કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સંતો, આવૈ જાય સો માયા !
હૈ પ્રતિપાલ કાલ નહિ વાકે, ના કહું ગયા ન આયા - ૧
કયા મકસૂદ મચ્છ કછ હોના, સંખાસુર ન સંધારા
હૈ દયાલ દ્રોહ નહિ વાકે, કહહુ કવન કો મારા - ૨
વૈ કરતા નહિ બ્રાહ કહાયા, ધરનિ ધારો નહિ ધારા
ઈ સભ કાજ સાહબકે નાહીં, જૂથ કહૈ સંસારા - ૩
ખંબ ફોરિ જો બાહર હોઈ, તાહિ પતિજે સભ કોઈ
હિરનાકસ નખ ઉદર બિડારી, સો નહિ કરતા હોઈ - ૪
બાવન રૂપ ન બલિ કો જાંચો, જો જાંચૈ સો માયા
બિન બિબેક સકલ જગ ભરમે, માયૈ જગ ભરમાયા - ૫
પરસરામ છત્રી નહિ મારા, ઈ છલ માયે કીન્હા
સત્તગુરુ ભેદ ભક્તિ નહિ પાવો, જીવ અમિથ્યા કીન્હા - ૬
સિરજનિહાર ન બ્યાહી સીતા, જલ પષાન નહિ બંધા
વૈ રઘુનાથ એક કૈ સુમિરૈ, જો સુમિરૈ સો અંધા - ૭
ગોપી ગ્વાલ ન ગોકુલ આયા, કરતે કંસ ન મારા
હૈ મહેરબાન સબન કો સાહબ, નહિ જીતા નહિ હારા - ૮
વૈ કરતા નહિ બૌધ કહાયા, નહીં અસુર કો મારા
જ્ઞાન હીન કરતા સભ ભરમે, માયે જગ ભરમાયા - ૯
વૈ કરતા નહિ ભયે નિકલંકી, નહીં કલિંગ હિ મારા
ઈ છલબલ સભ માયૈ કીન્હા, જત્ત સત્ત સભ ટારા - ૧૦
દસ અવતાર ઈસરી માયા, કરતા હૈ જીન પૂજા
કહંહિ કબીર સુનહુ હો સંતો, ઉપજૈ ખપૈ જો દૂજા - ૧૧
સમજૂતી
હે સંતજનો, (જન્મ પામીને) જે આવે છે અને (મૃત્યુ પામીને) જે જાય છે તે તો માયાની ચાલ છે. જે સર્વનું રક્ષણ કરનાર છે તેને કાલ નડતો નથી તેથી તેને ક્યાંય પણ જવું પડતું નથી અને વળી પાછું આવવું પડતું નથી. - ૧
મત્સ્યાવતાર અને કચ્છપાવતાર લેવાનો ભગવાનનો હેતુ કયો ? શંખાસુરને માર્યો ન હતો. તે તો (ભગવાન) ખૂબ દયાળુ ગણાય. તેને કોઈ સાથે દુશ્મનાવટ ન હતી તેથી તે કોઈને પણ શા માટે મારે ? - ૨
તે સૃષ્ટિના સર્જનહાર વરાહ અવતાર લઈને આવ્યા ન હતા અને તેણે ન તો ધરતીને ધારણ કરી હતી કે કોઈની પાસે ધારણ કરાવી હતી. કેવું બધું કાર્ય પરમાત્મનું હોય શકે નહીં તેથી સંસારી લોકોની વાત જૂઠી કહેવાય. - ૩
સ્થંભ ફોડીને (નૃસિંહ સ્વરૂપે) જે બહાર પ્રગટ થાય છે તે ઘટનામાં સૌ કોઈ વિશ્વાસ ધરાવે છે અને માને છે કે હિરણ્યકશ્યપનું પેટ નખથી ચીરી કાઢ્યું હતું પરંતુ (તે જો સાચી વાત હોય તો) તે સૃષ્ટિકર્તા હોય શકે નહિ. - ૪
બાવન રૂપ ધરીને જેને ખીખ માંગી તે તો માયા જ ગણાય. વિવેક વિના માયાએ સમસ્ત સંસારને ભ્રમમાં ભરમાવી દીધો છે ! - ૫
તેણે પરશુરામ થઈ ક્ષત્રિયોનો સંહાર કર્યો નહોતો ! તે સર્વ કપટ માયાએ કર્યું હતું. હે જીવ ! તે માયાને સત્ય ગણી તેથી તું સદ્દગુરુની ભક્તિનું રહસ્ય પામી શક્યો નહિ. - ૬
સૃષ્ટિના સર્જનહારે સીતા સાથે વિવાહ કર્યો જ નહતો અને સમુદ્રને બંધથી બાંધ્યો જ નહતો. જે સૃષ્ટિકર્તાને અને રઘુનાથને એક ગણીને સ્મરણ કરે છે તે આંધળો (અવિવેકી) ગણાય. - ૭
તે પરમાત્મા ગોકુળમાં ગોપીઓ સાથે નહોતો આવ્યો અને તેણે કંસને નહોતો માર્યો. તે તો સૌ પર સરખી કરુણા વરસાવે છે. તે નથી જીતતો કે હારતો ! - ૮
તે જ પ્રમાણે તે બુદ્ધ થઈને પણ નહોતા પ્રગટયા અને અસુરોને પણ નહોતા માર્યા. જ્ઞાન વિવેક વિના આખું જગત ભ્રમમાં પડયું છે. ! - ૯
તે સૃષ્ટિકર્તાએ કલ્કી રૂપ ધારણ કર્યું નહતું તેમજ કલિંગ (કલિ) નામના દૈત્યને માર્યો પણ નહતો. એ બધું છળકપટ માયાએ કર્યું હતું. જતી સતી સર્વનો માયાએ (ભ્રમમાં નાંખીને) નાશ કર્યો છે. - ૧૦
કબીર કહે છે હે સંતજનો સૌ સાંભળો (ને વિચારો) કે દસે દસ અવતાર તો ઈશ્વરની માયાનો જ ખેલ છે. તેથી તેને કર્તા માનીને પૂજવું જોઈએ નહીં. જન્મે મરે તે ઈશ્વર નહીં પણ બીજું જ કાંઈ ગણાય ! - ૧૧
ટિપ્પણી
“મકસૂદ” એટલે પ્રયોજન. પરમેશ્વરે અવતાર ધારણ કરવા પડે ? તે તો અનંત શક્તિશાળી ગણાય. તે ધારે તે કરી શકે. કબીર સાહેબ અહીં અવતારના પ્રયોજનની ચર્ચા કરી રહ્યા છે. આધુનિક વિદ્વાનોએ પણ અવતારવાદની સારી જેવી ચર્ચા વિચારણા કરી છે. ખાસ કરીને એચ. યાકોબી, એમ. મોનિયર વિલિયમ્સ, ડૉ. એચ. રાય ચૌધરી, ડૉ. સી. વિ. વૈદ્ય, તથા ડૉ. કામિલ બુલકે જેવા વિદ્વાન સંશોધકો દ્વારા અવતારવાદના સર્વ પાસાંઓની ઝીણવટપૂર્વક વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી છે. તેઓના સંશોધનમાંથી નીચેના તારણો જુદા તરી આવે છે :
(૧) કર્મકાંડ તથા યજ્ઞપ્રધાન બ્રાહ્મણ સંસ્કૃતિનાં વધતા જતાં પ્રભાવની પ્રતિક્રિયારૂપે અરતારવાદનો પ્રચાર કરવામાં આવ્યો છે.
(૨) અવતારવાદના વિકાસમાં ભાગવત સંપ્રદાયના ભક્તિમાર્ગની વિચારસરણીનો મોટો ફાળો છે.
(૩) અવતારવાદની ભાવનાનું મૂળ સૌ પ્રથમ શતપથ બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય છે. પરંતુ ત્યાં વિષ્ણુનું પ્રાધાન્ય જણાતું નથી. અવતાર તો પ્રજાપતિના થયા હતા એવો ત્યાં ઉલ્લેખ છે. મત્સ્ય, કૂર્મ ને વરાહના અવતારો પ્રજાપતિના હતા, વિષ્ણુના નહીં. વિષ્ણુની વાતો પાછળથી ઉમેરવામાં આવી છે. તેજ રીતે વિષ્ણુ ને કૃષ્ણનો સંબંધ પણ પાછળથી જોડી દેવામાં આવ્યો છે. ખાસ કરીને મહાભારતના નારાયણી ઉપાખ્યાનમાં તથા હરિવંશપુરાણમાં વિષ્ણુનાં મહદંશે ગુણગાન ગાવામાં આવ્યા છે.
(૪) તે સમયે અવતારની વિશેષ પૂજા કરવામાં આવતી નહોતી. કૃષ્ણાવતારની સાથે તેમાં થોડું પરિવર્તન આવ્યું જણાય છે. ભાગવત સંપ્રદાયની વિચારસરણી લોકમાનસમાં વધારે અસારકર્તા થઈ પડી. પરિણામે અવતારોની પૂજા કરવાનો પ્રારંભ થઈ ચૂક્યો.
(૫) એ જ રીતે ડૉ. કામિલ બુલ્કે રામકથાની ચર્ચા કર્તા નોંધે છે કે રામને અવતાર તરીકેની માન્યતા ઈ.સ. પૂર્વે પહેલી શતાબ્દીથી જ મળેલી જણાય છે. (રામ કથા - અનુચ્છેદ ૧૪૧ થી ૧૪૩ સુધી)
(૬) પારખી સંત વિદ્વદ્વર્ય શ્રી અભિલાષ સાહેબના મત પ્રમાણે મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન ને પરશુરામ અવતારોની કલ્પના લોકહૃદયમાં વિશેષ આદરની ભાવના જગાડી શકી નહિ. જ્યારે રામ, કૃષ્ણ ને બુદ્ધ અવતારો ખૂબ પૂજ્યભાવ જગાડી ગયા. બૌદ્ધ તથા જૈન ધર્મનો વધતો જતો પ્રભાવ પણ મોટો ભાગ ભજવી ગયો. બૌદ્ધ તથા જૈનોના ઉત્તારવાદની પ્રતિક્રિયા રૂપે અવતારવાદની કલ્પનાનો વિકાસ ને વિસ્તાર થયો જણાય છે. ઉત્તારનો અર્થ થાય છે ઉપર ઉઠવું અથવા તો મુક્ત થવું. જ્યારે અવતારનો અર્થ મહાન સત્તાનું નીચે આવવું. (બીજક વ્યાખ્યા - પૃ. ૧૪૧)
આ પદના કતૃત્વ માટે સ્વામી બ્રહ્મલીનજી શંકા કરે છે. આ પદની ખંડનપરક શૈલી તેમને વધારે પડતી આક્રોશપૂર્વકની લાગે છે. કબીર સાહેબ આવા કઠોર વચનો કહી જ ન શકે. કારણ કે કબીર સાહેબ તો દયાળુ હતા. તેઓ કોઈનું દિલ દુભાય તેવી વાણી બોલે જ નહીં ! તેથી આ પદ કોઈ બીજા મહાત્માએ કબીર સાહેબને નામે ચઢાવી દીધું હોવું જોઈએ એવું સ્વામીજી પૂરવાર કરવા માંગે છે.
સ્વામીજીનું આ અનુમાન વૈજ્ઞાનિક ન ગણી શકાય. કબીર સાહેબ દયાળુ સ્વભાવના હતા તેનો અર્થ એવો ન્ થઈ શકે કે તેઓ અસત્યને આક્રોશપૂર્વક ન પડકારી શકે ! બલકે કબીર સાહેબની તો એ વિશેષતા ગણાવી જોઈએ. આ પદ કબીર સાહેબના તત્વજ્ઞાનને બહુ જ સરળતાથી ને સચોટતાથી રજૂ કરે છે તેથી કર્તૃત્વ માટે શંકા સેવવી નિરર્થક છે.
Add comment