કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કાસૌં કહૌં કો સુને કો પતિયાય, ફુલવા કે છુવત ભંવર મરિ જાય ! - ૧
ગગનમંડલ મંહ ફૂલ એક ફૂલા, તરિ ભૌ ઉપરિ ભૌ મૂલા - ૨
જોતિયે ન બોઈયે સિંચયે ન સોઈ, ડાર ન પાત ન ફૂલ એક હોઈ - ૩
ફુલ ભલ ફુલલ માલિની ભલ ગાંથલ, ફુલવા વિનસિ ગૌ ભંવરનિરાસલ - ૪
કહંહિ કબીર સુનહુ સંતો ભાઈ, પંડિત જન ફૂલ રહલ લુભાઈ - ૫
સમજૂતી
બધી વાત કહું કોને કહું ? સાંભળશે પણ કોણ ? કોણ વિશ્વાસ કરશે ? એક ફૂલ જેવું છે કે તેને સ્પર્શ કરતા જ ભ્રમર મરી જાય છે. - ૧
ગગન મંડળમાં એક ફૂલ ખીલ્યું છે કે જેની ડાળીઓ નીચે ફેલાયેલી છે ને જેના મૂળ ઉપર ગગન મંડળમાં જ છે ! - ૨
એક ફૂલ એવું છે જેમાં વાવવું નથી પડતું, બીજ રોપવું નથી પડતું ! તેને ખરેખર ડાળ પણ નથી ને પાન પણ નથી ! - ૩
તે ફૂલ સારું ખીલેલું લાગવાથી માયા રૂપી માલિનીએ તેને ગૂંથિ લીધું છે. તે એની જાતે કરમાયું ત્યારે જીવ રૂપી ભમરો ખૂબ જ નિરાશ થયો ! - ૪
કબીર કહે છે કે હે સંતો, પંડિત રૂપી ભમરો પણ વિષય રૂપી ફૂલોમાં લોભાતો હોય છે ! - ૫
ટિપ્પણી
આ અવરવાણીનું પદ છે. વિશેષ કરીને રૂપાત્મક છે.
“ફુલવા છે છુવત ભંવર મરિ જાય” - મન રૂપી ભમરો વિષયવાસના રૂપી ફૂલોનો સ્પર્શ કરે એટલે તે વિવેકશૂન્ય બની જાય છે. તેથી તેનો ભોગ ભોગવ્યા વિના રહી શકતો નથી. વિવેકશૂન્ય બની જવું તે મરી જવા બરાબર ગણાય.
“પંડિત જન ફૂલ રહલ લુભાઈ” - વિષયવાસનારૂપી ફૂલ તો માત્ર વિચાર કરતા જ ખીલી નીકળે છે. તેને નથી હોતી ડાળ કે નથી હોતાં પાંદડાં. તે ફૂલમાંથી જ સંસારરૂપી એક મહાવૃક્ષ ફાલે છે ને ફૂલે છે. ગરીબ, તવંગર, ઊંચ, નીચ, ગ્રહસ્થ કે ત્યાગી સૌ કોઈ વિષયવાસનામાં મોહિત થઈ જાય છે. મોટામોટા જ્ઞાની ગણાતા પંડિતો પણ બાકાત રહી શક્યા નથી. તેથી સંસારરૂપી વૃક્ષ ક્ષણે ક્ષણે વિકાસ પામતું જ રહે છે. તેનાં મૂળ ઉપર ને ડાળીઓ નીચે હોય છે. અર્થાત્ મૂળ હોય છે મનમાં મસ્તિષ્કને ભાગે તેથી મૂળ ઉપર છે એમ કહેવામાં આવે છે. ઈન્દ્રિયોરૂપી ડાળીઓ તેની નીચે લટકતી ઝૂમતી રહે છે. ગીતા પણ કહે છે :
મનુષ્યલોકમાં કર્મથી બાંધનાર છે તે
નીચે શાખા, ઉપર છે મૂળ વૃક્ષનું એ. (અ-૧૫)
Add comment