Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાના રંગ તરંગ હૈ, મન મકરંદ અસૂઝ
કહહિં કબીર પુકારિકે, અકિલ કલા લે બૂઝ

જુદા જુદા ભાવો રૂપી રંગ તરંગ પેદા થયા કરે છે ને તેમાં આસક્ત બનવાથી મન રૂપી ભ્રમર ભ્રમમાં પડે છે. તેથી કબીર પુકાર કરીને કહે છે કે બુદ્ધિ રૂપી અકલ કલા જે પ્રભુએ સૌ મનુષ્યોને આપી છે તેનો સમુચિત ઉપયોગ કરો ને સત્યને સમજી લો.

નોંધ :  ગીતાના ત્રીજા અધ્યાયના છેલ્લા શ્લોકોમાં પરમાત્માએ આપેલા સાધનોની ચર્ચા કરવામાં આવી છે. આ શરીરમાં ઈન્દ્રિયો છે અને તે પણ બળવાન છે. તેનાથી વધારે બળવાન પ્રાણ છે. તેનાથી વધારે બળવાન મન છે. ને મનથી પણ વધુ શક્તિશાળી બુદ્ધિ છે. ને બુદ્ધિથી પણ વધારે બળવાન આત્મા છે. જેમ પ્રાણ, મન સ્થિર બને તો તેની શક્તિનો ઉપયોગ આત્મકલ્યાણ કરવામાં  થઈ શકે તેમ બુદ્ધિ પણ સ્થિર બને તો જ આત્મકલ્યાણ સાધી શકે. આ દષ્ટિએ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો સમજવા જોઈએ. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. સ્થિત એટલે સ્થિર. જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે તેનાં લક્ષણો ગીતાના બીજા અધ્યાયમાં આપવામાં આવ્યાં છે. બુદ્ધિનો સમુચિત ઉપયોગ કરવામાં આવે તો તેની પાસે રહેલી “અકલ કલા’નો અનુભવ સૌ કોઇને થઈ શકે.