Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ભાઈ રે નયન રસિક જો જાગૈ
પાર બ્રહ્મ અવિગતિ અવિનાશી, કૈસહું કે મન લાગૈ  - ૧

અમલી લોગ ખુમારી ત્રિસુના, કતહું સંતોષ ન પાવૈ
કામ-ક્રોધ દોનૌ મતવાલે, માયા ભરિભરિ આવૈ  - ૨

બ્રહ્મ કમાલ ચઢાઈનિ ભાઠી, લૈ ઈન્દ્રી રસ ચાખૈ
સંગહિ પોચ હૈ જ્ઞાન પુકારૈ, ચતુરા હોય સો નાખૈ  - ૩

સંકટ સોચ પોચ યહ કાલિમંહ, બહુતક વ્યાધિ સરીરા
જહાં ધીર ગંભીર અતિ નિરમલ, તંહ ઉઠિ મિલહુ કબીરા  - ૪

સમજૂતી

સંસારનો રસિયો જીવ (મોહનિદ્રામાંથી) જાગી જાય તો તેનું મન હે ભાઈઓ, જેની કાંઈ માહિતી જ નથી એવા અવિનાશી તત્વમાં કોઈ પણ હિસાબે લાગ્યા વિના રહે નહિ.  - ૧

વિષયોના વ્યસની લોકોમાં તૃષ્ણાની ખુમારી પ્રગટ થતી હોય છે તેથી તેઓ કોઈ પણ સ્થળે સંતોષનો અનુભવ કરી શકતા નથી. તેઓ કામ ક્રોધથી દિવાના બની જાય છે તેથી માયા વિષયોના રસના પ્યાલાઓ ભરી ભરીને તેઓને પીવડાવ્યા જ કરે છે.  - ૨

બ્રહ્મા રૂપી કુંભારે સંસારરૂપી ભઠ્ઠી ચઢાયેલી જ રાખી હોવાથી જીવો તો તેમાંથી ઈન્દ્રિયો દ્વારા વિષયોનો રસ ચાખ્યા જ કરે છે. તેઓ અધમ અવસ્થામાં રહીને પણ જ્ઞાનની વર્તો કર્યા કરે છે. માત્ર હોંશિયાર જીવો જ આસક્તિનો નાશ કરી શકે છે.  - ૩

આ શરીરમાં કળીયુગને કારણે અધમ પ્રકારની પ્રવૃત્તિઓથી સંકટો, દુઃખો અને અનેક  પ્રકારના વ્યાધિઓ પેદા થયા કરે છે. તેથી કબીર કહે છે કે હે જીવો, ઉઠો, જાગો અને એવા પ્રયાસ કરો કે ધીર, ગંભીર અને પવિત્ર મહાપુરુષનું મિલન થઈ શકે.  - ૪

ટિપ્પણી

“નયન રસિક જો જાગૈ” - ઈન્દ્રિયોનું વિષયો માટેનું આકર્ષણ સ્વાભાવિક ગણવામાં આવે છે. અહીં નયન શબ્દ દ્વારા તમામ ઇન્દ્રિયોનું ને રસિક શબ્દ દ્વારા આસક્તિની અવસ્થાનું સૂચન થયું છે. અને જ્ઞાનીઓ મોહની અવસ્થા કહે છે. એ દશામાં મન સંસારિક વિષયોના રસમાં જ રમખાણ રહેતું હોય છે. સત્યપુરુષ પરમાત્મ તત્વને તે ભૂલી જાય છે. તેવી માનસિક સ્થિતિમાં જીવ સત્સંગમાં જાય તો ક્યારેક અલ્પ સમય માટે પરમાત્મા તરફ અભિમુખ બનવા તો પ્રયત્ન કરે છે પણ ખરો પરંતુ તેનું મન પરમાત્મામાં લાગતું જ નથી એવો અનુભવ થાય છે. સત્સંગમાંથી ઉઠી ઘરે આવે ત્યાં સુધીમાં તે સઘળું ભૂલી જાય છે. સંસારના ભોગો અને રસો આગળ પરમાત્મ તત્વ સાવ ફીકું લાગે છે. પરંતુ જો મોહ નાશ પામે તો જાગૃતિની હવા રોમરોમમાં ફરી વાલે છે; પરમાત્મ તત્વમાં અનેરો રસ જાગી જાય છે; સાક્ષાત્કારની તેને લગની લાગે છે એમ કબીર સાહેબ સ્વાનુભૂતિને આધારે જાહેર કરે છે.

“અવિગત” - જેને વિશે કોઈપણ પ્રકારની માહિતી જ મળતી નથી તેને કેવી રીતે જાણી શકાય ?  તેનું  વર્ણન પણ કેવી રીતે કરી શકાય ?  “અવિગત કી ગતિ ન જાની, એક જીભ કિત કહૌં બખાની” (રમૈની-૨) તથા “અવિગતકી ગતિ કા કહૌં, જા કે ગાંવ ન ઠાંવ” (રમૈની-૭) સદ્દગુરુ કબીર સાહેબે ‘અવિગત’ શબ્દને રમૈની પ્રકરણમાં સારી રીતે સમજાવ્યો છે. અહીં મોહજન્મ અવસ્થાને અતિક્રમી જનાર જીવને અગમ્ય ને અનંત ગણાતા પરબ્રહ્મ સાવ સુગમ બની જાય છે તેનો નિર્દેશ છે. મોહની અવસ્થામાં દૃષ્ટિ દોષિત બનતી હોય છે તેથી પરમાત્મ તત્વનાં દર્શન શક્ય બનતાં નથી. મોહ ટળે તો દૃષ્ટિ સાફ થાય ને દર્શન શક્ય બની જાય. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિનો સિદ્ધાંત પણ અહીં સમજાય છે.

“અમલી લોગ ખુમારી ત્રિસુના” - અમલી એટલે વ્યસની. વિષય પદાર્થોની પ્રાપ્તિનો પણ એક નશો હોય છે. આંખ જેટલા પદાર્થો દેખે તેટલાં સૌ પ્રાપ્ત કરવાની ખેવના જાગે. એક મળે ન મળે ત્યાં તો બીજાંને મેળવવાની ઈચ્છા થાય છે. ઈચ્છાઓનો કોઈ અંત જ આવતો નથી. પદાર્થોની પ્રાપ્તિની કામના આ ઈચ્છાઓના પરપોટા જગાડયા કરે છે. કામના ન ફળે તો ક્રોધનો અનુભવ સહજ બને છે. જીવ દિવાનો થઈને સંસારમાં આ રીતે કામ ક્રોધનો શિકાર થયા કરતો હોય છે.

“ભાઠી” એટલે ભઠ્ઠી. બ્રહ્મારૂપી કુંભારની સંસાર રૂપી ભઠ્ઠી. જીવ સંસારનો રાસ ઈન્દ્રિયો દ્વારા ચાખ્યા જ કરે છે. જેમ જેમ ચાખે તેમ તેમ લટ્ટુ બની જાય છે. દારૂ પીનારને જેમ દારૂ જોઈએ જ તેમ જીવને વિષયોનો અમલ જોઈએ જ. ગીતા પણ કહે છે કે પ્રકૃતિના ગુણને કરે પુરુષ સદાય ભોગ, તેથી તેને થાય છે જન્મ મરણનો રોગ. (સરળ  ગીતા - અ. ૧૩/૨)

“પોચ” એ ફારસી શબ્દ છે. તેનો અર્થ સામાન્ય રીતે ‘ખરાબ’ એવો થાય છે. ૬૪મી રમૈનીમાં કબીર કાહેબે પોચ શબ્દની સમજૂતિ આપતાં કહ્યું છે કે ‘સંત સીધાયે સંત પહં, મિલિ રહા પોચ હિ પોચ” અર્થાત્ સંતની પાસે જે સજ્જન હોય તે જ જવાની ઈચ્છા રાખે પણ ખરાબ માણસો તો ખરાબનો જ સંગ શોધતા હોય છે.  વિષયોના અમલમાં લટ્ટુ બની જીવ ખરાબ વૃત્તિઓનો દાસ બની જાય છે છતાં પોતે જ્ઞાનની  વાતો જાણે છે તેવો ડોળ કર્યા વિના રહેતો નથી.

“ચતુરા હોય સો નાખૈ” યોગ: કર્મસુ કૌશલમ્ એ ભગવદગીતાનું વચન અહીં યાદ આવે છે. સંસારમાં રહીને રાગ ન લાગે તેવી રીતે જીવવાની યુક્તિને ચતુરાઈ ગણવામાં આવે છે. વિવેક જ્ઞાન વિના તો ચતુર થઈ શકાતું જ નથી એ પણ હકીકત છે. સંસારમાં રહ્યા છતાં ય સંસારમાં આસક્ત ન બનનાર ચતુર ગણાય. ચતુર માણસ આસક્તિનો નાશ કરી શકે છે.

“જહાં ધીર ગંભીર .... મિલહુ કબીરા” અહીં ‘મિલહું’ ક્રિયાપદ જીવને મોહનિદ્રામાંથી ઉઠીને ધીર ગંભીર એટલે સ્થિતપ્રજ્ઞ અને અતિ નિરમલ તથા નિત્ય પવિત્ર મહાપુરુષને મળવાનો ઉપદેશ આપે છે. ગીતા પણ એવું જ કહે છે:

અનુભવવાળો હોય જે, જ્ઞાની તેમ જ હોય,
તેને જપતાં સેવતાં, પૂછ પ્રશ્ન તું કોય. (સરળ ગીતા અ-૪)