કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
તન કો જોગી સબ કરે, મનકો બિરલા કોય,
સહજૈ સબ વિધિ પાઈએ, જો મન જોગી હોય.
વેશ બદલીને તો સૌ કોઈ શરીરને યોગી બનાવે છે, પરંતુ કોઈ વિરલા જ મનને યોગી બનાવતા હોય છે. જો સાચી રીતે મન યોગી થયું હોય તો સંપૂર્ણ રીતે સહજ અવસ્થાની પ્રાપ્તિ થાય છે.
નોંધ : કબીર સાહેબ સાચા સંતનું વર્ણન કરી રહ્યા છે. સાચા સંત હોય તેને કપાળે તત્વજ્ઞાનનું તિલક શોભતું હોય છે અને કાનમાં ધ્યાનનાં કુંડળ શોભતા હોય છે. મતલબ કે સાચા સંત તત્વજ્ઞાન મહાપુરુષ હોવાથી ગમે તેવી વાતો કરતા નથી હોતા. ગમે તેની પાસે પણ તત્વજ્ઞાનની વાતો કદી કરે નહીં. જિજ્ઞાસુ માણસને પરખીને જ તે યોગ્ય માર્ગદર્શન આપવા પ્રયત્ન કરે છે. ધ્યાનમાં કુંડળ એટલે તેનું મન હંમેશ ધ્યાનસ્થ રહે છે. શરીર બીજો વ્યવહાર કરતું હોય તો પણ તેનું મન પરમાત્મ તત્વમાં જ લીન રહેતું હોય છે. વ્યવહારમાં તેના દ્વાર સત્કર્મ જ થતું રહે છે. બાહ્યાચારમાં તે હાથમાં માળા ન રાખે પણ પોતાના મનની માળા બનાવીને જ પરમાત્માનું સ્મરણ કરતા રહે છે. નિર્ભયતાની પ્રાપ્તિ માટે તે સખત તપશ્ચર્યાનો પણ આશરો લે છે. પોતાના શરીરને કૃશ પણ કરી નાંખે છે. કેડે કંદોરો બાંધવો એટલે આકરી તપશ્ચર્યા કરવી તેવા પુરુષ વિરલ જ હોય છે. તેવા મહાપુરુષોએ આત્મદર્શનની સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાથી તેમને સર્વમાં પરમાત્મતત્વનાં જ દર્શન થતાં હોય છે. તેવા મહાપુરુષોનો સંગ કરવાથી સાધકોને અપૂર્વ લાભ થતો હોય છે. તેવા મહાપુરુષોનો સંગ કરવાથી સાધકોને અપૂર્વ લાભ થતો હોય છે. છેલ્લા સો વર્ષમાં આવા મહાપુરુષો ભારતમાં ઘણા થઈ ગયા જેવા કે, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, સ્વામી રામદાસ, શિરડીના સાંઈ બાબા, ઉપાસની બાબા, પરમહંસ યોગાનંદજી, સ્વામી યુક્તેશ્વરગિરિ, લાહિરી મહાશય, માસ્ટર મહાશય, રંગ અવધૂત, પૂ. મોટા, મહાત્મા યોગેશ્વરજી વિગેરે.
Add comment