Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

પાવક રૂપી સાંઇયાં, સબ ઘટ રહા સમાય
ચિત ચકમક લાગૈ નહીં, તાતેં બુઝિ બુઝિ જાય !

પ્રત્યેક શરીરમાં પરમાત્મા અગ્નિની માફક રહેલા છે. પરંતુ એને પ્રગટ કરવા ચિત્તરૂપી ચકમક ઉપયોગ કરવો જોઇએ. ચકમક બરાબર ઘસવામાં ન આવે તો તણખા બુઝાઇ જતા જણાય છે.

નોંધ :  કબીર સાહેબે અગાઉ શબ્દ-બ્રહ્મના રહસ્યને જાણ્યા વિના કાગડામાંથી હંસ થવાતું નથી તેમ કહ્યું તે સંદર્ભમાં ત્યારે પછીની સખીઓ સમજવાથી આનંદ આવશે. જાણવું એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું. જ્ઞાન વિના મુક્તિ નથી એવી શાસ્ત્રવાણી છે. પરંતુ એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું એ સમસ્યાનો કબીર સાહેબ આ બધી સખીઓ દ્વારા ઉકેલ સૂચવી રહ્યા છે. ચકમકના રૂપક દ્વારા ચિંતન, મનન ને નિદિધ્યાસન જ્ઞાનની પ્રાપ્તિમાં સાધનો છે તેવું સૂચવી રહ્યા છે. જે રીતે ચકમક ઘસવાની પ્રક્રિયા જરૂરી છે તે રીતે ચિંતન ને મનન જરૂરી છે. ઘસવાથી તણખા ઝરે છે ને બાજુમાં રૂ રાખવાથી તેમાં અગ્નિ સાકાર થાય છે. તેમ ચિંતન ને મનન દ્વારા મનને યોગ્ય કેળવણી મળે છે ને પછી એકાગ્રતાની અવસ્થામાં પરમાત્માની બૌદ્ધિક પ્રતીતિ થાય છે. ત્યારે પછી ધ્યાનમાં નિમગ્ન બનવાના પ્રયત્નો દ્વારા એક દિવસ સત્ય સ્વરૂપ પરમાત્માનું જ્ઞાન પ્રગટે છે.