કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અબધૂ સો જોગી ગુરુ મેરા ! જો યહિ પદકા કરૈ નિવેરા - ૧
તરિવર એક મૂલ બિનુ ઢાઢા, બિનુ ફૂલૈ ફલ લાગા
સાખા પત્ર કછૂ નહિ વાકે, અસ્ટ ગગન મુખ ગાજા - ૨
પૌ બિનુ પત્ર કરહ બિનુ તૂંબા, બિનુ જિભ્યા ગુણ ગાવૈ
ગાવ નિહારકે રેખ રુપ નહિ, સતગુરુ હોય લખાવૈ - ૩
પંછી ખોજ મીનકો મારગ, કહંહિ કબીર દોઉ ભારી
અપરમપાર પાર પરસોતમ, મૂરતકી બલિહારી - ૪
સમજૂતી
હે અવધૂત તે યોગીપુરુષ મારો ગુરુ કહેવાશે જે આ પદના અર્થનો નિર્ણય કરશે. - ૧
એવું એક વૃક્ષ ઉભું છે જેને મૂળિયાં જ નથી તથા ફૂલ વિના તેને ફળ લાગ્યા છે. તેને કાંઈ પાંદડાં નથી અને ડાળી પણ નથી. તે આઠ કમળની ઉપર આવેલ આકાશ તરફ મુખ કરીને ગાજી રહ્યું છે ! - ૨
તેને અંકુર વિના પાંદડાં આવે છે અને દાંડી વિના તુંબડી હોય છે. તેમાં જીભ વિના ગુણ ગવાયા કરે છે. જે ગાય છે તેનું કોઈ રૂપ નથી કે આકાર નથી. તેનું રહસ્ય સદ્દગુરુ જ બતાવી શકે. - ૩
કબીર કહે છે કે (આકાશમાં ઉડતા) પક્ષીની ખોજ કરવી અને (પાણીમાં તરતી) માછલીને શોધવી ભારી મુશ્કેલ કાર્ય ગણાય. જેનો કોઈ પાર જ નથી એવા (સંસાર સાગરને) પાર પહોંચેલા ઉત્તમ પુરુષની મૂર્તિને ધન્યવાદ. - ૪
ટિપ્પણી
“તરિવર એલ મૂલ બિનુ ઢાઢા” - મેરુદંડ રૂપી વૃક્ષ મૂળ ઉભું રહે છે. મૂલાધાર ચક્રથી માંડી સહસ્નાર ચક્ર સુધી તો વિકસેલું હોયુ છે. તેને ફૂલ ફૂટતાં નથી પણ સીધા જ આઠ ચક્રોરૂપી ફળ લાગે છે - મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, સહસ્નાર ને સુરતિ કમલ. આ સાત ચક્રોને કુંડલિની શક્તિ જ્યારે આઠમા ચક્ર સુરતિકમલમાં પ્રવેશે ત્યારે તેને મધુર ધ્વનિ રૂપી પાંદડાંઓ ફૂટી નીકળે છે. તે ધ્વનિનો ગાનારો કોણ છે તે તો સદ્દગુરુ જ બતાવી શકે. અર્થાત્ સ્વરૂપમાં સ્થિર થયેલું મન જીભ વિના જ પરમ તત્વનાં ગુણગાન ગયા કરે છે.
“પંછી મોજ મીનકો મારગ” - ત્રણ પ્રકારના માર્ગે આગળ વધી શકાય છે. (૧) પિપીલિકા માર્ગ (૨) મીન માર્ગ ને (૩) વિહંગમ માર્ગ. પિપીલિકા એટલે કીડી. કીડીની માફક ધીમેધીમે લક્ષ્ય તરફ ગતિ કરવાની યૌગિક વિચાર સરણીને પિપીલિકા માર્ગ કહેવામાં આવે છે. મીન માર્ગ એટલે સામે પ્રવાહે માછલી ઉતાવળે તરીને પોતાના લક્ષ્યને સિદ્ધ કરે તે માર્ગ. વિષયોના સામા પ્રવાહે સાધક સ્વરૂપને પામવા મથે તે મીન માર્ગ. ઉતાવળે ઝડપથી લક્ષ્યને સિદ્ધ કરવાની યૌગિક વિચાર સરણીને વિહંગમ માર્ગ કહે છે. પક્ષી ઉડાન શરુ કરે પછી ક્યાં થઈ પહોંચી જાય છે તેની નિશાની તે મૂકી જતું નથી. તે એવી કોઈ ગડભાંજની પરવા કર્યા વિના ઝડપથી લક્ષ્યને સિદ્ધ કરવાની લગની રાખે છે. યોગનો સાધક પાર્થિવ પદાર્થોની ગડભાંજને બાજુએ મૂકીને સીધો જ સ્વરૂપને પામવા પ્રયત્ન કરે તે વિહંગમ માર્ગ. કબીર સાહેબે અહીં આ બંને માર્ગને મહત્વ આપ્યું છે. વિહંગમ માર્ગ ને મીન માર્ગ ભલે ને એક જ માનવામાં આવતા હોય પણ અહીં બંને માર્ગનો મહિમા કરવામાં આવ્યો છે તે વિસરાવું ન જોઈએ.
Add comment