Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

તન ધરિ સુખિયા કાહુ ન દેખા, જો દેખા સો દુખિયા
ઉદય અસ્તકી બાત કહત હૌં, તાકર કરહુ બિબેકા  - ૧

બાટે બાટે સભ કોઈ દુખિયા, કા ગિરહી વૈરાગી
સુખાચાર્ય દુખહી કે કારન, ગરભ હિ માયા ત્યાગી  - ૨

જોગી જંગમ તે અતિ દુખિયા, તપસી કો દુખ દૂના
આસા તૃસના સભ ઘટ વ્યાપૈ, કોઈ મહલ નહિ સૂના  - ૩

સાંચ કહૌં તો સભ જગ ખીજૈ, જૂઠ કહા નહિ જાઈ
કહંહિ કબીર તેઈ ભો દુખિયા, જિનિ યહ રાહ ચલાઈ  - ૪

સમજૂતી

માનવ શરીર ધારણ કરનાર જીવ ક્યાં પણ સુખી હોય તેવું મેં જોયું નથી. જેને મેં જોયા તેને મેં દુઃખી જ જોયા !  ઉદય (જન્મ)થી માંડીને અસ્ત (મરણ) સુધીની વાત કરી રહ્યો છું માટે તેના પર વિવેકપૂર્વક વિચાર કરો !  - ૧

રસ્તામાં મળ્યા તે સૌ કોઈ દુઃખી જ હતા પછી તે ગૃહસ્થી હોય તે ત્યાગી, વૈરાગી કે સંન્યાસી હોય !  એટલા માટે જ્ઞાનાચાર્ય શુકદેવ મુનિએ ગર્ભમાંથી જ માયાઓ ત્યાગ કરેલો.  - ૨

જોગી કે જંગમ સર્વ સાધુઓ અતિશય દુઃખી છે, તપસ્વી લોકોને તો બમણું દુઃખ હોય છે !  પ્રત્યેક શરીરમાં આશા ને તૃષ્ણા વ્યાપીને રહેલી છે.  કોઈ હૃદય રૂપી મહેલ ખાલી જણાતો નથી !  - ૩

સત્ય કહું તો આખું જગત ગુસ્સો કરે છે ને જૂઠ તો મારાથી કહી જ ન શકાય. કબીર કહે છે કે તે સૌ પણ દુઃખી દુઃખી થઈ ગયા કે જેમણે પંથને સંપ્રદાયની સ્થાપના કરેલી !  - ૪

ટિપ્પણી

“સુખાચાર્ય દુઃખ કે કારન .... ત્યાગી” - કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસના પુત્ર શુકદેવજીને ગર્ભમાં જ જ્ઞાન થઈ ગયું હતું કે સંસાર તો દુઃખમય છે. તેથી તેઓ ગર્ભમાં સોળ વર્ષ રહ્યા હતા. ગર્ભમાંથી બહાર આવે તો સંસારનું દુઃખ ભોવાવવું પડે !  તેથી ગર્ભમાં લાંબા કાલ સુધી રહેવાની અતિશયોક્તિભરી વાત કથાકારે કહી. ખરેખર તો બાળક નવથી દસ મહિના સુધી જ રહે છે !  છતાં શુકદેવજીને સોળ વર્ષ સુધી કથાકારે રહેવા દીધા એની પાછળ જો મુખ્ય કારણ હોય તો એ જ છે કે સંસાર ખરેખર દુઃખમય છે તે ભારપૂર્વક જણાવવું અને ભાવકના હૃદયમાં વૈરાગ્યભાવને જગવવો. તેથી કથાકારે શુકદેવજીને જન્મતાની સાથે જ જંગલના એકાંતવાસમાં મોકલી દીધા હતા. ગર્ભમાં જ જેની ઉંમર સોળ વર્ષની થઈ ગઈ હોય તો કૌમાર્ય અવસ્થામાં જ સર્વનો ત્યાગ કરી આત્મસ્વરૂપનું ચિંતન કરતા કરતા જંગલમાં ચાલ્યા જાય તે સમગ્ર ચિત્ર જ વૈરાગ્યભાવની તીવ્રતાનું દ્યોતક ગણાય. ભાગવત તે અંગે સ્પષ્ટતા કરતા જણાવે છે :

યં પ્રવ્રજન્તમનુપેતમપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતર આજુહાવા |
પુત્રેતા તન્મયતયા તરવોડભિનેદુ: તં સર્વભૂતહૃદયં મુનિમનતોડસ્મિ ||

અર્થાત્ જેને જનોઈ પણ દીધી ન હતી તેવા શુકદેવ વૈરાગી થઈ ચાલ્યા જતા જોઈને પિતા  વેદવ્યાસ પુત્ર વિરહના વિચારે ગભરાટ અનુભવતા ‘બેટા બેટા’ કરતા તેની પાછળ દોડવા લાગ્યા. શુકદેવજી વૈરાગ્યભાવમાં એટલા બધા તન્મય હતા કે તેમનું પિતા તરફ ધ્યાન ગયું જ નહિ !  ત્યારે પિતાને આસપાસના વૃક્ષોએ સાંત્વન આપ્યું હતું !

સર્વ દુઃખોનો અંત વૈરાગ્યની તીવ્રતાથી તરત જ આવી જાય છે એવું કબીર સાહેબ કહેવા માંગે છે. તેથી આ પદની પ્રથમ પંક્તિમાં જ તેમણે સંસારની દુઃખમયતાનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરી દીધું. તેનું કારણ જણાવતા ત્રીજી કડીમાં કહ્યું કે “આસા તૃસ્ના સતી ઘટ વ્યાપે કોઈ મહલ નહિ સૂના.” પ્રત્યેકના શરીર રૂપી મહેલમાં આશાને તૃષ્ણા વ્યાપકપણે રહેલી છે તે સર્વનાં દુઃખનું કારણ છે. તેથી વૈરાગ્યનો આ પદમાં મહિમા કરવામાં આવ્યો છે. સાચો વૈરાગી જ મનથી સુખી હોય છે !  તેણે ભલે બહારનો ત્યાગ ન કર્યો હોય. જેના હૃદયમાં અનાસક્તિનો ભાવ જેટલો વધારે તેટલો તે સુખી. અનાસક્તિ વૈરાગ્ય ભાવનો પાયો છે. તેના પર વૈરાગ્ય ટકે છે. અનાસક્તિ ન હોય અને છતાં સંન્યાસી બની ગયો હોય તો પણ તે દુઃખી જ રહે છે !  મનમાં આશા તૃષ્ણા ક્ષીણ બને તો જ અનાસક્તિ વધે ને વૈરાગ્યનો ઉદય થાય !  સંન્યાસી, ત્યાગી, ગૃહસ્થી, યોગી સૌને આ સિદ્ધાંત સરખી રીતે લાગુ પડે છે.