કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
કાજી તુમ કૌન કિતેબ બખાની
ઝંખત પઢત રહો નિસિ બાસર, મતિ એકૌ નહિ જાની - ૧
સક્તિ અનુમાને સુનત કરત હો, મૈં ન બદૌંગા ભાઈ
જો ખોદાય તેરિ સુનતિ કરત હૈ, આપુહિ કટિ ક્યોં ન આઈ ? - ૨
સુનતિ કરાય તુરુક જો હોના, ઔરતિ કો કા કહિયે
અરધ સરીરી નારી બખાની, તાતે હિન્દુ રહિયે - ૩
ધાલિ જનેઉ બ્રાહ્મન હોના, મેહરિકા પહિરાયા
વૈ જનમકી સુદ્રી પરસૈ, તુમ પાંડે ક્યોં ખાયા ? - ૪
હિન્દુ તુરુક કહાંતે આયા, કિન યહ રાહ ચલાઈ
દિલમેં ખોજિ દેખ ખોજાદે, ભિસ્તિ કહાંસે પાઈ ? - ૫
કહંહિ કબીર સુનહુ હો સંતો, જોર કરતુ હે ભાઈ
કબિરન ઓર રામકી પકરી, અંત ચલૈ પછિતાઈ - ૬
સમજૂતી
હે કાજી, તું કયા ગ્રંથની પ્રશંસા કરે છે ? ઝંખનાપૂર્વક તેને તું રાત દિવસ વાંચ્યા કરે છે, છતાં તેનું જ્ઞાન તો તને થયું જ નથી ! - ૧
ખુદાના હુકમથી સુન્નત કરાવવામાં આવે છે તે વાત હું માનવા તૈયાર નથી. જો ખુદાની ઈચ્છાથી સુન્નતથી ક્રિયા થતી હોય તો એની મેળે સુન્નત કરાવીને (ગર્ભમાંથી) કેમ કોઈ જન્મતું નથી ? - ૨
સુન્નત કરાવવાથી જ જો મુસલમાન થઈ જવાતું હોય તો સ્ત્રી જાતિને તમે શું કહેશો ? કારણ કે પુરુષની ગણાતી સ્ત્રીને સુન્નત ન થતું હોવાથી તે હિન્દુ તરીકે જ રહી જાય છે ! - ૩
જનોઈ પહેરવાથી જ જો બ્રાહ્મણ થઈ જવાતું હોય તો પોતાની સ્ત્રીને શું પહેરાવ્યું ? (સ્ત્રીને જનોઈ દેતા જ હોવાથી) તે તો જન્મથી જ શૂદ્ર તરીકે રહે છે. તેનું પીરસેલું ભોજન હે બ્રાહ્મણો ! તમે શા માટે ખાવ છો ? - ૪
હિન્દુ ને મુસલમાન ક્યાંથી આવ્યા ? કોણે આ (સુન્નત તે જનોઈની) પદ્ધતિ ચાલી કરી ? અંતરાત્માને પૂછીને હૃદયથી સૌ શોધી કાઢો કે કોણે કેવી રીતે સ્વર્ગ મળ્યું ? - ૫
કબીર કહે છે કે હે સંતો, સાંભળો, તમે (સુન્નત અને જનોઈ અંગે) જોરજુલમ કરો છો ને ભગવાન બધું કરાવે છે એવા બહાના હેઠળ અજ્ઞાનતાથી બધું ચલાવો છો પરંતુ અંતકાળે જરૂર પસ્તાશો ! - ૬
ટિપ્પણી
“કાજી કવન કિતેબ બખાની” - હિન્દુ ને મુસલમાનો બંનેને સંબોધીને કબીર સાહેબે ઉપદેશ આપ્યો હોવાથી ‘કિતેબ’નો અર્થ ધાર્મિક ગ્રંથો થાય. હિન્દુઓ વેદ, ઉપનિષદ ને ગીતાને પોતાના ધાર્મિક ગ્રંથો તરીકે માને છે જ્યારે મુસલમાનો કુરાનને મહત્વ આપે છે. તેથી કાજી એટલે અહીં ધર્મગુર. ધર્મગુરુઓ માત્ર ધર્મગ્રંથો જ વાંચ્યા કરે, તેમાં વ્યક્ત કરેલું રહસ્ય સમજે નહીં ને જાણે પણ નહીં, તેમ જ જાણ્યા પછી તે અનુસાર જીવનમાં ઉતરે નહીં તો કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક લાભથી તેઓ વંચિત રહી જાય છે એવું કબીર સાહેબ માર્મિક ટકોર કરી જણાવી રહ્યા છે.
“સકતિ” શબ્દ અહીં શક્તિના અપભ્રંશ રૂપ તરીકે પ્રયોજાયો છે. સુન્નતથી પ્રથા ખુદાએ ચાલુ કરાવેલી એવું મુસલમાનો માને છે. પરંતુ એ વાત કબીર સાહેબ મનવા તૈયાર નથી. એ તો માત્ર મુસલમાનોનું અનુમાન જ કહેવાય ! એને સત્ય ન કહી શકાય ! જો એ સત્ય હોય તો ગર્ભમાં જ સુન્નત આપમેળે થઈ જવી જોઈએ. ખરેખર જન્મ્યા પછી મુસલમાનો તો સુન્નત કરાવે છે. તેથી ખુદાની કહેવાતી પ્રજા માનવસર્જિત જ છે.
“ઔરતિ કો કા કહિયે” - મુસલમાનોમાં માત્ર પુરુષોને જ સુન્નત કરાવવામાં આવે છે. સ્ત્રીને સુન્નત કરાવી શકાતું નથી. તો સુન્નત કરાવે તે જ મુસલમાન ગણાતો હોય તો સ્ત્રીને શું કહેવાય ? સુન્નત ન થતું હોવાથી સ્ત્રી મુસલમાન ન ગણાવી જોઈએ. તે તો હિન્દુ તરીકે જ રહી જવા પામે છે. અહીં “તાતે હિન્દુ રહિયે” શબ્દો તે સમયે થતી વટાળ પ્રવૃત્તિ અને તેમાં થતા જોરજુલમને માર્મિક રીતે વ્યક્ત કરી દે છે.
“વૈ જનમ કી શુદ્ધિ પરોસૈ” - એ જ પ્રમાણે જનોઈની પ્રથા માટે કબીર સાહેબ તાર્કિક વિચારણા રજૂ કરે છે. જનોઈ પહેરવાથી બ્રાહ્મણ બની જતું હોય તો સ્ત્રી જનોઈ પહેરતી જ નથી. તેથી તે શૂદ્ર જ ગણાવી જોઈએ. ‘સુદ્રિ’ શબ્દ બ્રાહ્મણોએ ઉભી કરેલી આભડછેટની પ્રથા માટે ભારે કટાક્ષ રજૂ કરે છે. શૂદ્રના હાથનું ભોજન બ્રાહ્મણો ન જમે તેથી પોતાની પત્ની જનોઈ ધારણ ન કરતી હોવાથી શૂદ્ર ગણાય માટે પત્નીના હાથનું ભોજન બ્રાહ્મણોએ ન જમવું જોઈએ !
“ખોજાદે” શબ્દનો અર્થ હે ખોજાઓ અર્થ તો હે મુસલમાનો એવો ન થઈ શકે. કારણ કે કબીર સાહેબ બંને વર્ગને સંબોધી રહ્યા છે તે ભૂલવું ન જોઈએ. અહીં ‘ખોજાદે’નો અર્થ સંશોધન કરો એવો થઈ શકે. જેમ સુન્નતની પ્રથા બાહ્યાચાર છે જે માનવે બનાવેલો નિયમ છે, ખુદાએ નહિ તેમ જનોઈની પ્રથા પણ બાહ્યાચાર છે, તે માનવ સર્જિત છે, ઈશ્વર સર્જિત નથી. આ પ્રમાણે બુદ્ધિનો ઉપયોગ કરી ધાર્મિક રીતરિવાજો પાછળ રહેલા મર્મનું સંશોધન કરવાનો કબીર સાહેબે ઉપદેશ આપેલો ગણાય. “કવીરન” શબ્દ અજ્ઞાની લોકો માટે પ્રયોજવામાં આવ્યો છે. અજ્ઞાની લોકો રામને શરણે રહેવાનો માત્ર ઢોંગ જ કરતા હોય છે. તેઓ મોઢેથી જેવું બોલે છે તેવું વ્યવહારમાં આચરણ કરતા દેખાતા નથી. તેઓ તો સ્વાર્થ સાધવા જ બોલ્યા કરતા જણાય છે. અંતે કોઈનો ઉદ્ધાર તો થતો જ નથી તે જાણીને કદાચ પસ્તાતા પણ હશે.
Add comment