કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ચીંટી ચાવલ લૈ ચલી, બિચમેં મિલિ ગઈ ૧દાર
કહ કબીર દોઉ ના મિલૈ, એક લે દુજી ૨ડાર
૧ = તુવરનો દાણો, ૨ = છોડી જવું
કીડી ચોખાનો દાણો લઇને ચાલી નીકળી. ત્યાં તો એને વચમાં દાળનો દાણો મળી ગયો. કબીર કહે છે કે કીડી બંનેને એકી સાથે કેવી રીતે ગ્રહણ કરી શકે ? ગમે તે એકને તેણે ત્યજી દેવું જરૂરી છે.
નોંધ : કીડીનું રૂપક જીવ માટે છે. ચોખાનો દાણો એટલે શુદ્ધ આત્મસ્વરૂપ. શુદ્ધ આત્મતત્વ લઇને પ્ત્યેક જીવ જગતમાં જન્મે છે. પરંતુ જગતનું ભાન પ્રગટે ત્યારથી તેનું ધ્યાન તુવરની દાળ તરફ ખેંચાય છે. તુવરની દાળ એટલે રંગીન સંસાર. અથવા તો સંસારના વિધ વિધ પ્રકારના મોહક રંગો. જો જીવે ઉત્ક્રાંતિ તરફ પ્રગતિ કરવી હોય તો તેણે પોતાના સ્વરૂપનો પરિચય કેળવવો જ પડશે. તે માટે તેણે સંસારમયતાનાં ખ્યાલોથી વેગળા રહેવું જ પડશે. ભલે જગતમાં રહે પરંતુ મનમાં સંસારમયતાનો ગર્ભ રહેવો ન જોઇએ. નાવ પાણીમાં તરે તેમ સંસારમાં તેણે જીવવું પડશે. નાવમાં અમુક મર્યાદા સુધી પાણી ભરાય તો નાવિક ચિંતા કરતો નથી. પરંતુ પોતે નક્કી કરેલા આંકથી પાણી વધવા માંડે તો તે નાવિક પાણી ઉલેચવા જ માંડે છે. તેવી જ રીતે મનુષ્યે પણ સંસારના રંગીન વિચારો મનમાં વધવા માંડે તેની સંભાળ રાખવી જોઇએ.
Add comment