કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સંતો, દેખત જગ બૌરાના !
સાંચ કહૌ તો મારન ધાવૈ, જૂઠ હિ જગ પતિયાના - ૧
નેમી દેખા, ધરમી દેખા, પ્રાત કરહિ અસ્નાના
આતમ મારિ પષાનહિ પૂજૈ, ઉનિમંહિ કિછુઉ ન જ્ઞાના - ૨
બહુતક દેખા પીર અવલિયા, પઢૈ કિતેબ કુરના
કૈ મુરીદ તતબીર બતાવૈ, ઉનિમંહ ઉહૈ જો જ્ઞાના - ૩
આસન મારિ ડિંભ ધરિ બૈઠે, મનમંહ બહુત ગુમાના
પીતર પાથર પૂજન લાગે, તીરથ ગરબ ભુલાના - ૪
માળા પહિરેં, ટોપી પહિરેં, છાપ તિલક અનુમાના
સાખી - સબ્દૈ ગાવત ભૂલે, આતમ ખબરિ ન જાના - ૫
હિન્દુ કહૈ મોહિ રામ પિયારા, તુરુક કહૈ રહિમાના
આપુસ મંહ દોઢિ બરિ લરિ મૂએ, મરમ કાહુ નહિ જાના - ૬
ઘર ઘર મંતર દેત ફિરતુ હૈ, મહિમા કે અભિમાના
ગુરુ સહિત સભ શિષ બૂડે, અંત કાલ પછિતાના - ૭
કહંહિ કબીર સુનહુ હો સંતો, ઈ સભ ભરમ ભુલાના
કેતિક કહૌ કહા નહિ માનૈ, સહજૈ સહજ સમાના - ૮
સમજૂતી
હે સંતજનો, જોતજોતામાં આખું જગત પાગલ થઈ ગયું છે ! સાચું કહું તો મારવા દોડે છે કારણ કે જગતને જૂઠામાં જ વિશ્વાસ છે. - ૧
મેં તો નિયમનું પાલન કરવાવાળા પણ જોયા છે અને ધાર્મિક ગણાતા માણસો પણ જોયા છે. તેઓ સવારે રોજ સ્નાન તો કરે છે પણ પથ્થરની દેવીને પૂજા કરવા માટે જીવતાની હિંસાય કરે છે. તે લોકોમાં કાંઈ જ જ્ઞાન નથી હોતું. - ૨
મેં મુસલમાનોના ઘણા પીર ઓલિયા ફકીરો પણ જોયા છે કે જેઓ પવિત્ર કુરાનના ગ્રંથો પઢતા હોય છે અને સાથે સાથે શિષ્યો બનાવી બીજાને કુરબાની કરવાની હિંસક પ્રવૃત્તિ પણ શીખવતા હોય છે. તેઓમાં પણ જ્ઞાન નથી હોતું. - ૩
તીર્થસ્થાનોમાં વેષ ધારણ કરીને આસન લગાવીને ઘણા ઢોંગી સાધુઓ પણ ગુમાન ભરેલા મનથી બેઠા હોય છે. તેઓ પીત્તલની તેમજ પથ્થરની મૂર્તિઓનું વારંવાર પૂજન કરતાં જણાય છે. તેઓ રહે છે તીર્થમાં પણ અભિમાનથી ભૂલા પડેલા હોય છે. - ૪
તેઓ માલા અને ટોપી પહેરીને ચોક્કસ પ્રકારનું તિલક કરતા હોય છે. વળી હાલતા ચાલતા સાખી ને શબ્દો ગાતા રહેતા હોંય છે. પરંતુ તેમણે પણ આત્મ તત્વ જાણ્યું જ નથી હોતું. - ૫
હિન્દુ કહે કે મને રામ પ્યારા લાગે છે અને મુસલમાન કહે છે કે મને તો રહેમાન જ ગમે છે. આપસ આપસમાં બંને જણા લડી મરે છે કારણ કે તેઓએ પણ આત્મ તત્વનું રહસ્ય જાણ્યું નથી હોતું. - ૬
તેઓ પોતાના મહિમાના અભિમાનમાં ઘરે ઘરે ફરીને મંત્રદીક્ષા તો આપતા રહે છે. પરંતુ તેઓ સૌ ગુરુ અને શિષ્યો સહિત સંસાર સાગરમાં જ ડૂબતા રહે છે. તેથી અંતકાળે તેઓ પસ્તાશે. - ૭
કબીર કહે છે કે સંતો, બરાબર સાંભળી લો. એ સૌ ભ્રમમાં ભૂલા પડ્યા છે. એ લોકોને હું શું કહું ? મારું તો કહ્યું માનતા જ નથી. તેથી સહજ રીતે તેઓ ચોર્યાસીના ચક્રમાં પડી જતા હોય છે. - ૮
ટિપ્પણી
“માલા પહિરે .... આતમ ખબરિ ન જાના” - આ પંક્તિઓમાં સાંપ્રદાયિક્તા માટે વિરોધની લાગણી વ્યક્ત થઈ છે. કબીર સાહેબના સમયમાં હિન્દુ ધર્મ અનેક સંપ્રદાયોમાં વિભક્ત થઈ ગયેલો એટલું જ નહીં પણ સંપ્રદાયો વચ્ચે ગજગ્રાહ ખુનામરકી સુધી પણ પહોંચી જતો. પોતાના જ ગુરુ શ્રેષ્ઠ, પોતાનો સંપ્રદાય જ ઉત્તમ, પોતાના સંપ્રદાયથી જ મુક્તિ મળે - એવો ખાત્રીપૂર્વકનો પ્રચાર લોકોમાં ઝનૂન પેદા કરતો અને વૈમનસ્ય પણ વધારતો. તેથી કબીર સાહેબે અહીં વિવિધ સંપ્રદાયોના બાહ્યાચારને લક્ષમાં લઈને કટાક્ષ કર્યો છે. રુદ્રાક્ષની મોટી મોટી માળાઓ પહેરીને ધાર્મિક હોવાનો દાવો કરનારા, તુલસીની માળાઓ ધારણ કરીને પવિત્ર હોવાનો ઢોંગ કરનારા, જુદી જુદી જાતની ટોપીઓ તથા જુદા જુદા પ્રકારે તિલક તાણીને ભગવાનના ભક્ત હોવાનો પ્રચાર કરનારા તેમજ હાલતા ચલતા મંત્રનો જાપ કરતા જાય ને ભજન પણ ગાતા જાય તેવા જ્ઞાનની ડંફાસ મારનારા કાયમને માટે અજ્ઞાની જ રહે છે. કારણ કે આત્મતત્વની જન તેમને થતી જ નથી. જિંદગીભર બાહ્યાચારનું પાલન કરાવીને સંપ્રદાયના વડાઓ લોકોને તો મરે ત્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં જ ડૂબેલા રાખે છે પણ પોતે પણ પ્રપંચની જાળમાં ફસાયને અત્યંત દુઃખી અવસ્થામાં પોતાનો દેહ છોડે તે હકીકત આજે પણ સાચી જ છે.
સંસ્કૃતના પ્રકાંડ પંડિત તરીકે ભારત સરકારનો એવોર્ડ પ્રાપ્ત કરનાર કબીરપંથના વિદ્વાન મુનિ સ્વામી બ્રહ્મલીનજી આ પંક્તિઓમાં વ્યક્ત થયેલી હકીકતોને આધારે આ પદને કબીર સાહેબનું મનવા તૈયાર નથી. તેમની બે દલીલો ધ્યાન ખેંચે તેવી છે : એક તો, ભેખ ધરીને માલા તથા ટોપી પહેરી તિલક તાણવાનો એવો રિવાજ નહોતો. જો બીજકની રચના કબીરપંથના જન્મ પહેલા થઈ હતી એવું માનવામાં આવે તો આ પદ કબીર સાહેબનું ઠરે નહિ. બીજું, “સાખી” ને “શબ્દ” માત્ર કબીર સાહેબના સાહિત્યમાં જ ઉપલબ્ધ થાય છે. કબીર સાહેબ દોહાને સાખી કહે છે અને શબ્દને ભજન. “સાખી શબ્દ ગાવત ભૂલ” એ આક્ષેપ કબીર પંથના અનુયાયીઓને ધ્યાનમાં રાખીને જ કર્યો લાગે છે. બીજકની રચના પંથના જન્મ પહેલા જ થઈ હતી તેથી આ પદની રચના પાછળથી કોઈએ લખી બીજકમાં ઉમેરી લીધી હોવી જોઈએ.
બીજી રીતે પણ આ પંક્તિને વિચારી શકાય. “સંતો દેખત જગ બૌરાના” એ ધ્રુવપંક્તિ કબીર સાહેબના અનુભવથી હકીકત દર્શાવનારી ગણાય. લોકો તરફથી કબીર સાહેબને ઘણા ખરાબ અનુભવો થયા હોવા જોઈએ. પોતે સાખી ને શબ્દ દ્વારા લોકોને ઘણો ઘણો ઉપદેશ આપ્યો પણ કોઈ અર્થ સમજ્યું જ નહિ. લોકો જેવા હતા તેવાજ રહ્યા ! બલકે કબીર સાહેબના વિરોધી બની ગયા ! તેથી પોતાની સાખી ને શબ્દની રચના સાવ નિરર્થક નીવડી એવો રંજ પણ આ પંક્તિઓમાં પ્રતીત થાય છે. તેથી કબીર સાહેબના કર્તૃત્વ માટે શંકા કરવાની આવશ્યકતા જણાતી નથી.
કોઈ ક્રિયાકાંડમાં, ચોક્કસ પ્રકારના વેશ ધારણ કરવામાં કે સારાં ભજનો ગાવામાં જ આધ્યાત્મિકતા રહેલી નથી પણ આત્મ તત્વની જાણકારીમાં જ સાચી આધ્યાત્મિકતા રહેલી છે એવું “આતમ ખબરિ ન જાના” શબ્દો દ્વારા કબીર સાહેબ સૂચવી રહ્યા છે. ટૂંકમાં, ધાર્મિક હોવાના દેખાવ કે નિયમના પાલનની સાથે મન શુદ્ધ ન થતું જતું હોય તો તે મિથ્યા પ્રવૃત્તિ છે.
Add comment