કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
પૂજા સેવા નેમ વ્રત ગુડિયન કા સા ખેલ
જબ લગ પિઉ પરસૈ નહિ તબ લગ સંશય મેલ.
પૂજા, સેવા, વ્રત, નિયમ એ બધું ઢીંગલીના ખેલ જેવું છે. જ્યાં સુધી અંતરમાં પ્રિયતમ પ્રભુનો સ્પર્શ ના થાય ત્યાં સુધી શંકાકુશંકાઓનો મેલ મનમાં રહે છે.
નોંધ : કબીર સાહેબ બાહ્યાચાર પર બહુ ભાર આપતા નથી. પ્રત્યેક મનુષ્યના શરીરમાં જે આત્મા રહે છે તે જ પરમાત્મ સ્વરૂપ છે. તેનું દર્શન કરવાથી જ કૃતાર્થ થઇ જવાય છે. પ્રાથમિક અવસ્થામાં સાધકને બૌદ્ધિક પ્રતીતિ થઇ જાય છે. પછી સંશયો પજવતા નથી. સંશયોનો આપોઆપ નાશ થઇ જાય છે. બૌદ્ધિક પ્રતીતિ થાય પછી જ સાધકને પૂજા, સેવા, વ્રત, નિયમો ઇત્યાદિનું રહસ્ય સમજાવા લાગે છે. તેવી સ્થિતિમાં કરેલી પૂજા કે સેવા રસમય હોય છે. બાકી જેને પરમાત્મ સ્વરૂપનો સ્પર્શ જ નથી થયો અથવા તો જેને લગીરે અનુભૂતિ નથી થઇ તેને માટે પૂજા યંત્રવત બની જાય છે. માત્ર ઢીંગલીના ખેલ જેવી દશા થઇ જાય છે. કબીર સાહેબ આત્મજ્ઞાની મહાપુરુષ હતા ને તેમણે આત્મસાક્ષાત્કાર કર્યો હતો તેની પ્રતીતિ તેમની વાણી દ્વારા વાચકને થાય છે તેથી તેમની વાણી અનુભૂતિની વાણી ગણાય છે. સાધકને સ્પષ્ટ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.
Add comment