Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ભાઈ રે ગૈયા એક બિરંચિ દીયો હૈ, (ગૈયા) ભાર અભાર ભો ભારી
નૌં નારી કો પાની પિયતુ હૈ, ત્રિષા ન તૈવો બુઝાઈ  - ૧

કોઠા બહત્તરિ ઔ લૌ લાવે, બજ કેવાર લગાઈ
ખૂંટા ગાડિ દવરિદ્રિઢ બાંધેઉ, તૈયો તો રિ પરાઈ  - ૨

ચારિ બ્રિચ્છ છવ સાખા વાકે, પત્ર અઢારહ ભાઈ
એતિક લૈ ગમ કીહિસિ ગૈયા, ગઈયા અતિ હરહાઈ  - ૩

ઈ સાતો ઔરો હૈ સાતો, નૌ ઔ ચૌદહ ભાઈ
એતિક ગૈયા ખાય બઢાયો, ગૈયા તૌ ન અઘાઈ  - ૪

પુરતામંહ રાતી હૈ ગૈયા, સેત સીંગિ હૈ ભાઈ
અબરન બરન કછુ નહિ વાકે, ખાદ્ય અખાદ્ય ખાઈ  - ૫

બ્રહ્મા બિસ્નુ ખોજિ કૈ આવૈ, સિવ સનકાદિક ભાઈ
સિધ અનંત વાકે ખોજ પરે હૈ, ગૈયા કિન્હુ ન પાઈ  - ૬

કહંહિ કબીર સુન્હુ હો સંતો, જો યહ પદ અરથા વૈ
જો યહિ પદકો ગાય બિચારૈ, આગે હોય નિરબાહૈ  - ૭

સમજૂતી

હે ભાઈઓ, બ્રહ્માએ મન રૂપી એક ગાય આપી તો છે પરંતુ તેનું ભરણપોષણ કરવું કઠણ થઈ પડયું છે !  નવ નાડીઓ રૂપી નદીનું (લોહી રૂપી) પાણી પીયા કરે છે છતાં તેની તરસ મટતી નથી.  - ૧

(યોગીઓ તો) શરીરના બોતેર કોઠાને લક્ષમાં રાખી, દૃઢ સંકલ્પ રૂપી વજથી દસે દાસ દરવાજા બંધ કરી, ધ્યેય રૂપી ખૂંટા સાથે ધ્યાન રૂપી દોરડાથી તેને બાંધી દે છે તો પણ તેને તોડીને તે ભાગી જાય છે.  - ૨

ચાર વેદો રૂપી વૃક્ષ અને તેની છ ડાળીઓ તથા અઢાર પુરાણો રૂપી પાંદડાનો અભ્યાસરૂપી ખોરાક ખવરાવે તો પણ તે અત્યંત હરામી હોવાથી બીજે ક્યાંક ભાગી જાય છે.  - ૩

સાત લોક અને સાત પાતાલ તથા નવ ખંડ અને ચૌદે વિદ્યાની પ્રાપ્તિ કરી તેનો ઉપયોગ કર્યા કીધો તો પણ આ ગાયને તૃપ્તિ થઈ નહીં.  - ૪

તે ગાય મધ્ય ભાગે લાલ રંગની જણાય છે અને શીંગડાના ભાંગે તો સફેદ રંગની લાગે છે. છતાં પણ હે ભાઈઓ, તે તો વર્ણાવર્ણની પરવાહ કરતી જણાતી નથી. તે તો ખાવા જેવું ને ન ખાવા જેવું બધું જ ખાય જાય છે.  - ૫

હે ભાઈઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સનકાદિક (સનક, સનંદન, સનતકુમાર અને સનાતન) ઋષિઓ. તે ગાયની કોજ કરીને વશ કર્યા વિના પાછા આવ્યા તેમજ અસંખ્ય સિદ્ધપુરુષો પણ તેની ખોજમાં મંડી રહ્યા છે પણ હજી સુધી કોઈએ તેનો પાર પામ્યું નથી.  - ૬

કબીર કહે છે કે હે સંતજનો સાંભળો (વિચારો), જે કોઈ પણ આ પદનો અર્થ સમજશે ને સમજાવશે તથા તેને બરાબર વિચારી ગાયા કરશે તે આગળ જતાં માયા રૂપી ગાયનો પાર પામી શકશે.  - ૭

ટિપ્પણી

“ભાર અભાર ભૌ ભરી”  - મનનાં બે સ્વરૂપો છે: એક બંધનકારક ને બીજું મુક્તિદાયક. વિષયી મન બંધનકારક ને નિર્વિષયી મન મુક્તિદાયક. ભાર એટલે ભારી - બંધનકારક - જેને કારણે ભવસાગરમાં ડૂબી જવાય છે. અભાર એટલે હલકું - મુક્તિદાયક - કે જેને કારણે ભવસાગર તરી જવાય છે.

“ત્રિષા ન તૈવો બુઝાઈ” –

ન જાતુ કામ: કામાનામુપભોગેને શમ્યતિ |
હવિષા કૃષ્ણવર્ત્મેવભૂય એવાભિવર્ધતે ||  (ભાગવત-૯/૧૯/૧૪)

અર્થાત્ વિષયોભોગોથી કામવાસના શાંત નથી થતી. તેતો ઘીની આહુતિથી જેમ અગ્નિ પ્રજ્વલિત બને છે તેમ ભોગોથી વધારે પ્રબળ બને છે.

“ચારિ બ્રિચ્છ” - ચાર વૃક્ષ - ઋર્ગ્વેદ, યજુર્વેદ, અથર્વર્વેદ ને સામવેદ રૂપી ચાર વૃક્ષ.

“છવ સાખા” - શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુકત, જ્યોતિષ ને છંદ એ વેદના છ અંગો રૂપી ડાળીઓ.

“પત્ર અઢારહ” - અઢાર પુરાણો : બ્રહ્મા, વિષ્ણુ, શિવ, પદ્મ, ભાગવત, નારદ, માર્કંડેય, અગ્નિ, ભવિષ્ય, બ્રદ્મવૈવત, લિંગ, વરાહ, સ્કંદ, વામન, કૂર્મ, મત્સ્ય, ગુરુડ ને બ્રહ્માંડ પુરાણ.