Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

યહ ભ્રમભૂત સકલ જગ ખાયા, જિનિ જિનિ પૂજા તિનિ જહંડાયા  - ૧
અંડ ન પિંડ ન પ્રાન ન દેહી, કાટિ કાટિ જિવ કૌતુક દેહી  - ૨
બકરી મુરગી કીન્હે ઉ છેવા, અગિલિ જનમ ઉન અવસર લેવા  - ૩
કહંહિ કબીર સુનહુ નરલોઈ, ભુતવા કે પુજલે ભુતવા હોઈ  - ૪

સમજૂતી

આ ભ્રમરૂપી ભૂતે તો જગતને ખાધું છે. જેણે જેણે તેની પૂજા કરી છે તે સૌ તો છેતરાયા છે !  - ૧
તેને નથી અંડ, નથી પિંડ, નથી પ્રાણ કે નથી કોઈ દેહ છતાં પણ જીવંત પશુઓને કાપીને તેને બલિદાન આપવામાં આવે છે તે એક મોટું આશ્ચર્ય છે !  - ૨
હે ઘાતકી મનુષ્યો !  જે બકરી, મરઘી વિગેરે જીવંત પશુઓની તમે હત્યા કરી છે તે સૌ બીજા જન્મોમાં તમારો બદલો વાળશે.  - ૩
કબીર કહે છે કે સ્ત્રી પુરુષો સાંભળો, ભૂતોનું પૂજન કરવાવાળા જરૂરથી ભૂત જ બને છે !  -  ૪

ટિપ્પણી

“યહ ભ્રમભૂત ....” - માટીનાં જડપૂતળાં બનાવી તેનું દરરોજ પૂજન કરવું અને તેને પ્રસન્ન કરવાને બહાને જીવતા પ્રાણીની હત્યા કરી નિયમિત ભોગ ચઢાવવાની પ્રથાનો પ્રારંભ અહીં ‘ યહ ભ્રમભૂત’ શબ્દથી સૂચવાયો છે. ભૂતના અનેક અર્થ થાય છે. પ્રાણી વર્ગને પણ ભૂત કહેવામાં આવે છે. અહીં પ્રયોજાયેલ ભૂત શબ્દનો સંબંધ તો પ્રેતયોનીમાં રહેવાવાળા જીવ સાથે છે.  ભ્રમ રૂપી ભૂત એવો સાદો અર્થ પણ થઈ શકે. જડમૂર્તિની પૂજા અને તેને જીવતા પશુની બલિ ચઢાવવાની પ્રથા મનના ભ્રમનું જ પરિણામ કહેવાય. “જંહડાય” એટલે છેતરાય. પૂજા કરનાર છેતરાય છે. તે સુખી તો થતો જ નથી. તેની મનોકામના કદી પણ પૂર્ણ થતી જ નથી. અંતવેળાએ અતૃપ્ત દશામાં જ તે જગની વિદાય લેતો હોવાથી તેની સદ્દગતિ થતી નથી. ‘ભ્રમભૂત’ શબ્દમાં અવગતિનો પણ ધ્વનિ રહેલો છે.

“અંડ ન પિંડ ન પ્રાન ન દેહી” - “પ્રગટે અંડ પિંડ બરભંડા, પ્રિથિમી પ્રગટ કીન્હ નવખંડા” (રમૈની-૩) બ્રહ્માએ ચાર પ્રકારની જીવસૃષ્ટિ પેદા કરી :  અંડજ, પિંડજ, સ્વેદ જ ને જરાયુજ. અર્થાત્ પશુ, પક્ષી, મનુષ્ય વિગેરે પ્રાણી સૃષ્ટિ પેદા થઈ તેથી તેમને વસવા માટે નવખંડ પૃથ્વીનો જન્મ થયો. પ્રાણી સૃષ્ટિ પેદા થઈ તેમાં ભૂતનો સમાવેશ થતો નથી. ભૂત નથી ઈંડામાંથી પેદા થતું કે નથી માનવની જેમ રાજવીર્યથી ઉત્પન્ન થતું નથી તેનો કોઈ દેહ કે નથી તેનો કોઈ પ્રાણ !  ભૂત પ્રેતની સૃષ્ટિ તો મનમાંથી પેદા થઈ છે. માનવ પોતે તેનો સર્જક છે. વાસના મનમાં રહે છે ને વાસનામાંથી જ દેવદેવીઓની સૃષ્ટિ પણ બને છે. તે સૌ નિર્જીવ છે. નિર્જીવને સજીવ પ્રાણીનો વધ કરી બલિ ચઢાવવામાં આવે છે તે એક મોથ આશ્ચર્ય !

“અગિલિ જનમ ઉન અવસર લેવા” - જીવ હત્યાનું પરિણામ હત્યા કરનારે તો ભોગવવું જ પડે છે. જે પ્રાણીની હત્યા કરી માંસ ખાવા માટે જીવ તૈયાર થાય છે તેને એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે તે પ્રાણીનો જીવ મને પણ એક દિવસ ખાશે. આ અંગે મનુસ્મૃતિમાં સ્પષ્ટીકરણ કરતા કહ્યું છે કે

માંસ ભક્ષયિતાડમુત્ર યસ્ય માંસમિહાદ્દમ્યહમ્ |
એતન્ માંસસ્ય માંસત્વં પ્રવદન્તિ મનીષિણ: ||  મનુ. પ/૧૫

અર્થાત્ જે જીવનું માંસ હું આ જન્મમાં ખાઉં છું તે જીવ જન્માંતરમાં મારું માંસ જરૂરથી ખાસે એવો માંસ શબ્દનો અર્થ બુદ્ધિવંતોએ કર્યો છે. મોં એટલે મને અને સ: એટલે તે. મને તે એક દિવસ ખાશે એવો માંસનો અર્થ બુદ્ધિશાળી માણસોએ કર્યો.

“ભુવતા પુજલે ભુતવા હોઈ” - જે જીવ જેવી ઉપાસના કરે છે તેવું તેને ફળ પ્રાપ્ત થાય છે એ શાસ્ત્રવાણીને લક્ષમાં લઈ કબીર સાહેબે જીવહત્યા ન કરવી જોઈએ અને માંસ કદી ન ખાવું જોઈએ એવો ઉપદેશ આપ્યો છે. તં યથાયથોપાસતે તાદૃગેવ ભવતિ ! અર્થાત્ જીવ જે રૂપની આરાધના કરે છે તે રૂપને તે પામે છે. ગીતામાં પણ વિગતે સમજાવ્યું છે :

દેવ ભજ્યે દેવો મળે, પિતૃ ભજ્યે પિતૃ,
ભૂતોથી ભૂતો મળે, મને ભજ્યે હું મળું. (સરળ ગીતા અ-૯)

ઉત્તમ પ્રકારના માનવધર્મનો વિકાસ કરવો હોય તો અહિંસાનું આચરણ અનિવાર્ય થઈ પડે છે. પ્રેમ અને દયા છૂપાયેલા જ છે. માનવ માનવ વચ્ચેનું અંતર ઘટાડવામાં પણ તે ઉપયોગી છે. એકવીસમી સદીમાં માનવ પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે આ ઉપયોગી ઉપદેશ ધ્યાનમાં રાખવા જેવો છે.