થઈને સમસ્ત જગતને જોઈ શકે છે અને પોતાના સ્વરૂપથી પૃથક તેને કાંઈ જ બહાર સૂઝતું નથી. સંસારથી વિમુખ બનેલી મનોવૃત્તિ આત્મમય બની જતી હોય છે જેમ પારધીયે છોડેલું બાણ પારધીને જ વાગે છે તેમ.  - ૫

આત્મ જ્ઞાની ગાવાનું કહે તો કદી ગાતો નથી. તે તો મૌન રહીને જ સત્યનું ગાન ગાયા કરે છે. ખેલ બતાવવાવાળો જેમ ખેલને મિથ્યા માને છે તેમ તે જ્ઞાની પુરૂષ સંસારને મિથ્યા માની (અનહદ) વિભુમાં પ્રીત વધારે છે.  - ૬

એ તો આખા સંસારને માયા કહાની તરીકે મૂલવે છે અને કથા તથા સ્તુતિવંદનાને આત્મવિષયક જ્ઞાનનું સાધન સમજે છે. જ્ઞાની પુરૂષોની વાણી છે કે પૃથ્વી વિગેરે પદાર્થોને ઉત્પત્તિ ક્રમથી ઉલટા ક્રમ દ્વારા લય ચિંતન કરીને પોતાના ચિદાકાશમાં વેધવું જોઈએ.  - ૭

આ રીતે જ્ઞાની પ્યાલા વિના અમૃતનું પાન કરી શકે છે. તે જીવન રૂપી નદીમાં જ્ઞાન રૂપી નીર હમેશા ભરેલું રાખે છે. કબીર કહે છે કે તેવા પુરૂષ રામ સુધા રસ ચાખીને યુગ યુગ સુધી જીવતા હોય છે !  - ૮

ટિપ્પણી

“સંતો, જાગત નીંદ ન કીજે” - માયાથી અલિપ્ત બનવાનું કાર્ય એટલું બધું સરળ નથી. હર ડગલે સજગતા, સાવધાની કે જાગૃતિ રાખવી અનિવાર્ય ગણાય છે.

આ પદની શૈલી ખંડન પરક નથી છતાં કેટલાક વિદ્વાનોએ આ પદને હઠયોગના ખંડન તરીકે રજૂ કર્યું છે તે યોગ્ય નથી. યોગની નિષેધાત્મક કોઈ વાત દર્શાવતા હોય તેવા શબ્દોનો ઉપયોગ થયો નથી. ઈડા અથવા ચંદ્રનાડી, પિંગલા અથવા સૂર્યનાડી કે સુષુમ્ણા નાડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે; પ્રાણની સામ્ય અવસ્થા દર્શાવવા યોગની પરિભાષા પ્રયોજીને કબીર સાહેબે વાત તો જ્ઞાનયોગની જ કરી છે. જન્મ-મરણ કાળને આધીન છે. જન્મમરણનાં દુઃખો અજ્ઞાનીને તથા માયાની ભક્તિ કરનારને થાય છે. માયાથી અલિપ્ત બની ભક્તિ કરનાર જ્ઞાનીને થતાં નથી. ગીતા પણ કહે છે કે

પાપીમાં પાપી હશે કોઈ આ જગમાં,
જ્ઞાનનાવમાં બેસતાં તરી જશે ભાવમાં.

“ઉલટીગંગ” એટલે પાર્થિવ પદાર્થ-વિષયોની મોહિનીમાં આસક્ત થવાને બદલે મન આત્માનું અનુરાગી બને તે જ્ઞાનમયી સ્થિતિ.

માનવ સંસારમાં જન્મી સંસારથી જ ઉદાસીન ભાવે વિમુખ બને તે ક્રિયા પારધીનું બાણ પારધીને જ વાગે તે દૃષ્ટાંત દ્વારા સરસ રીતે રજૂ થઈ છે. વળી પારધીએ છોડેલું બાણ પારધીને વાગે તેવું ભાગ્યે જ બને. છતાં કવિચત જબને છે તે ઘટના દ્વારા મન પણ માયાથી ભાગ્યે જ અલિપ્ત બની શકે છે તે પણ સરસ રીતે સૂચવાયું ગણાય.

“ધરતી ઉલટિ અકાસ હી બેધ” એટલે પૃથ્વી વિગેરે પંચમહાભૂતોના તત્વનું ઉલટા ક્રમથી લય ચિંતન કરવું જોઈએ. એનો અર્થ એ કે પૃથ્વીનો પાણીમાં, પાણીનો અગ્નિમાં, અગ્નિનો વાયુમાં, વાયુનો આકાશમાં, આકાશનો માયામાં ને માયાનો આત્માતત્વમાં લય કરવાની ટેવ પાડવી જોઈએ. એ પ્રકારના અભ્યાસથી બની જાય તે આત્મસાક્ષાત્કાર થયેલો ગણાય. આ રીતે યોગ, ભક્તિ, ને જ્ઞાનની જુદીજુદી પદ્ધતિઓની સુંદર સમન્વય આ પદમાં થયેલો જણાશે.

“રામ સુધારસ” એટલે આત્મા રૂપ અમૃતનો રસ - આત્માસાક્ષાત્કારી પુરૂષ આત્મારૂપી અમૃતનું પાન કરી અમર બની જાય છે, પરમપદને પ્રાપ્ત કરે છે.