Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સંતો, રાહ દુનો હમ દીઠા !
હિન્દુ તુરુક હટા નહિ માનૈં, સ્વાદ સભન્હિ કો મીઠા  - ૧

હિન્દુ બરત એકાદસિ સાધૈ, દૂધ સિંગારા સેતી
(અન) કો ત્યાગૈ મનકો ન હટકૈ, પારન કરૈ સગોતી  - ૨

તુરુક રોજા નિમાજ ગુજારૈં, બિસમિલ બાંગ પુકારૈં
ઈનકી ભિસ્ત કહાં તે હોઈ હૈ, સાંજે મુરગી મારૈ  - ૩

હિન્દુકી દયા મેહર તુરુકનકી, દોનૌ ઘટ સોં ત્યાગી
વૈ હલાલ વૈ ઝટકે મારૈ, આગિ દુનો ઘર લાગી  - ૪

હિન્દુ તુરુકકી એક રાહ હૈ, સતગુરુ ઈહૈ બતાઈ
કહંહિ કબીર સુનહુ હો સંતો, રામ ન કહેઉ ખુદાઈ  - ૫

સમજૂતી

હે સંતજનો, હિન્દુ અને મુસલમાન લોકોના બંનેના રસ્તાઓ મેં જોયા છે. બંને મના કર્યા છતાં માનતા નથી કારણ કે તેઓ સૌને જીભનો સ્વાદ મીઠો લાગે છે.  - ૧

હિન્દુઓ તો એકાદશી વ્રતની સાધના કરે છે. દૂધ તથા શીંગોડાનો આહાર કરે છે. અન્નનો તો તેઓ ત્યાગ કરે છે ખરા પરંતુ તેઓ રોકી શકતા નથી !  તેથી તેઓ માંસ ખાયને પારણા કરે છે.  - ૨

મુસલમાનો રોજાનું વ્રત કરે છે અને નિયમિત નમાજ પડે છે. બિસ્મિલ્લાહની બાંગ પણ પુકારે છે. છતાં તેઓને સ્વર્ગ કેવી રીતે મળે ?  કારણ કે તેઓ પણ સાંજે મરઘી મારીને ખાય છે.  - ૩

હિન્દુઓએ દયા તથા મુસલમાનોએ મહેર પોતપોતાના હૃદયમાંથી દૂર કરી દીધી છે. કારણ કે મુસલમાનો હલાલ કરે છે અને હિન્દુઓ એક જ ઝાટકે કાપી નાંખે છે. બંનેના ઘરોમાં આગ લાગી છે.  - ૪

ખરેખર તો હિન્દુ અને મુસલમાનોનો માર્ગ એક જ છે. સદ્દગુરુએ તે પહેલેથી જ બતાવી દીધો છે. તેથી કબીર કહે છે કે હે સંતો !  સાંભળો, હિંસા કરવા માટે નથી રામે આજ્ઞા કરી કે નથી ખુદાએ હુકમ કર્યો !  - ૫

ટિપ્પણી

ધર્મના બહાના હેઠળ માનવ પોતાની ભોગની લાલસાને જ ધાર્મિક સ્વરૂપ આપી ઉત્સવ ઉજવતો જણાય છે. હિન્દુ હોય કે મુસલમાન, સૌ કોઈ ભોગમાં જ માને છે !  ને તે જ પ્રમાણે ધાર્મિક તહેવારો પર પણ રંગ ચઢાવે છે !  ભગવાનને ગમે તેથી આવું અમે કરીએ છીએ એવો હિન્દુઓ દાવો કરતા હોય છે તો ખુદાના હુકમને જ અમે તો માન આપીએ છીએ એવો મુસલમાનો દંભ કરતા હોય છે. કોઈ પણ હિસાબે તેવો પોતાની ભોગવૃત્તિને સંતોષવા પ્રયત્ન કરે છે. જડ મૂર્તિને જીવતા પ્રાણીનો વધ કરી બલિ ચઢાવવાની પ્રથા ખરેખર તો ભોગી લોકોએ જ પોતાના શોખને ખાતર ચાલુ કરી હતી. કબીર સાહેબે આ શબ્દમાં હિન્દુ ને મુસલમાનોની ભોગવૃત્તિ પર વેધક કટાક્ષ કરી તેને આધારે ચાલુ થયેલ તમામ કુરિવાજોની નિરર્થકતા પૂરવાર કરી છે.

“સ્વાદ સમન્હિ કો મીઠા” - જીભનો સ્વાદ સૌનો મીઠો લાગે છે એવા કટાક્ષયુક્ત વચનમાં લૂલીને વશમાં રાખ્યા વિના કોઈ પણ પ્રકારનું કલ્યાણ થઈ શકતું નથી એવો ગર્ભિત ઉપદેશ રહેલો છે. યાદ કરો -

ઘૂંઘટ કે પટ ખોલ,
ઘટ ઘટમેં વહ સાંઈ રમતા, કટુક વચન મત બોલ !

પ્રત્યેક શરીરમાં રહેલા રામને ઓળખવા માટે જીભ પર અંકુશ રાખવો આવશ્યક છે. નહીં ઓટ ક્યારેક તે સ્વાદ લોલુપ બની જીવને વિષયોના ઉપભોગમાં ડૂબાડી દે છે ને ક્યારેક તે ન બોલવાના વેણ બોલી મહાભારતના યુદ્ધનું સર્જન કરે છે.

‘બરત’ એટલે વ્રતનું અપભ્રંશ રૂપ. જેમ હિન્દુઓમાં અગિયારસના ઉપવાસ કરવાની પદ્ધતિ છે તેમ મુસલમાનોમાં રોજાના ઉપવાસો કરવાની રીત છે. બંને પ્રજાની ઉપવાસોની પદ્ધતિમાં ભોગવૃત્તિનાં જ દર્શન થાય છે. બંને પ્રજા તે સમયે હિંસાનું આચરણ કરે છે તેથી કોઈને પણ પરમાત્માની સિદ્ધિ થતી નથી.

‘સગોતી’ એટલે માંસ. ફારસી શબ્દ ગોશ્ત છે. ‘ગોશ્ત’ શબ્દમાંથી ગોત, સગોત, સગોતી જેવા અપભ્રંશ રૂપો બન્યા હશે.

“વૈ હલાલ વૈ ઝટકે મારૈ” - માંસ ખાતા પહેલા જીવતા પશુની હત્યા કરવી પડતી હોય છે. મુસલમાનો શરીરનો થોડો ભાગ કાપીને ખુદાને યાદ કરે છે તે પદ્ધતિને હલાલ કહે છે. હલાલ કર્યા પછી પશુનો વધ કરવામાં આવે છે. હિન્દુઓ એક જ ઝાટકે કાપીને હોંશિયારીની બડાઈ મારે છે. મુસલમાનોની હલાલની પદ્ધતિને હિન્દુઓ ઘાતકી ગણે છે તો શું હિન્દુઓની એક જ ઝાટકે કાપવાની રીત ઘાતકી નથી ?  ખરેખર તો અંતે બંને પ્રકારની પદ્ધતિ ઘાતકી જ છે. તેથી નથી મળતું મુસલમાનને સ્વર્ગ કે નથી મળતી હિન્દુઓને મુક્તિ !